શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

રિઝર્વ બેંકની નવી નીતિ, રેપો રેટમાં ફેરફાર નહી

P.R
રિઝર્વ બેન્કે આજે તેની નવી નીતિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આર્થિક વિકાસના ઘટાડાની સંભાવનાના કારણે દરોમાં વધારો કરવાની જરૂર નથી. આ પહેલા નાણામંત્રી પ્રણવ મુખર્જીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વધુ પડતા વ્યાજ દરોના કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે.

પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે, “ફુગાવાને પહોંચી વળવા માટે વ્યાજદરો સખત બનાવવાના કારણે વિકાસ અને મૂડી રોકાણ પર વિપરિત અસર દેખાઇ છે. ઔદ્યોગિક વિકાસમાં થયેલો ઘટાડો મુખ્ય ચિંતાનો વિષય છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જાહેર થયેલા આંકડામાં ઔદ્યોગિક ઉત્પાદનનો આંક ઘટીને 5.1 ટકાએ આવી ગયો હતો. આર્થિક વિશ્લેષકોના જણાવ્યાં અનુસાર રિઝર્વ બેન્કે વ્યાજના દરોમાં કરેલા સતત વધારાના કારણે આર્થિક વિકાસ ધીમો પડ્યો હોય તેવી સંભાવના છે. વધુમાં સતત ઘટતો જતો રૂપિયો પણ આર્થિક ચિંતાનું મુખ્ય કારણ બની ગયો હતો. આ પહેલા રૂપિયો રૂ.54 પ્રતિ ડોલરની સપાટી વટાવીને ઐતિહાસિક તળીયે પહોંચી ગયો હતો.

બીજી બાજુ માર્ચ 2010થી રિઝર્વ બેન્ક લગભગ 13 વખત વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જોકે ફુગાવામાં ઘટાડો થતા હવે આરબીઆઇ ફરી વ્યાજ દરોમાં ફેરફાર કરે તેવી શક્યતાઓ પ્રબળ થઇ ગઇ છે.