શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

ગુજરાત લશ્કરી છાવણીમાં ફેરવાયુ

કેન્દ્રીય સરકારે ગુજરાતમાં શાંતિ રાખવા લીધેલા પગલાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પાછલી ચૂંટણીની તુલનાએ 40 હજાર વધુ સુરક્ષા જવાનો મોકલવાનો નિર્ણય કેન્દ્રની યુ.પી.એ. સરકારે લીધો છે. 2002ની ચૂંટણીમાં 20 હજાર સુરક્ષા કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા અને તે પણ તબક્કાવાર. આ ચૂંટણીમાં 60 હજાર જેટલી વિપુલ સંખ્યામાં સુરક્ષા જવાનો કેન્દ્ર મોકલશે. હાલના ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામી 2002માં એન.ડી.એ.ની સરકારમાં ગૃહસચિવ હતા ત્યારે વડા ચૂંટણી કમિશનર જે. એમ. લિંગદોહે બંને તબક્કાની ચૂંટણી માટે 400 કંપની માગી હતી, પરંતુ ગોપાલસ્વામીએ બે તબક્કામાં વારાફરતી કંપનીઓ પાઠવી હતી. તે સમયે કેન્દ્રીય દળોની માગણી સામે પુરવઠો કરવાનો ઈન્કાર કરવા બદલ ગોપાલસ્વામી વિવાદમાં ફસાયા હતા. આ વખતે તેઓ વડા ચૂંટણી કમિશનર છે અને કોઈ કચાશ રાખવા માગતા નથી અને ખુદ ગૃહખાતું કચાશ રાખવા માગતું નહીં હોવાથી બને તેટલી વધુ કેન્દ્રીય ટુકડીઓ મોકલવા તૈયાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ.), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ.), ઈન્ડો-તિબેટના બોર્ડર પોલીસ અને સશસ્ત્ર સીમા બળની 550 કંપનીઓ તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત પડોશનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પોલીસ કર્મચારીઓને પાઠવવાની સૂચના અપાઈ છે.

પશ્ચિમ બંગાળામાં 2006ની ચૂંટણી સમયે 294 બેઠકો માટે પાંચ તબક્કાની ચૂંટણીમાં 600થી વધુ સુરક્ષા કંપનીઓ અપાઈ હતી જ્યારે ગુજરાતની 182 બેઠકોની બે તબક્કાની ચૂંટણી માટે 60 હજાર સુરક્ષા જવાનો મોકલવાની કેન્દ્રની કૃતિ અતિરેક ગણવામાં આવે છે. ગુજરાતમાં કોમી અશાંતિ ફેલાય તેવા જોખમના કારણે કેન્દ્ર સરકારે આટલી મોટી સંખ્યામાં દળો પાઠવવાની નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગત પહેલી તારીખે રાજ્યમાં કેન્દ્રીય સુરક્ષા દળોની 17 કંપનીઓ દાખલ થઈ ચૂકી હતી, જેથી મતદાતાઓમાં વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થાય અને તેઓ મતદાન કરવા આગળ આવી શકે.