શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 એપ્રિલ 2014 (14:23 IST)

મીઠું પકવતા ખેડૂતો પર તવાઈઃ માલિકી હક્કો રજૂ કરો નહીં તો અગર ખાલી કરો

રાજયમાં સમુદ્રકાંઠાના વિસ્તારોમાં કાળી મજૂરી કરી ગુજરાન ચલાવતા મીઠું પકવતા ખેડૂતો પર તંત્રએ તવાઈ બોલાવી છે. જે જમીન પર તેઓ મીઠાની ખેતી કરે છે તે જમીનની માલિકાના હક્કો રજુ કરવાની માંગણી સાથે તંત્ર દ્વારા માલિકીના હક્કો રજૂ ના કરી શકનારાઓને સપ્તાહમાં અગરોમાંથી ઉચાળા ભરવાની તાકિદ કરવામાં આવતા ગરીબ અગરિયાઓના જીવ તાળવે ચોંટ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુખ્યત્વે રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ જિલ્લામાં પથરાયેલા નાના રણમાં અતિ ગરીબ જાતિના ૧૨ હજાર જેટલા પરિવારો મીઠાની ખેતી કરી પેટિયુ રળે છે. વનવિભાગ દ્વારા આ પરિવારોને તાકિદની નોટિસ પાઠવી જમીનના અધિકારો અંગેની માહિતી માંગવામાં આવી છે. જો એક સપ્તાહમાં માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો ગરીબ અગરિયાઓને અગર ખાલી કરવા જણાવાયું છે.

તંત્રના આ પગલાંની ટીકા કરતા બિન સરકારી સંગઠનના પદાધિકારીઅએ જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં ૧૪૦૦ જણને નોટિસ પાઠવવામાં આવી છે. તેનાથી ગરીબ શ્રમિકોની રોજીરોટીને વ્યાપક અસર થવાની સાથે માનવ અધિકારોનું પણ હનન થશે. જ્યારે સરકાર જોડે પણ આ અંગેની પૂરતી વિગતો ના હોવાનું કહેવાય છે. ત્યારે મીઠુ પકવતા ગરીબો પાસેથી જમીનને લગતા દસ્તાવેજોની માંગણી કરી તેમની જોડે અન્યાય કરવામાં આવ્યો છે.

અગરિયાઓની રોજીરોટી છીનવવાની સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં મતદાન પર પણ વ્યાપક અસર થશે તેમ જણાવતાં સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વનવિભાગના આકરા નિર્ણયથી કમસે કમ બે લાખ લોકોની રોજગારી છીનવાઈ જશે. આ પંથકમાં બીજા કોઈ ઉદ્યોગો સ્થપાયા નથી અને લોકોની રોજીરોટી અગરો પર નિર્ભર છે ત્યારે તંત્રના પગલાથી ગરીબોની હાલત પડયા પર પાટુ જેવી થઈ છે.
-