શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (15:53 IST)

ચૂંટણી પહેલાં જ ભાજપ ડેમેજ કંટ્રોલ કરશે, પક્ષમાં અસંતોષ ડામવા બોર્ડ નિગમની નિમણૂક કરશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ તમામ પાસાઓને ધ્યાને રાખી રણનીતિ સાથે આગળ વધી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા પડકારો અને સમીકરણો ગુજરાતના રાજકારણ માટે અલગ સાબીત થઈ રહ્યા છે. ત્યારે લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણુંક માટે તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ના ઈતિહાસમા પ્રથમવાર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. સત્તાપક્ષ ભાજપ પાટીદાર આંદોલનને ખાળ્યા બાદ પણ મજબૂત સ્થિતિમાં નથી જોવા મળી રહી.

વર્ષોથી ભાજપ સામે લડત આપતી કોંગ્રેસ નામશેષ થવા તરફ આગળ વધી રહી છે.ચૂંટણીની આ સ્થિતિની વચ્ચે ભાજપ ટીકીટ વહેંચણીમાં અસંતોષ ઉભા ન થાય એ માટે પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લેવા માંગે છે. ભાજપ લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણુંકોનો દોર શરૂ કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નિમણુંકોને લઈ યાદી તૈયાર કરી રહ્યા છે. બોર્ડ નિગમોમાં નિમણુંક માટે તૈયાર થઈ રહેલી યાદીને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.

કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતના રાજકારણ માટે જેને મહત્વની જવાબદારી સોંપી છે તેવા બી એલ સંતોષ નિમણુંકો પર સીધી નજર રાખશે.વિગતો મુજબ હાલ રાજ્યમાં અંદાજે 56  જેટલા બોર્ડ નિગમ છે જેમાં નિમણુંકો બાકી છે. જેમાં જીએમડીસી, ટૂરીઝમ, પવિત્ર યાત્રાધામ, ગૌણ સેવા પસંદગી બોર્ડ જેવા બોર્ડ નિગમોમાં જગ્યા ખાલી છે. વળી ગત સરકારમાં શહેરી વિકાસ સત્તા મંડળોમાં રાજકીય નિમણુંકો બંધ કરવામાં આવી જેમાં ફરી રાજકીય નિમણુંકો આપવા પક્ષમાં રજૂઆત થઈ છે ત્યારે નિમણુંકોમાં કેન્દ્રીય નેતૃત્વનો શું પ્રતિભાવ આવે છે તે જોવું રહ્યું.