શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (12:36 IST)

દિવાળીનાં કારણે બિસ્કીટોની અવનવી વેરાઇટી પણ ડ્રાયફ્રુટનાં ભાવે વેચાઇ રહી છે

દિપાવલી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં પર્વને અનુરૃપ વાનગીઓ જેવી કે મઠીયા, ચોરાફળી, મિઠાઈની સાથે સાથે અવનવા બિસ્કીટનું મહત્વ પણ વધવા પામ્યુ છે. મોટાભાગે પર્વના પખવાડીયા પહેલાં જ કેટલીક ગૃહિણીઓ નજીકની બેકરીમાં જઈને લોટ, ઘી અને મોરસ આપીને પોતાને અનુકુળ બિસ્કીટ પડાવતી હોય છે. તદ્ઉપરાંત ભાવતા બિસ્કીટની સાથે સાથે બેકરીમાં મળતા તૈયાર અને બાળકોને ગમતા ચોકલેટની વિવિધ બનાવટના તથા વિવિધ ફલેવરોના બિસ્કીટ હાલ બજારમાં વેચાઈ રહ્યા છે. ૨૫૦ ગ્રામથી ૧ કિલોના પ્લાસ્ટીક પેકિંગમાં વિવિધ બિસ્કીટોની માંગ વધવા પામી છે. હાલ બજારમાં રૃ.૧૫૦ થી માંડીને રૃ.૪૦૦ પ્રતિ કિલોના ભાવે બિસ્કીટ વેચાઈ રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બિસ્કીટના ભાવમાં સામાન્ય ભાવવધારો નોંધાયો છે.

દિવાળી પર્વ નિમિત્તે મહેમાનો અને સગાસંબંધીઓને આવકારવા માટે વિવિધ વાનગીઓની સાથે સાથે બિસ્કીટનું ચલણ વધવા પામ્યું છે. કેટલાક મહેમાનો તળેલુ ન ખાતા હોવાથી યજમાન લોકો બિસ્કીટ અને ચ્હાથી તેમનું સ્વાગત કરતા હોય છે. કંપનીઓના બિસ્કીટને બદલે આ દિવસોમાં બેકરીના બિસ્કીટનું મહત્વ વધુ જોવા મળે છે. શરદ પૂર્ણિમા પછી જિલ્લાની બેકરીઓમાં બિસ્કીટ પડાવવા માટે કેટલીક ગૃહિણીઓ પહોંચી જતી હોય છે. આ અંગે જયશ્રીબેન પરમારે જણાવ્યું હતું કે ગામડાની બહેનો આજે પણ પોતાના ઘરેથી શુધ્ધ લોટ અને ઘી, ખાંડ લઈને બિસ્કીટ પડાવવા માટે બેકરીએ પહોંચી જતી હોય છે. જેથી કરીને પોતાની પસંદના બિસ્કીટ બેકરીમાંથી લઈ જઈ શકે. આ પરંપરા હવે ધીરે-ધીરે ઘટતી જાય છે. મોટાભાગે ગૃહિણીઓ બજારમાંથી તૈયાર જ બિસ્કીટ લઈ લેતી હોય છે.

બજારમાંથી તૈયાર બિસ્કીટ ખરીદતા ગ્રાહકોને ધ્યાનમાં રાખી બેકરીવાળાઓ પણ હાલના જમાના પ્રમાણે વિવિધ વેરાઈટીઓ યુક્ત બિસ્કીટ બજારમાં મુકી દીધા છે. વેરાઈટીની સાથે સાથે આકર્ષક પેકિંગ અને બાળકોને ગમતા વિવિધ ભાતોના બિસ્કીટો પણ આ વખતે બજારમાં જોવા મળી રહ્યા છે. ચોકલેટ જેમ્સ કુકી, ચોકલેટ, પિસ્તા, પાઈનેપલ, ઓરેન્જ, વેનીલા, કેક બિસ્કીટ જેવી વિવિધ વેરાઈટીઓ બજારમાં વેચાઈ રહી છે. સાથે સાથે નવરત્ન, કાજુબહાર, આલ્મંડ ડીલાઈટ, કોકો ક્રંચ, ચોકલેટ મુસ જેવા બિસ્કીટની નવી વેરાઈટો પણ બજારમાં જોવા મળી રહી છે. જેમ જેમ પર્વ નજીક આવશે તેમ તેમ વધુ ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.