ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

સોનિયાજી મને ફાંસીએ ચડાવી દે-મોદી

સોહરાબુદીન એન્કાઉન્ટર લઇને મોદી સોનિયા પર ઉછળિયા

NDN.D

માંગરોળ (વેબદુનિયા) ગુજરાત વિધાન સભાની ચૂંટણીએ જોર પકડયું છે કોંગ્રેસની ડોર શ્રીમતી સોનિયા ગાંધીએ સંભાળી લીધી છે ત્યારે ભાજપના લાડીલા શ્રી નરેન્દ્ર મોદી એકલા હાથે ચૂંટણી જંગ લડવા નિકળી પડયા છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાતના માંગરોળ ખાતે યોજાયેલી સભા દરમિયાન મોદીએ એંકાઉંટરમાં માર્યા ગયેલા સોહરાબુદીન શેખ સાથે જે પણ થયું તે બરાબર થયું અને તે તેનો હકદાર હતો તેવું કહતા સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓએ માત્ર ગુજરાતના રાજકારણમાં જ નહી પરંતુ દેશ અને વિદેશમાં પણ ગરમાવો પેદા કરી દીધો છે. મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ જાત જાતના આરોપોનું દોષારોપણ કરીને વોટ મેળવવાની તડજોડમાં લાગી ગયા છે. આમાંથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બાકાત રહી શકે ખરા? મોદી સાહેબે સોહરાબુદીન શેખ એન્કાઉન્ટર કેસને બિલકુલ યથાર્થ ઠેરવતા કહી દીધું કે તેણે જે કર્યુ તેનું તેને ફળ મળ્યું હતું.

જો 2002ની ચૂંટણીમાં મોદીને પાકના મિયા મુશરર્ફે આડકતરી રીતે મદદ કરી હતી તો આ વખતે સોહરાબુદીન એંકાઉંટર અને ઓપરેશન કલંક નામનું ટ્રંમ્પકાર્ડ તેને ઉપયોગી બની શકે તેમ છે.

આ સભા દરમિયાન મોદીએ લોકોને પ્રશ્ન પૂછયો હતો કે જે વ્યકિત ગેરકાયદેસર રીતે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી રાખતો હોય તેની સાથે શું કરવુ જોઈએ. લોકોએ મોદીની જ ભાષામાં જવાબ આપ્યો કે તેને મારી નાખવો જોઈએ. મોદી તો જાણે આ જ જવાબની રાહ જોઈ રહ્યાં હોય તેવું લાગ્યું અને તુરંત તેમણે કોંગ્રેસ અઘ્યક્ષા સોનિયા ગાંધી પર નિશાન તાંકતા કહ્યું કે, તો પછી જો મે કઈ ખોટું કર્યુ હોય તો પછી ભલે સોનિયાની સરકાર મને ફાંસીએ ચડાવી દે.

મોદીએ સોનિયા પર વધુ આકરા પ્રહારો કરતા એમ પણ જણાવ્યું કે, સોનિયા ગાંધી આતંકવાદ પર વાતો કરે છે પરંતુ તેમણે તેનો સમૂળગો હક જ ગુમાવી દીધો છે. કારણ કે સુપ્રિમ કોર્ટે સંસદ પર હુમલાના કેસમાં દોષિત ઠરેલા અફઝલ ગુરુની ફાંસીની સજા સુનિશ્ચિત રાખવા છતાં પણ હજૂ અફઝલને ફાંસી મળી નથી.
PRP.R

અત્રે ખાસ નોંધનીય છે કે સોહરાબુદીનનું 2005માં નકલી એન્કાઉન્ટર અને તેની પત્ની કૌસરબીની રહસ્યમય સંજોગોમાં હત્યા થવાથી ગુજરાત સરકાર અને ખાસ કરીને મોદી પર મોટી તવાઈ આવી ગઈ હતી. સોહરાબુદીન એંકાઉંટર પ્રકરણે સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચાકી દીધી છે. આ કેસમાં ડીઆઈજી બોર્ડર રેન્જ ડી.જી.વણઝારા (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડ ગુજરાત પોલિસના તત્કાલિન વડા) સહિત ૩ આપીએસ ઓફિસરોની ધરપકડ પણ થઈ છે. તેમાં રાજકુમાર પાંડિયન અને દિનેશકુમારની અટકાયત બાદ કેસમાં સંડોવાયેલા ઇંટેલિજંસ બ્યુરોના ડીવાયએસપી એમ.એલ.પરમારની પણ અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પીએસઆઇ બી.આર.ચૌલે, પીઆઇ એન.એચ.ડાભી. પીએસઆઇ એન.વી.ચૌહાણ, પો.કે. મોહબ્બતસિંહ જેઠીસિંગ, અને પાંડિયનના પીએ અજય પરમાર વગેરે.. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજયમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયેલા 15 એંકાઉંટરની તપાસ થઇ રહી છે.