ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By એજન્સી|

કોંગ્રેસનો મોદીત્વ સામે જેહાદ શરૂ

ભાજપના અસંતુષ્ટો પણ મોદી વિરૂધ્ધ કોંગ્રેસી બન્યાં

PRP.R

ગુજરાતમાં 1995 થી સત્તાથી વંચિત રહેલી કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા હાથવેગ દેખાઈ રહી છે. ગાંધીનગરની ગાદી કોંગ્રેસને ક્યારે મળશે? એવા દિવાસ્વપ્નમાં રાચતાં કોંગ્રેસના નેતાઓને અને ભાજપના અસંતુષ્ટોની ભાજપ વિરોધી પ્રવૃત્તિઓનો ફાયદો સત્તાની નજીક પહોચવામાં મદદ કરશે એમ માની રહ્યાં છે. પરંતુ કોંગ્રેસમાં ટોળકીવાદ એની ચરમસીમાએ પહોચતો હોય છે. હાલમાં કોંગ્રેસનું એક્માત્ર ધ્યેય ગુજરાતમાં સત્તાના સૂત્રો કેવી રીતે ઝબ્બે કરવા તે રહ્યું છે. પહેલાં કિલ્લો સર કરી લો, બાકી બધું પાછળથી જોવાશે.

આમ, ગાંધીનગરનો કિલ્લો કબજે કરવા મોદી વિરોધી ભાજપના અસંતુષ્ટોને કોંગ્રેસમાં પ્રવેશ આપીને પણ એકવાર મોદીને હટાવો. મોદી હટાવો ઝુંબેશને ઉગ્ર સ્વરૂપ આપવા કોંગ્રેસે અન્ય પક્ષો સાથે પણ બેઠકો અંગે સમજૂતિનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાતના રાજકારણમાં આગામી ચૂંટણીમાં એક તરફ મોદી અને એક તરફ કોંગ્રેસ સહિત ભાજપના અસંતુષ્ટો, સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિના નેજા હેઠળ સંમેલનો યોજતો પાટીદાર સમાજ, નારાજ કોળી સમાજ, પટેલ સમુદાય, ગુજરાતના મોદી અને ભાજપ સરકારથી નારાજ ખેડૂતો અને અન્ય રાજકીય પક્ષો સૌ સાથે મળીને મોદી અને ભાજપને સત્તા પર આવતો અટકાવવાની કામગીરીમાં લાગી ગયાં છે.
PRP.R

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એનસીપી સાથે બેઠકોની સમજૂતિ કરી કોઇ પણ ભોગે કોંગ્રેસની વોટબેંકમાં ગાબડુ ન પડે તે માટે તૈયાર થઈ ગયો છે. ઉપરાંત, મોદી વિરોધી જેહાદમાં કોંગ્રેસ સૌને સાથે લઈને સત્તા મેળવવા માંગે છે. જો કે જે લોકો ભાજપને મત આપે છે એવા લોકો ભાજપની વર્તમાન રાજકીય ગતિવિધિઓથી નારાજ તો છે જ, ભાજપ પ્રત્યે માન નથી અને કોંગ્રેસ પ્રત્યે ભય અને ધિક્કાર છે. તેમ છતાં અન્ય કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાથી બંને પક્ષમાંથી એકની પસંદગી કરે છે.

ગુજરાતની પ્રજાએ ભાજપ અને તેના નેતાઓ પર વિશ્વાસ મુકીને ભાજપને સ્પષ્ટ બહુમતિ આપી હતી. કોંગ્રેસના યોગ્ય વિકલ્પના સ્વરૂપે ગુજરાતની પ્રજા ભાજપ તરફ વળેલી. પરંતુ પ્રજાને ભાજપ પ્રત્યેનો મોહભંગ થયો. ભાજપનું પણ કોંગ્રેસીકરણ થઈ ગયું તેમ પ્રજા માની રહી છે. ભાજપ કે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઝાઝો તફાવત રહ્યો નથી. બધા જ રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ પ્રજાને યાદ કરે છે, એકવાર સત્તા મળી ગયાં પછી તું કોણ ને હું કોણ? એવો ભાવ રાજકીય નેતાઓના અનુભવમાંથી પ્રજા પારખી ગઈ છે. કોંગ્રેસ પણ સારી રીતે જાણે છે કે પ્રજા બીજે ક્યાં જશે? ભાજપથી નારાજ પ્રજા કોંગ્રેસને મત આપશે. પરિવર્તન સંસારનો નિયમ છે. એ નિયમ હેઠળ કોંગ્રેસ હવે મલ્કાય છે. કોંગ્રેસ વર્ષો જુની પાર્ટી છે. દરિયા સમાન છે. નાની-મોટી નદીઓ તો છેવટે આ દરિયામાં જ સમાઈ જાય છે. ભારતના રાજકારણ અને ગુજરાતના રાજકારણમાં આ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવી છે અને ચાલશે.
PRP.R

ભુતકાળમાં સ્વ. ચીમનભાઈ પટેલ જનતાદળ ગુજરાત બનાવીને ત્રીજા વિકલ્પ તરીકે બહાર આવ્યા. ચૂંટણીઓ પણ લડ્યાં. છેવટે સાગમેટે કોંગ્રેસમાં વિલિન થઈ ગયાં. મૂળ કોંગ્રેસીઓ ચીમનભાઈના કોંગ્રેસ પ્રવેશથી નારાજ હોવા છતાં ચીમનભાઈને સ્વીકારવા પડ્યાં એ પછી ભાજપમાંથી બળવો કરીને શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષ બનાવ્યો. કોંગ્રેસના ટેકાથી સરકાર ચલાવી. ત્રીજા મોરચા તરીકે ચૂંટણીઓ પણ લડ્યાં પરંતુ છેવટે શંકરસિંહે પણ રાજપાને કોંગ્રેસમાં વિલીન કરી નાંખી. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશથી મુળ કોંગ્રેસીઓ નારાજ હતાં પરંતુ કઈ જ ન કરી શક્યાં.

આગામી ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસની પરંપરાગત મતબેંકમાં ગાબડુ પાડશે. 2002 ની વિધાનસભાની ચૂંટણીમાં એનેસીપીએ કોંગ્રેસ માટે ભુમિકા ભજવી હતી એ જ ભુમિકા 2007 ની વિધાનસંભાની ચૂંટણીમાં અદા કરશે.
NDN.D

ભુતકાળમાં ગુજરાતની બહુમતિ પ્રજા કોંગ્રેસથી વિમુખ થઈ ગઈ એ માટે 1985માં થયેલું અનામત આંદોલન અને કોમી રમખાણો જવાબદાર છે. પટેલ સમુદાય અને અન્ય સુવર્ણ સમુદાય કોંગ્રેસથી અળગો થઈ ગયો. તે સમયના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી સામે ગુજરાતમાંથી પ્રચંડ વાવાઝોડું ફુંકાયું હતું. પ્રજા અને પોલીસ સામસામે આવી ગયાં હતાં. અમદાવાદમાં પોલીસે કાળોકેર વર્તાવેલો. તેથી તે સમયનો 16 વર્ષથી લઈ 40 વર્ષ સુધીનો વર્ગ જેઓએ આ બધું નજરે નીહાલ્યુ હતું તે તો આજ સુધી કોંગ્રેસથી વિમુખ જ રહ્યો. ત્યાર બાદ માધવસિંહને રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યાં અને તેમના મંત્રી મંડળમાં ગૃહમંત્રી રહેલા અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવ્યાં. ત્યાર બાદ ગુજરાતની અંદર ભાજપ પોતાની પક્કડ મેળવવામાં સફળ રહી.

જો કે આગામી 2007 ની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ફરીથી ભાજપની સામે બરાબરની ટક્કર લેવા માટે તૈયાર થઈ ગયું છે. કોંગ્રેસની અંદર સૌનું લક્ષ્ય મોદી હટાવો પર છે. એકવાર સત્તા પ્રાપ્ત કરી લો પછી બધું જોયું જશે. ગુજરાતના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના મહામંત્રી બનેલા રાહુલ ગાંધી પણ સક્રિય પ્રચાર માટે કામગીરીમાં જોડાશે. ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીની સામે યોજાનાર ચૂંટણી મહાભારતના યુધ્ધ સમાન બની રહેશ.