ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By ભીકા શર્મા|

ગુજરાતમાં ય કાશી છે, કચ્છનું કાશી, - કોડાય

૧૫૦ વર્ષ પહેલાં બન્યું હતું ‘જ્ઞાન મંદિર’

P.R


જ્ઞાન મંદિરમાં સેંકડો-હજારો અપ્રાપ્ય ગ્રંથ

વિશ્ર્વભરની વિદ્યાનગરી એટલે કાશી-બનારસ. મુંબઈનું કાશી એટલે વિદ્યાવિહાર તો કચ્છનું કાશી? કોડાય જ કચ્છનું કાશી. કોડાય ગામના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલથી સભર છે. લગભગ પાંચસો વર્ષનો ઈતિહાસ ધરાવતા કોડાય ગામની સ્થાપનાના મૂળ સુધી પહોંચી શકાતું નથી, પરંતુ જેટલું પહોંચી શકાય છે એ મજેદાર છે.

કહેવાય છે કે સંવત ૧૬૦૫માં રાવ ખેંગારજી-પહેલા અને તેમના નાના ભાઈ સાહેબજીએ જામ રાવલ પાસેથી કોડાયની સત્તા હસ્તગત કરી હતી. કચ્છ રાજ્યના યોગ્ય વહીવટ માટે રાવ ખેંગારજીએ સાહેબજીનાં ચારેય સંતાનોને કચ્છના પ્રદેશોની વહેંચણી કરી દીધી હતી. જેમાં મોથારા અને આસપાસનો વિસ્તાર હમીરજીને, રોહા-લાખાડી-કુનારિયા અને આસપાસનો વિસ્તાર પચાણજીને, આદેશર-સાણવા વગેરે તુગાજીને તથા સૌથી નાના જસાજીને ડાય-કંથાર-ગુંદિયાલી-મસ્કા-ભદ્રેશ્ર્વર-લૂણી વગેરે વિસ્તાર સોંપવામાં આવ્યો હતો. જસાજી સૌથી નાના હોવાથી તેઓ પોતે ભૂજમાં જ પિતા સાહેબજી સાથે રહેતા હતા. જોકે કોડાય તેમને ખૂબ વહાલું હતું તેથી ભવિષ્યમાં કોડાય રહેવાની ગણતરી સાથે તેમણે આ ગામમાં દરબારગઢ પણ બનાવ્યો હતો. તેઓ પોતે ભૂજમાં રહેતા હોવાથી કોડાયની જવાબદારી વહીવટદાર કામગાર જ નિભાવતા હતા.

P.R

એ સમયે રાજા-રજવાડાંઓ વચ્ચે થનારી અદાવતો કેવી હતી એની એક નાનકડી વાત કરું તો તમે માની શકો કે દાતણ જેવા ક્ષુલ્લક મુદ્દે બે રાજાઓ વચ્ચે યુદ્ધ છેડાઈ શકે? નહીં માની શકો, પરંતુ હકીકત છે. કોડાયના ઈતિહાસમાં જસાજી આવે જ અને જસાજીની વાત સાથે દાતણ માટે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ આવે જ. એ સમયે અબડાસા તાલુકાનું વિંઝાણ ગામ જામ રાવલના પિતરાઈ ભાઈ અજાજીના ક્ધટ્રોલમાં હતું. સખા હિંગોલજી પરિવારના હિંગોરાએ ઈસ્લામ ધર્મથી પ્રભાવિત થઈને ધર્મ પરિવર્તન કર્યું હતું. સિંધ પ્રાંતથી પાછા ફરીને તેમણે વિંઝાણમાં મુકામ કર્યો હતો. ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ પણ તે હિંદુ અને મુસ્લિમ બંને ધર્મનો આદર કરતા હતા.

ઈસ્લામ ધર્મના રિવાજ અનુસાર તેઓ દરરોજ સવારે પોતાનું દાતણ કરવા તળાવે જતા. તેથી દાતણ પણ તળાવના કિનારે જ રાખતા. જોકે ભાયાતની પુત્રીઓ હંમેશાં એ દાતણ તોડી નાખતી હતી. આ બાબતે વારંવાર અજાજીને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ નાનાં બાળકોની વાત જાણીને તેના પર ક્યારેય ગંભીરતાથી વિચારાયું જ નહીં, જેને કારણે આગળ જતાં બહુ ભારે કિંમત ચૂકવવાની હતી અજાજીને. વારંવાર કહેવાયા છતાંય દાતણ તોડવાનું ચાલુ જ રહેતાં મુસ્લિમ આગેવાન કુરેશીએ ભૂજ જઈને ફરિયાદ કરવાની સલાહ આપી. ભૂજ જતી વખતે રસ્તામાં તેમને જસાજી મળી ગયા. તેમને વિંઝાણ આવવાની વિનંતી કરવામાં આવી. કહેવાની જરૂર ખરી કે ત્યાં બંનેની વચ્ચે જોરદાર યુદ્ધ ખેલાઈ ગયું. આખરે આ યુદ્ધમાં જસાજીનો વિજય થયો અને એમણે થોડા સમય બાદ આ વિસ્તારને પોતાની રાજધાની બનાવવાનું નક્કી કર્યું. (રિમાઈન્ડર: માત્ર દાતણ ખાતર ખેલાયું હતું આ યુદ્ધ.)

આ યુદ્ધ દરમિયાન અજાજીની પુત્રવધૂને છેલ્લા દિવસો જઈ રહ્યા હતા. તેથી કુરેશીએ આપેલી સલાહ અનુસાર અજાજીની પુત્રવધૂને નદીની પેલે પાર લઈ જવામાં આવી હતી, જ્યાં પૂરા દિવસે તેણે પુત્રરત્નને જન્મ આપ્યો હતો. આ ઈશ્યુને કારણે જસાજીના પિતા સાહેબજી અને મોટા બાપા રાવ ખેંગારજી નારાજ હતા. એનું કારણ એ હતું કે અજાજીના પિતરાઈ ભાઈ જામ રાવલે જસાજીના મોટા ભાઈ હમીરજીની હત્યા કરી હતી. વેરની આવી મજબૂત ગાંઠો જ્યાં ઉછેરવામાં આવી હોય ત્યાં જસાજી વિંઝાણ પર કબ્જો કરે એ અજાજીનાં પત્નીને ન ગમે એ સ્વાભાવિક છે. અજાજીના પૌત્ર ખેરમાણ હાલાને જસાજીનો આખો વિસ્તાર સોંપવામાં આવ્યો, માત્ર કોડાયને બાદ કરતા. જસાજીએ કોડાયનો વિસ્તાર કામગારોને સોંપ્યો હતો. કામગારો પ્રજા પાસેથી બળજબરી પૈસા વસૂલ કરતા હતા. કામગારોના ત્રાસ બાદ આખરે સંવત ૧૭૩૫માં જસાજી-બીજાએ વિંઝાણ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. વિંઝાણ-કોડાય અને તેની આસપાસનાં ગામ તેમણે પોતાનાં પાંચ સંતાનોને સોંપી દીધાં.

કોડાય કચ્છમાં તો ખરું, પણ એ સમયે કોડાય પર કચ્છ રાજ્યનો કોઈ અંકુશ નહોતો. માનવામાં નથી આવતુંને? પણ આ હકીકત છે. કોડાય કચ્છ રાજ્યની સત્તા હેઠળ કેવી રીતે આવ્યું એ વાર્તા પણ રોચક છે. એક ક્વિક રાઉન્ડ એનો થઈ જાય. સંવત ૧૮૧૯માં કચ્છમાં ઝારાના યુદ્ધનું રણશિંગુ ફૂંકાઈ ગયું. સિંધના મુસ્લિમોએ કચ્છ પર લગભગ ૧,૨૫,૦૦૦ સૈનિકોનું કટક ઉતાર્યું હતું. કમાન્ડર વીર લાખાજીએ જોરદાર સામનો કર્યો હતો. એવું પણ કહેવાય છે કે ઝારાના યુદ્ધના કારણે વિશ્ર્વના નકશામાં કચ્છની નોંધ લેવા માટે લોકો મજબૂર થઈ ગયા હતા. ઝારાના યુદ્ધ વિશે ‘કચ્છડો બારેમાસ’માં ક્યારેક વિગતવાર ને રસપ્રદ વાતો કરીશું. અત્યારે કોડાય સંબંધિત વાત કરીએ તો ઝારાના યુદ્ધમાં કચ્છને જાન-માલનું ખૂબ નુકસાન થયું હતું. વિંઝાણને પણ નુકસાન ભોગવવું પડ્યું હતું. ત્યારે બેંકનું તો કલ્ચર જ નહોતું એટલે આ નુકસાનને ભરપાઈ કરવા માટે ૫૦૦૦ કોરી (કચ્છી ચલણ) દરબાર પાસેથી વ્યાજે લેવી પડી હતી. સંવત ૧૮૬૭માં રાધો શાહ વિંઝાણ સ્થાયી થયા. લોનનો સમયગાળો પૂરો થતાં સંવત ૧૮૬૭માં હમીરજીને રાધો શાહ પાસેથી ૬૫,૦૦૦ કોરી મળી ગઈ. આ નાણાં એમણે લાખાવીર હિંગોરાના હાથે ભૂજ મોકલાવી દીધાં. એ સમયે રાજકીય કાવાદાવા ખૂબ રચાતા. લાખાવીર હિંગોરાને પણ એક નૃત્યાંગનાના મોહપાશમાં સપડાવી દેવાયા. તેઓ એ નૃત્યાંગનાની વાતોમાં એવા તો ઘેલા બન્યા કે ૬૫,૦૦૦ કોરી તેને ભેટ તરીકે આપી દીધી. બીજી બાજુ લોનનો પિરિયડ પૂરો થતાં કચ્છ રાજ્યના અધિકારીઓએ વિંઝાણ સંદેશો મોકલ્યો કે ‘દેવું ચૂકતે કરી શકાયું નથી. તેથી દસ્તાવેજો પ્રમાણે હવે કોડાયનો વહીવટ રાજ્યના હસ્તક રહેશે.’ એ દિવસથી એટલે કે સંવત ૧૮૬૭થી માંડવીના વહીવટકર્તા હંસરાજ શાહે કચ્છ રાજ્ય વતી કોડાય પોતાને હસ્તક કર્યું.

P.R

માંડવી તાલુકાનો એકપણ પ્રદેશ સંવત ૧૮૬૭ સુધી કચ્છ રાજ્ય હસ્તક નહોતો. માંડવી તાલુકાનું કોડાય પહેલું ગામ હતું કે જેના પર રાજકીય રમતોને અંતે કોડાય કચ્છ રાજ્યનું એક અંગ બન્યું. કામગારોની જબરજસ્તીનો અહીં અંત આવ્યો અને પછી તો ધીરે-ધીરે લોકો વસવાટ માટે - ખેતી માટે કોડાય પસંદ કરવા લાગ્યા. આજની વાત કરીએ તો આજે લગભગ ૭૫૦ ખેડૂતો કોડાયમાં વસે છે.

કોડાયના ઈતિહાસના માઈલસ્ટોનની ચર્ચા કર્યા બાદ જેના વગર આ લેખ અધૂરો રહી જાય એ ‘જ્ઞાન મંદિર’ની વાત કરવી છે. જ્યારે જાણ્યું કે ૧૫૦ વર્ષ પહેલાં આ ગામમાં કોઈ પણ દેવી-દેવતાની પ્રતિમાને બદલે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનાં જૈન શાસ્ત્રો, હસ્તલિખિત ગ્રંથો, આગમ વગેરેની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ખરેખર એ ગામવાસીઓ માટે અનહદ માન ઊપજ્યું. દોઢ સદી પહેલાં આ ગામના લોકોના વિચારો કેટલા ઉન્નત હશે એનો ખયાલ ‘જ્ઞાન મંદિર’ના કોન્સેપ્ટ પરથી છતો થઈ જાય છે. કોડાયના હેમરાજ ભીમશીએ સદગામ પ્રવૃત્તિ સંસ્થાના શ્રીગણેશ કર્યા અનેે પછી તો લોગ મિલતે ગયે, કારવાં બનતા ગયા. કચ્છનાં નાનાં-નાનાં ગામડાંની મહિલાઓ-પુરુષો અહીં સંસ્કૃત શીખતાં. સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યા બાદ અનેક લોકો ઉચ્ચ અભ્યાસ માટે કાશી અને બનારસ પણ ગયા છે. અપ્રાપ્ય હસ્તલિખિત ગ્રંથોને કારણે આ લાઈબ્રેરી ભારતની સૌથી જૂની લાઈબ્રેરી તરીકેનું માન મેળવે છે. હવે તમે જ કહો કે જ્ઞાનનો આવો મહિમા જાણતું ગામ કચ્છનું કાશી કહેવડાવવાનો હક્ક તો ધરાવે જ છેને!