શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ગરમીથી બચવા યંગસ્ટર્સમાં કલમકારી અને બાંધણીવાળા કપડાનો નવો ટ્રેન્ડ

P.R


'અરે ! આ ગરમીથી તો કંટાળી ગયા.' આવી સિઝનમાં કેવાં વસ્ત્રો પહેરવા, ગમે તે વસ્ત્રો પહેરીએ પણ સૂર્યદેવનાં પ્રતાપે પરસેવે રેબઝેબ થઈ જવાય છે.' આ શબ્દો કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રીમાનાં. રીમાની જેમ બીજી ઘણી યુવતીઓ ઉનાળામાં જાતજાતનાં વસ્ત્રો પહેરીને કંટાળી ચુકી ગઇ છે, તેમા કોઈ બે મત નથી!

હવે પરસેવાથી રીલેકસ રહેવા માટે કલમકારી કપડાંનો ક્રેઝ વધી ગયો છે. તેમાં પણ યુવતીઓ તો કપડાંનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. આજકાલ બજારમાં કલમકારી, ખાદી, બાંધણીનાં કાપડો ઇનડિમાન્ડ છે. જે યુવતીઓમાં ઘણાં જ હોટ ફેવરીટ છે. જો કે આ વસ્ત્રોનાં કાપડ યુવાન યુવતીઓ અને યુવકોમાં વધારે જોવા મળે છે. તેઓ આવા ટ્રેન્ડી કપડાં પહેરીને વધારે કૂલ રહી શકે છે.

આ અંગે અમદાવાદના એક વેપારી અશોકભાઇ જણાવે છે, ''ગરમી સમયે યુવતીઓ મોટે ભાગે બાંધણી, કલમકારી વાળાં વસ્ત્રો પસંદ કરે છે. જયારે યુવાનો પણ આ બાબતમાં પાછળ નથી. તેઓ ગરમીનાં દિવસોમાં ખાદીનાં ટ્રેન્ડી ઝભ્ભા પહેરવાનું વધુ પસંદ કરે છે. કલમકારીનાં કાપડ ઘણા જ મોંઘા મળે છે. જો કે તેની ડિઝાઇન પરથી અને વર્ક પરથી તેની કિંમત આંકવામાં આવે છે. કલમકારી કાપડની કિંમત રૂ. ૮૦ થી લઇને ૨૦૦ સુધી હોય છે.''

જયારે બાંધણીમાં પણ સિલ્ક અને કોટન તેમ બે પ્રકાર પાડવામાં આવે છે. બાંધણીમાં કોટનનો ક્રેઝ હાલ વધારે જોવા મળે છે. વધુમાં તેઓ કહે છે કે,''તેની કિંમત અંદાજે રૂ. ૨૫૦ થી ૫૦૦ સુધીની હોય છે. જયારે યુવકો ખાદીનાં કાપડમાં ગ્રે, બ્રાઉન, મરૂન, ડાર્ક બ્લ્યુ, ગ્રીન જેવાં રંગ પસંદ કરે છે. પરંતુ યુવતીઓ લાઇટ કલર વધુ પસંદ કરે છે.''

અંકિતા હાલમાં જ કલમકારીવાળું કાપડ ખરીઘું છે. તે વધુમાં જણાવે છે કે, 'મેં આ કાપડ રૂપિયા ૮૫ પ્રતી મીટર ખરીઘું છે. હું આ કાપડમાંથી ડ્રેસ બનાવવાની છું. બધાં કરતાં ડિફરન્ટ કરવા માટે જ મેં આ ડ્રેસ ખરીઘો છે. મારાં આ ડ્રેસનો રંગ બ્રાઉન અને કોફીનું મિશ્રણ છે. મને કલમકારી વાળું વસ્ત્ર ખૂબ જ ગમે છે. જો આ ડ્રેસ બનાવતા કાપડ વધશે તો હું તેમાંથી જ મેચીંગ રબર બેન્ડ પણ બનાવીશ. મેચીંગ વસ્તુ પહેરવી કોને ન ગમે ? હું આ ડ્રેસને ડિઝાઇનર પાસે જઇને જ સિવડાવીશ. કારણ કે આ ડ્રેસ પહેરીને મારે મારાં દાદાજીની વર્ષગાંઠ પર જવાનું છે. તેથી આપણે તો પૈસા અચૂકથી ખર્ચવાના જ.''

જયેશ પટેલ નામનો એક કોલેજીયન ખાદીનાં વસ્ત્રો વિશે જણાવે છે કે,''મને ખાદી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. ગરમીમાં ખાદી પહેરવાથી એરકંડીશનર જેવો અનુભવ થાય છે. તેનાથી ઠંડક અનુભવાય છે. ખાદી તો આપણું પરંપરાગત વસ્ત્ર છે. ખાદીનાં ઝભ્ભામાં અત્યારે નવાં નવાં કલર અને ડિઝાઇન ઉપલબ્ધ છે. તેથી હું ઘણો જ કન્ફયુઝ થઇ જઉં છું. તેથી હું મારી મોટી બહેનને સાથે રાખીને જ શોપીંગ કરું છું. મેં હાલમાં જ ડાર્ક બ્લ્યુ, ગ્રીન કલરનો ખાદીન ઝભ્ભો ખરીઘો છે. તેને પાયજામા સાથે અને જીન્સ સાથે પણ પહેરી શકાય છે.'' જો કે ટીન એજર પાયજામા કરતાં જીન્સને પહેલો પ્રેફરન્સ આપે છે. કારણ કે તેમાં યુવાનો ફાંકડા લાગે છે. તેનાથી યુંગસ્ટર્સના લુકમાં જોરદાર ચેન્જ આવે છે. બધાની નજર તેમના પર એક વખત તો અચૂકથી પડે જ છે. વધુમાં તે કહે છે કે,''હવે જયારે સારી છોકરીઓ પણ આપણી તરફ જોવે તેના માટે આપણે શું રૂ. ૩૫૦નો એક ઝભ્ભો ન ખરીદી શકીએ ?''

આ ઉપરાંત યુવાનો ખાદીનાં ઝભ્ભા ઉપરાંત કલમકારી વાળાં ટી-શર્ટ, ઝભ્ભા વધુ પહેરે છે. હવે તો યુવાનો બાંધણીનાં વિવિધ પ્રકારની ડિઝાઇનવાળાં શર્ટ ટી-શર્ટ પહેરતાં પણ અચકાતા નથી. આ શર્ટ અને ટી શર્ટની કિંમત રૂ. ૨૫૦ થી ૫૦૦ સુધીની જોવા મળે છે.

આ અંગે કપડાના એક વેપારી અને દરજી મહેન્દ્રભાઇ વાઘેલા જણાવે છે કે, 'મારે ત્યાં ઉનાળો આવતાં બહેનો બાંધણીનાં ડ્રેસ, કૂર્તા, ઝભ્ભા, શોટ ટોપ વધુ સીવડાવે છે. આ ઉપરાંત યુવાનોમાં ખાદી, કલમકારીનાં કાપડમાંથી બનેલાં વસ્ત્રો સીવડવા જાણે કે દોટ મૂકી છે. ઘણી વખત હું પણ આ વસ્ત્રોનું માર્કેટિંગ પણ કરું છું. જો કે આવાં વસ્ત્રોની સિલાઇ અંગે વ્યકિતની સાઇઝ પર આધાર રાખે છે. સામાન્ય રીતે રૂ. ૬૦ થી ૨૫૦ સુધી સિલાઇ લેવામાં આવે છે.''

એક કોલેજીયન જયા વધુમાં કહે છે કે,''ગરમીમાં સિન્થેટીક ડ્રેસ કરતાં કોટન ડ્રેસ જ બેસ્ટ છે. જો કે હું તો સાડી પણ પહેરૂં છું. પણ ઉનાળામાં તો સાડીમાં કોટન સાડી જ કમ્ફરટેબલ છે. ખાસ કરીને બાંધણીની સાડી મને ખૂબ જ ગમે છે. તેમાં પણ કલર અને ડિઝાઇનની વિવિધતા જોવા મળે છે. બાંધણી અને કલમકારીવાળા વસ્ત્રો બજારમાં ઘણાં જ જોવા મળે છે. મેં ઉનાળાની ખરીદી માટે બાંધણીની સાડી પર પસંદગી ઉતારી છે. મને બાંધણીમાં બ્રાઉન, બ્લ્યુ, પિન્ક, રેડ, વ્હાઇટ અને ગ્રીન, પીચ, મરૂન, પર્પલ જેવા કલર ખૂબ જ પસંદ છે. ખાસ કરીને બ્લેક અને રેડનું કોમ્બીનેશન મને પ્રિય છે.''

કલમકારીનાં વસ્ત્રો વિશે વિગતે વાત કહેતી વિનિષા મહેતા જણાવે છે,''આ ડ્રેસનાં કાપડની ડિઝાઇન જ કાંઇક ઓર હોય છે. આ ડ્રેસનાં કાપડમાં કલર કોમબીનેશન તો ડીફરન્ટ હોય છે તેથી આપણે બધાં કરતાં અલગ દેખાઇએ છીએ. મને આ ડ્રેસની કામગીરી તો ઘણી જ પસંદ છે. અત્યારે કોલેજીયન યુવતીઓ અને યુવાનો માટે કલમકારીનાં વસ્ત્રો એક સારૂં ઓપ્શન છે. તેનાથી યંગ અને સ્માર્ટ લુક પણ પ્રાપ્ત કરે છે. ટ્રેન્ડી અને ફેશનેબલ દેખાવું કોને ન ગમે !'

આજે બજારમાં ઉનાળા માટે વિવિધ પ્રકારનાં ડિઝાઇનર કાપડ આવી ગયા છે. જેમાં લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ખાદી, બાંધણી અને કલમકારી વાળાં કાપડની ડિમાન્ડ વધી ગઇ છે. આ કાપડથી બજારમાં ધૂમ મચી ગઇ છે.