બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : વિટામિન ડી ની ઉણપથી ડિપ્રેશનની શક્યતા

P.R
ડિપ્રેશનને સામાન્ય રીતે મનની બીમારી માનવામાં આવે છે પણ વૈજ્ઞાનિકો કહે છે કે આ માત્ર મનોરોગ નથી. પેરાથાયરોઇડ હોર્મોન્સ સાથે મેટાબોલિઝમની ગરબડ અને વિટામિન બી-12ની ઉણપ આના માટે જવાબદાર હોઇ શકે છે.

એક તાજેતરના સર્વે પરથી માલુમ પડે છે કે આ તમામ કારણોની સાથે વિટામિન ડીની ઉણપ પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર પરીક્ષણો પરથી સાબિત થયું છે કે વિટામિન ડીની ઉણપથી ડિપ્રેશન થઇ શકે છે કે પછી તેમાં વધારો થઇ શકે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વૈજ્ઞાનિકોએ લગભગ 5 વર્ષના સંશોધન બાદ આ પરિણામ આપ્યું છે. આના માટે તેમણે 12,594 લોકો પર સંશોધન કર્યું. લોકોને 2 ગ્રુપમાં વહેંચ્યા. તેમાંથી પહેલા ગ્રુપમાં એવા લોકો સામેલ હતા જેમને પહેલેથી જ ડિપ્રેશન હતું. બીજામાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા જેમને ડિપ્રેશનની ફરિયાદ ન હતી.

આ તમામને એવો ડાયટ આપવામાં આવ્યો જેમાં વિટામિન ડી ન હતું કે બહુ ઓછું હતું. તેમને સૂર્યના પ્રકાશના પણ વધુ સંપર્કમાં ન આવવા દેવામાં આવ્યા. દરમિયાન વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આના કારણે પહેલેથી જ ડિપ્રેશનના શિકાર રહેલા લોકોની મુશ્કેલીઓ તો વધી ગઇ, વળી જેમને ડિપ્રેશન ન હતું તેમાંથી લગભગ 75 ટકા લોકોમાં આના લક્ષણ ઉત્પન્ન થયાં.

ડિપ્રેશન માત્ર મનોરોગ નથી :
મનોચિકિત્સક જણાવે છે કે ડિપ્રેશન માત્ર મનોરોગ નથી. બીમારીઓની સાથે જ મેટાબોલિઝમની ગરબડ અને પેરાથાયરોડ ગ્રંથિ સારી રીતે કામ ન કરવાને કારણે પણ ડિપ્રેશન થઇ શકે છે. તેઓ સલાહ આપે છે કે ડિપ્રેશનનો ઇલાજ માત્ર મનની બીમારી માનીને ન કરવો જોઇએ પણ વિટામિન બી 12નું સ્તર તપાસવાની સાથે પેરાથાયરોડ ગ્રંથિ અને મેટાબોલિઝમ સાથે જોડાયેલી તપાસ પણ કરાવવી જોઇએ. આ સિવાય કોઈ વિટામિન લેતા પહેલા એ પણ ચકાસી લેવડાવું જોઇએ કે શરીરમાં તેની ઉણપ છે કે નહીં.

વધી રહ્યો છે આંકડો :
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વમાં આજે દોઢ કરોડ કરતા પણ વધુ લોકો ડિપ્રેશનનો શિકાર છે. ભારતમાં માનસિક રોગીઓની હાલની સંખ્યા લગભગ 24 કરોડ છે. તેમાંથી લગભગ 20 ટકા લોકો ડિપ્રેશનના સકંજામાં છે. વધતા જતા તણાવ અને હરિફાઇને કારણે લોકોમાં આ આંકડો વધી રહ્યો છે.

વિટામીન ડીના સ્રોત :
આનો સૌથી સારો સ્રોત સૂર્યના કિરણો છે. આ સિવાય કૉડ લીવર ઓઇલ, ઈંડા અને ફેટી ફિશમાં પણ આની માત્રા ભરપુર હોય છે. દૂધમાંથી પણ વિટામિન ડી મળી રહે છે.