મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 મે 2016 (12:49 IST)

૧૨૫ એકર જમીનમાં ૩૩૭ કરોડના મુડી રોકાણથી તૈયાર થનારા કૃષિ બાયોટેક પાર્કનું સૂરસુરિયું

ગુજરાત સરકારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટને લઈને એક કૃષિ બાયોટેક પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેક્ટ માટે ૧૨૫ એકર જમીનમાં ૪૩૭ કરોડ રૂપિયાનુ ંમુડીરોકાણ કરવાની દરખાસ્ત હતી. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના રાજ્યકક્ષાના તત્કાલિન પ્રધાન માયાબેન કોડનાનીએ તે સમયે વિધાનસભામા સત્રમાં બાયડના ધારાસભ્ય રહેલા ઉદેસિંહ ઝાલાના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે પ્રસ્તાવિત એગ્રોબાયોટેક પાર્કને કૃષિ સંશોધન લેબોરેટરી ગ્રીન હાઉસ માહિતી કેન્દ્ર અને પરિક્ષણ તથા તાલિમ યુનિટોથી સજ્જ કરાશે. આ પ્રોજેક્ટથી નવા મુડીરોકાણો આવશે. તે ઉપરાંત કૃષિ અને કૃષિ ક્ષેત્ર માટે પણ વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવશે. તત્કાલિન પ્રધાન માયાકોડનાનીએ તે સમયે વિધાનસભા ગૃહમાં સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે સરકારે એગ્રો બાયોટેક પાર્કના પ્રોજેક્ટ માટે તેનો પ્રી ફિઝિબિલિટી રીપોર્ટ તૈાર કરાવ્યો છે. જેથી આ પ્રોજેક્ટ વ્યવહારૂ દ્રષ્ટિએ કેટલો અમલી બની શકે એમ છે તેનો ક્યાસ કાઢવામાં આવશે. આ રજુઆત બાયડના તે સમયના ધારાસભ્યએ કર્યા બાદ મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે આ પ્રોજેક્ટ હેઠળની સરકારી ખરાબા અને કોતરની જમીનને સંપાદિત કરવામાં થઈ રહેલા વિલંબને લઈને રજુઆત કરી હતી. ત્યાર બાદ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવે મહેસાણા જિલ્લામાં આ જમીન સમગ્ર પ્રોજેક્ટ માટે અનામત રાખવા માટે હૂકમ કર્યો હતો. આ અંગે મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે જણાવ્યું હતું કે કૃષિ બાયોટેકનો પ્રોજેક્ટ જ્યારે યુપીએ સરકારનું શાશન હતું ત્યારે હું પાસ કરાવીને લાવ્યો હતો પણ આજદીન સુધી ગુજરાત સરકારે તેના માટે જમીન સંપાદિત કરવાનું એક પણ પગલું લીધુ નથી અનેક વાર રજુઆતો કરવા છતાંય સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી નથી. તે ઉપરાંત કોંગ્રેસના જીવાભાઈની નજીક રહેલા સુત્રોએ એવું પણ કહ્યું હતું કે જો વિજાપુરની સાબરમતી નદીના કિનારે ઋષિવન જેવો પ્રોજેક્ટ સરળતાથી તૈયાર થતો હોય તો તાલુકાના સંઘપુર ગામમાં કૃષિ બાયોટેક નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં સરકારને શું વાંધો આવે છે. તે ઉપરાંત હાલમાં આ પ્રોજેક્ટનું સ્ટેટસ શું છે. તે વિશેની એક માહિતી અધિકારના કાયદા અંતર્ગત માંગવામાં આવેલી માહિતી પ્રમાણે જોઈએ તો તેમાં માત્ર જમીન અનામત રાખવા અને પ્રોજેક્ટમાં કંઈ કામ ના થયું હોવાનું સ્પષ્ટ પણે જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે જો આ પ્રોજેક્ટ વિજાપુરના સંઘપુર ગામે શરૂ થાય તો તાલુકાના અનેક લોકોને રોજગારી મળી રહે તેમજ કૃષિ અંગેના નવા નવા પ્રોજેક્ટો પણ તૈયાર થઈ શકે એમ છે.