શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By જનકસિંહ ઝાલા|
Last Updated : રવિવાર, 13 માર્ચ 2016 (10:12 IST)

સાચે જ ડરપોક નથી એ દેવિકા !

26/11 નો ભોગ બનેલી એક બાળકીની કથા

દસ વર્ષની આ બાળકીનું નામ છે દેવિકા નટવરલાલ રોતાવન. તેની આ હાલત આતંકવાદી અજમલ કસાબે બનાવી છે. 26 નવેમ્બર 2008ના રોજ છત્રપતિ શિવાજી ટર્મિનસ પર થયેલા ગોળીબાર દરમિયાન એક ગોળી દેવિકાના પગમાં પણ લાગી હતી જેના કારણે હમેશા હંસતી કુદતી અને દોડવામાં સૌથી મોખરે રહેનારી આ બાળકીને પોતાના
ND
N.D
પગ ગુમાવવા પડ્યાં. 26/11 ની એ વિનાશલીલા આ નાનકડી બાળકીના મગજમાં કદી પણ ન ભૂલી શકાય તેવી યાદ બનીને રહી ગઈ.

આજે પણ તેના ઘરના એક ખુણામાં લાકડાની બે ઘોડીઓ પડેલી છે જેના થકી જ આ બાળકી ચાલી શકે છે. દેવિકા જાણે છે કે, તેના પગમાં ગોળીનો જે ઘા છે તેનું નિશાન આખી જીંદગી સુધી રહેવાનું છે. કહેવત છે ને કે, 'ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે.' 26/11 ના એ ગોઝારા દિવસે દેવિકા પણ જાણતી ન હતી કે, તેની સાથે શું થવાનું છે. તે પોતાના વિધુર પિતા નટવર લાલ અને ભાઈ આકાશ સાથે સીએસટી રેલવેસ્ટેશનેથી પુણે જવા માટે નિકળ્યાં હતાં અને જોતજોતામાં જ એક મોટો નરસંહાર તેમની આંખો સમક્ષ સર્જાઈ થયો. સદનસીબે નટવરલાલ અને આકાશને તો કંઈ ન થયું પરંતુ આ કુમળી બાળકી આતંકીઓની એક ગોળીનો ભોગ બની.

એક મહિના સુધી મુંબઈની જેજે હોસ્પિટલમાં દેવિકા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી રહી. સરકારે પણ પોતાની ફરજ બજાવતા 1.4 લાખ રૂપિયાનું વળતર તેના પરિવારને આપ્યું જેના થકી દેવિકાની સારવાર અને હોસ્પિટલનો ખર્ચ ઉપાડી શકાયો. જો કે, જમણા પગમાં લાગેલી આ ગોળીના કારણે તેનું તોફાનભર્યું નાનપણ કયાંક ખોવાઈ જ ગયું. તે પગપાળા સ્કૂલે જવા માટે સક્ષમ રહેતા તેના પિતાજી તેના શિક્ષક બન્યાં અને પોતાનું ઘર જ તેનું વિદ્યામંદિર બન્યું.

દેવિકા એ જ બાળકી છે જેણે પોલીસ સમક્ષ કસાબને ઓળખી બતાવ્યો હતો અને બાદમાં મીડિયા સમક્ષ કસાબનું વર્ણન કર્યું હતું. દેવિકાના પિતાએ પોતાની પુત્રી સાથે થયેલા અત્યાચારનો બદલો લેવા માટે લડત હાથ ધરી છે. તેમણે કોર્ટ સમક્ષ કસાબને ફાંસીએ લટકાડવા માટે અપીલ કરી છે.

દેવિકા કહે છે કે, 'જ્યારે તેણે કસાબને જોયો ત્યારે એક ક્ષણ માટે તો તે ગભરાઈ ગઈ હતી. મેં અત્યાર સુધી બોર્ડર અને મિશન કાશ્મીર જેવી ફિલ્મોમાં આતંકવાદીઓને જોયા હતાં પરંતુ એ દિવસે એક સાચો આતંકવાદી મારી નજર સામે ઉભો હતો. દેખાવમાં તે ઘણો દુબળો-પાતળો હતો અને તેના હાથમાં એક મોટી બંદૂક હતી. તે મારી સામે જોઈ રહ્યાં હતો.

અચાનક જ તેને ગોળીબાર શરૂ કર્યો. મારા પગમાં ધનન કરતી એક ગોળી આવી. આંખો સમક્ષ અંધારુ છવાઈ ગયું. પછી શું થયું તેની મને જાણ નથી પરંતુ જ્યારે પણ મારી આંખો ખુલી ત્યારે હું હોસ્પિટલની પથારીમાં હતી. ' આજે પણ હું જ્યારે કસાબને ટીવીમાં જોવું છું ત્યારે મને ખુબ જ ગુસ્સો આવી જાય છે. હું મોટી થઈને ક્રાઈમ બ્રાંચ ઓફિસર બનવા ઈચ્છું છુ જેથી કરીને આવા આતંકવાદીઓ સામે મારા દેશને અને દેશના નાગરિકોને બચાવી શકું.

કસાબને લઈને અત્યાર સુધીમાં આ બાળકીને અસંખ્ય વખત પ્રશ્નો
ND
N.D
પુછવામાં આવ્યાં છે. હવે તે પૂરી રીતે થાકી ચૂકી છે. કોર્ટમાં પણ તેણે આ અંગે અસંખ્ય વખત જુબાની આપી છે. હવે તે આ સમગ્ર ઘટનાક્રમને ભૂલવા ઈચ્છે છે.

ધીમે ધીમે આ બાળકીની જીંદગી તો પાટા પર આવી રહી છે પરંતુ તેનો ભાઈ હજુ પણ દુ:ખના ડુગરોમાં આમતેમ ભટકી રહ્યો છે. આકાશના ગળામાં એક ગાઠ છે જેનું ઓપરેશન કરાવવા માટે પુષ્કળ નાણાની જરૂરિયાત છે. દેવિકાના પિતા એક સામાન્ય વેપારી છે. ચાર વર્ષ પહેલા જ તેમની પત્નીનું નિધન થયાં બાદ તેમનો ધંધો પૂરી રીતે પડી ભાગ્યો. હાલ પોતાના પુત્રના ઓપરેશન પાછળનો ખર્ચ કરવા માટે પણ તેઓ પૂરી રીતે સક્ષમ નથી.

આટઆટલા દુખ ભોગવ્યાં છતાં પણ આ પરિવાર ઘણો આશાવાદી છે. જ્યારે આકાશને પોતાની બીમારી વિષે પુછવામાં આવ્યું તો તેણે તે વાતને ટાળતા કહ્યું કે, મારું છોડો, દેવિકાનું વિચારો. તેનામાં ઘણા પરિવર્તનો આવી રહ્યાં છે. ધીરે-ધીરે તે સ્કૂલે જવા માટે પણ પોતાની જાતને તૈયાર કરવા લાગી છે. 26/11 પછી તેનામાં જે મોટું પરિવર્તન આવ્યું છે તે એ છે કે, તેણે પોતાના વાળની સ્ટાઈલ બદલી નાખી છે. તેના બોયકટ વાળ મને ખુબ જ ગમે છે.

આટલું સાંભળતા જ બન્ને ભાઈ બહેન ખડખડાટ હંસવા લાગ્યાં. નટવર ભાઈ પણ પોતાના હાસ્યને રોકી ન શક્યાં. આશા રાખીએ કે, આ પરિવારને આર્થિક મદદ કરવા માટે જેમ બને તેમ જલ્દી કોઈ વ્યક્તિ ભગવાન બનીને જરૂર સામે આવશે.