મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (18:20 IST)

અમદાવાદમાં લોકો માટે કાયમી ત્રસ્ત રહેતી RTOની કામગીરી ત્રણ દિવસથી ઠપ્પ

વાહનોના કાચા લાઇસન્સ, પાકા લાઇસન્સના રિન્યુઅલ અને ડુપ્લિકેટ લાઇસન્સ માટેની ઓનલાઈન એપોઇન્ટમેન્ટની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ઠપ્પ થઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઇસન્સ માટેની ઓનલાઈન એપોઇન્ટમેન્ટ 'સારથી' વેબસાઇટ પરથી મળતી હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વેબસાઇટ ઓપન જ થતી ન હોવાથી એપોઇન્ટમેન્ટ લઈ શકાતી નથી અને તેના પગલે આ કામગીરી પર ગંભીર અસર પડી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ RTO સહિત તમામ RTO કચેરીમાં કાચા લાઇસન્સ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ફરજિયાત કરવામાં આવી છે. જ્યારે પાકા લાઇસન્સની રિન્યુઅલની કામગીરી તેમજ ડુપ્લિકેટ લાઇસન્સની કામગીરી માટે પણ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ફરજિયાત કરાઈ છે. એપોઇન્ટમેન્ટના આધારે જ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે અને તે માટે દિલ્હી સ્થિત એનઆઈસી દ્વારા સારથી વેબસાઇટ મારફતે એપોઇન્ટમેન્ટ લઈ શકાય છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી એપોઇન્ટમેન્ટની કામગીરી ઠપ્પ હોવાથી નવી એક પણ એપોઇન્ટમેન્ટ અપાઈ નથી. જોકે હાલમાં તો અગાઉ જે લોકોએ એપોઇન્ટમેન્ટ મેળવી રાખી છે તેમની કામગીરી ચાલી રહી છે. જોકે આગામી દિવસોમાં એપોઇન્ટમેન્ટ માટેની વેબસાઇટ શરૂ નહીં થાય તો મુશ્કેલી વધી શકે છે.  જોકે હજુ કેટલા દિવસ સુધી વેબસાઇટ બંધ રહેશે તે નક્કી ન હોઈ મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.