બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:18 IST)

કોંગ્રેસની યાદીમાં વિલંબ-ધારાસભ્યોમાં ભડકો

આજે કોંગ્રેસ હાઇકમાંડે 87 બેઠકોની યાદી જાહેર કરશે

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ગઇકાલ મંગળવારે જિલ્લે જિલ્લે બળવાની અને રાજીનામું આપવાની ધમકીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે કાઁગ્રેસની યાદી મોડી રાત સુધી જાહેર કરવામાં વિલંબ થયો છે. આ યાદી જાહેર કરવામાં આવે તે પહેલાં કેટલાક નામ વહેતા થતા ભડકો થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના મજબૂત ઉમેદવારોને બાજુએ રાખીને આવા નબળા ઉમેદવાર મૂકવામાં આવે તે અમારું અપમાન છે. હજી ભૂલ સુધારી લો નહિતર અમારે રાજીનામું આપવાની ફરજ પડશે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ધંધુકાના આગેવાનોના પ્રતિનિધિમંડળે પ્રદેશ સમિતિમાં આ બેઠક એનસીપીને આપવામાં આવે તો માઠા પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. આ જ રીતે અમરેલી જિલ્લાના મોટાભાગના આગેવાનોએ ભાજપના અસંતુષ્ટોને બેઠક ફાળવવા સામે બળવો કરીને રાજીનામું અને અપક્ષ ઉમેદવારીની ધમકી આપી છે. આમ જિલ્લે જિલ્લે બળવાની પરિસ્થિતિનો હેવાલ દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાન જનપથ ખાતે મોકલવામાં આવતા મોડીરાતે દિલ્હીમાં ડેમેજ કંટ્રોલની ક્વાયત હાથ ધરાઈ હોઈને યાદીની જાહેરાત અટકી પડી છે.

આ ઉપરાંત દાહોદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઉમેદવારોના વહેતાં થયેલાં નામો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજીનામાની ધમકી આપી છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રથમ તબક્કાની ચૂંટણીની 87 બેઠકોમાંથી 80 ઉમેદવારોના નામ મંજૂર કર્યા છે. 20 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. 20 ટિકિટ ભાજપના બળવાખોરો, એનસીપી, લાલુપ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાનના પક્ષને, સીપીઆઈ, સીપીઆઈએમને ફાળવવામાં આવી છે.

બે બેઠક પરના ઉમેદવારોના નામ સુરેશ મહેતા અને ગોરધન ઝડફિયા જાહેર કરશે. આજે બુધવારે બપોરે 12 વાગ્યે આ સંપૂર્ણ યાદી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે જાહેર કરવામાં આવશે. જિલ્લા પ્રમુખોને કોંગ્રેસ હાઈકમાન્ડે મેન્ડેટનો અધિકાર આપી દીધો છે. આથી સ્થાનિક સ્તરેથી મેન્ડેટ રિલીઝ કરવામાં આવશે. જૉ કે બાકીની સાત બેઠકોના નામ કયારે જાહેર કરાશે તે અંગે હજુસુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વઢવાણમાં સ્થાનિક નેતાઓને બદલે આયાતી ઉમેદવાર હિમાંશુ વ્યાસ અને ધંધૂકાની બેઠક એનસીપીને આપવાના નિણર્યથી હજારો આગેવાનો-કાર્યકરોએ સામૂહિક રાજીનામાં ધરી દેવાનો નિણર્ય કર્યોછે. રાજકોટ-૧માં જયેશ રાદડિયા રાજકોટ-૨માં કાશ્મીરા નથવાણી અને રાજકોટ (ગ્રામ્ય)માં શાંતાબહેન ચાવડાના ટેકેદારને બદલે અન્યને ટિકિટ આપવાના મુદ્દે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.

સુરેન્દ્રનગર તાલુકાના પૂર્વ ધારાસભ્યો રણજિતસિંહ ઝાલા, નંદકિશોર દવે, હસુભાઈ વોરા, સાંસદ સવશી મકવાણા અને જીતુભાઈ ભટ્ટ, જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસના હોદેદારો, માજી સભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિતના અનેક આગેવાનોએ બહારના અને અનુભવ તથા કક્ષા અને તાલુકાની દૃષ્ટિએ નબળા આયાતી ઉમેદવાર માથે થોપવાના નિણર્યને સમગ્ર જિલ્લાના નેતૃત્વનું અપમાન ગણાવી ફેકસ દ્વારા પ્રદેશના આગેવાનોને પુન: વિચારણા કરવા અને રાત સુધીમાં નિણર્ય ન લેવાય તો સામૂહિક રાજીનામાં આપવાની ધમકી ઉરચારી છે.

સૂત્રોએ જણાવ્યું કે, પૂર્વ નાણાપ્રધાન અરવિંદ સંઘવીને વઢવાણને બદલે ધ્રાંગધ્રાની બેઠક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઈનકાર કર્યો છે. રાજકોટ-૨માં ઈન્દ્રનીલ રાજયગુરુનું પત્તું કાપીને વાધેલા જૂથના કાશ્મીરા નથવાણીની પસંદગી થતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.