બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

મોદીના વિકાસના દાવા પોકળ - સોનિયાજી

ભાજપ પર ખોટા વચનો આપવાનો આરોપ સોનિયાજીએ મુક્યો

PIBPIB

અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2007 આગામી 11 અને 16મી ડિસેમ્બર હોવાથી તેના પ્રચારમાં આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી આજે મંગળવારના રોજ સાબરકાંઠાના ઇડર ખાતે બપોરના ૧૨-૩૦ વાગ્યે જાહેર સભાને સંબોધી હતી તેમાં તેઓએ ભાજપ સરકાર પર નિશાના સાધ્યા હતાં, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભય અને મોતના સોદાગર કહ્યાં બાદ હવે રાજ્ય સરકારના વિકાસના દાવાને પોકળ અને અર્થહિન ગણાવ્યાં હતાં.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે તેમનો પક્ષ જે વચનો આપે છે તેને તે પુરા કરે છે. ભાજપ સરકાર તેમના શાસનમાં સર્વાંગી વિકાસના દાવા કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયાએ આ દાવાને ફગાવ્યાં હતાં અને તેમણે ભાજપ પર ખોટા વચનો આપવાનો આરોપ મુક્યો હતો.

શ્રીમતી ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો હેતુ તેમના કરતાં શુધ્ધ છે. ચૂંટણી ઢંઢેરામાં અમે કરેલા વચનો તેમના જેવા પોકળ નથી. ભાજપ દાવો કરી રહ્યું છે કે, જ્યારથી તે સત્તા પર આવ્યું છે ત્યારથી રાજ્યમાં સર્વાંગી વિકાસ થયો છે. પરંતુ હાલ તો ઉત્તર ગુજરાતના લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. વર્તમાન સરકારથી રાજ્યને મુક્ત કરવાનો અમારી સમક્ષ પડકાર છે.

તેઓએ આગામી બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જ મત આપવાની લોકોને અપીલ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી હંમેશા ઉદ્યોગોને જ મદદ કરતાં હોવાનો આરોપ સતત કોંગ્રેસ મુકતું આવ્યું છે અને સોનિયાએ પણ જણાવ્યું હતું કે ભાજપ માટે પ્રગતિનો અર્થ ચારથી પાંચ લોકોને લાભ આપવો એટલો જ છે.
PIBPIB

સાંપ્રદાયિકરણ અને આતંકવાદના ખતરા અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઇ પણ સ્વરૂપમાં ખતરનાક છે. તેનાથી દેશ સામે ખતરો છે અને કોંગ્રેસ આવા દળો સામે લડી રહ્યું છે. રાજીવ ગાંધી અને ઈંદિરા ગાંધી જેવા કોંગ્રેસ નેતાઓએ આતંકવાદ સામેની લડાઈ લડતા લડતા મૃત્યુ પામ્યાં છે.

ત્યારબાદ શ્રીમતી સોનિયાજી કચ્છના ગાંધીધામ ખાતે સાંજના ૪-૩૦ વાગ્યે જાહેરસભાઓને સંબોધવા પહોચી ગયા હતા.

સોનિયા ગાંધી 8મી ડિસેમ્બરે કપડવંજ, માંડવી અને અમરેલીમાં તથા 13મીએ પાટણ, ડભોઈ અને ધોળકા ખાતે એમ આ બે દિવસ દરમ્યાન 6 જેટલી જાહેરસભાઓ યોજશે. વડા પ્રધાન મનમોહનસિંહ પણ રાજ્યના ચાર મહાનગરોમાં ચૂંટણી સભાઓ સંબોધશે, જેમાં 7મી ડિસેમ્બરે સુરત અને રાજકોટ તથા 11મીએ અમદાવાદ અને વડોદરામાં તેમની જાહેરસભાઓ યોજાશે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સોનિયાએ પ્રથમ આદિવાસી અને પછી મહિલા સંમેલનો યોજ્યાં હતાં. 1લી ડિસેમ્બરે પણ તેમણે રાજકોટના જસદણ અને નવસારીના જમાનપાડા (તા. ચીખલી) ખાતે જાહેરસભાઓ યોજી હતી, જેમાં વિશાળ જનમેદની જોઇ જતાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ગેલમાં આવી ગયા છે. તેઓ એમ માને છે કે આજે મંગળવાર 4થી ડિસેમ્બરના રોજ ઇડર, ગાંધીધામ સહિતની સોનિયા ગાંધીની આઠ જેટલી વિશાળ જાહેરસભાઓને કારણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું નૈતિક બળ વધશે. જેઓ સીધો ફાયદો તેમને પ્રદેશ આગેવાનોની ચૂંટણી સભાઓ અને પ્રચારમાં પણ થશે.