શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By

પિકનિક માટે અદ્દભૂત સ્થળ છે દીવ

પિકનિક પ્લેસ તરીકે દીવ ઘણો સારો ઓપ્શન છે. અહીં તમને પિકનિકમાં માણવા લાયક બધો મસાલો મળી રહેશે. અરબની ખાડીમાં વસેલો નાનકડો દ્વીપ દેશની સાત કેન્દ્રશાસિત પ્રદેશોમાંના દમણ અને દીવનું નાનકડું શહેર છે. અહીં ત્રણ બીચ છે - નાગોઆ બીચ, ઘોઘલા બીચ અને જલંદર બીચ. આ બીચ પર તમે પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ વગેરે માણી શકો છો.


દીવમાં જોવાલાયક અનેક સ્થળો છે જેમાં ગંગેશ્વર મંદિર, સી-શેલ મ્યુઝિયમ અને ખુકરી મેમોરિયલ ખાસ છે. દીવના નાગોઆ બીચ પાસે બનેલા સી-શેલ મ્યુઝિયમમાં તમે જાત-જાતના શંખ-છીપ જોઇ શકો છો. આમ તો આ વિશ્વનું પહેલું એવું મ્યુઝિયમ ગણાય છે જ્યાં સમુદ્રમાં મળી આવતા શંખ અને છીપલાને મેગ્નીફાઇંગ ગ્લાસ નીચે રાખવામાં આવ્યા છે.

દીવ જાઓ તો પાણી કોઠા અને દીવનો કિલ્લો જોવાનું ભૂલતા નહીં. પાણી કોઠા સમુદ્રની વચ્ચે બનેલો એક નાનકડો કિલ્લો છે. અહીં જવા માટે ટુરિસ્ટ બોટ ઉપલબ્ધ છે અને રાતના સમયે તેના પર દેખાતી સ્પેશિયલ લાઇટ ઇફેક્ટ્સ તમને મંત્રમુગ્ધ કરી મૂકશે. તો વળી દીવના કિલ્લા પરથી બીજી તરફનો સમુદ્રનો નજારો અત્યંત આકર્ષક લાગે છે. દીવના આ વિશાળ અને ભવ્ય કિલ્લાનું નિર્માણ 1535થી 1541 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેની છત પર સજેલી તોપો એ વાતનો પુરાવો છે કે તેની સુરક્ષા વ્યવસ્થા એકદમ ચૂસ્ત હતી.


આ સિવાય તમે અહીં સેન્ટ પૉલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ મ્યુઝિયમ, રુખડા વૃક્ષ, હોકા પામ વગેરે જોઇ શકો છો.

જણાવી દઇએ કે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે દીવ સડક માર્ગે જોડાયેલું છે. અમદાવાદથી તે લગભગ 500 કિલોમીટરના અંતરે અને મહારાષ્ટ્રથી 1000 કિલોમીટરના અંતરે છે. દીવમાં કોઇ રેલ્વે લિંક નથી. નજીકનું રેલ્વે સ્ટેશન વેરાવળ(90 કિલોમીટર) છે. નાગોઆમાં એરપોર્ટ છે. અહીંની એરલિંક મુંબઈ સાથે છે.



રોકાવા માટે અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી અનેક કોમ્પ્લેક્સ બનેલા છે તેમજ ફાઇવ સ્ટાર હોટેલ્સથી લઇને બજેટ હોટેલ્સ પણ અહીં ઉપલબ્ધ છે.