મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 એપ્રિલ 2014 (11:26 IST)

બનાસકાંઠા પંથકમાં બટાટાનું જંગી ઉત્પાદન: કોલ્ડ સ્ટોરેજવાળાઓને તડાકો

બટાટાના ઉત્પાદન માટે જગતભરમાં જાણીતા બનાસકાંઠામાં આ વર્ષે મબલખ ઉત્પાદન થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફરી વળી છે. તેમને ઉત્પાદનના ઊંચા ભાવ મળવાની આશા બંધાઈ છે. સાથે કોલ્ડ સ્ટોરેજવાળાઓને પણ તડાકો પડયો છે. તેમણે બટાટા સંગ્રહવાના ચાર્જમાં વધારો કરતા આવકમાં જંગી વધારો થવાની શક્યતા છે.
 
આજથી કેટલાક વર્ષો પૂર્વે ડીસા-બનાસકાંઠા પંથકમાં બટાટાનું જંગી ઉત્પાદન થતા તેના ભાવ તળીએ ગયા હતા. જેના પગલે કિસાનોને રડવાનો વારો આવ્યો હતો એકતરફ જંગી પાકુ અને બીજી બાજુ ગગડતા ભાવના કારણે તેમણે લાખો કિવન્ટલ બટાટાનો નાશ કરવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. પરંતુ પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું હોવાથી બનાસકાંઠાના બટાટાનું માર્કેટ ઘણું ઊંચું રહેવાની સંભાવના છે.
 
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ અગાઉના વર્ષે બનાસકાંઠા-ગુજરાતની સાથે બીજા રાજ્યોમાં પણ બટાટાનો મોટા માત્રામાં પાક થયો હોવાથી તેની લેવાલીના અભાવે કિસાનોને ભારે નુકસાન થયું હતું પરંતુ આ વર્ષે અન્ય રાજયોમાં ઓછો પાક થયો હોવાથી ગુજરાતમાં બટાટાનું માર્કેટ ઊંચું છે.
 
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વર્ષે ઉનાળાની સિઝનમાં કિલોએ ૧૦થી ૧૨નો ઉંચો ભાવ મળી રહયો છે. જે અગાઉની સિઝન કરતા ઘણો વધુ છે. ગત વર્ષે ૩૨ હજાર હેકટર વિસ્તારની સરખામણીમાં આ વર્ષે ૩૩૪૮૪ હેકટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થયું હતું. તેવી જ રીતે વર્ષ ૨૦૧૩માં ૫૦ કિલોની એક એવી ૧.૬ કરોડ બોરી ઉત્પાદનની સરખામણીમાં વર્ષ ૨૦૧૪માં ૧.૮૦ કરોડ બોરીનું ઉત્પાદન થયું છે.
 
માઈક્રો ઈરિગેશન, સાનુકૂળ હવામાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને સિંચાઈ વિસ્તારમાં વધારાના કારણે બટાટાનું બમ્પર ઉત્પાદન થયાનું સૂત્રોએ ઉમેર્યુ હતું