ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ ટીપ્સ : બાળકો માટે પણ યોગા ફાયદાકારક

યોગા અને તેના ફાયદા

P.R
તમે એવું માનતા હશો કે યોગ તો મોટા લોકોનું કામ છે, બાળકોને આનાથી શું ફાયદો થશે, આવું બોરિંગ કામ કોણ કરે, વગેરે વગેરે... પણ જણાવી દઇએ કે યોગ બાળકો માટે પણ એટલો જ ફાયદાકારક છે. તો જાણીએ બાળકોએ કયાં યોગ કરવા જોઇએ અને તેમના માટે તે કેટલા ફાયદાકારક છે...

યોગ કરવો એટલો જ જરૂરી છે જેટલું રોજ શાળાએ જવું. આનું કારણ એ છે કે આનાથી તમને શારીરિક ફિટનેસ મળે છે. તે અનેક બીમારીઓ સામે તમારો બચાવ કરે છે અને તમારા શરીરને ચુસ્ત-તંદુરસ્ત અને સુંદર રાખે છે. જો આજથી જ યોગ કરવાની શરૂઆત કરી દેશો તો આગળ જતાં વહેલા વૃદ્ધત્વનો સામનો નહીં કરવો પડે, યાદશક્તિ સારી રહેશે, મગજ પણ ઝડપથી કામ કરશે. આ સિવાય તમે ડિપ્રેશન જેવી બીમારીઓથી પણ બચી જશો.

યોગ કરવાથી શરીરની માંસપેશીઓ ખેંચાય છે જેનાથી શરીરને આરામ મળે છે અને અંગોનો મસાજ થાય છે, પાચનતંત્ર સારું રહે છે, આત્મવિશ્વાસ વધે છે. બાળકો પાંચ વર્ષની ઉંમરથી જ યોગ શીખી શકે છે. યોગને ભાર ન બનાવશો, તેને રમતાં-રમતાં શીખો અને તેમાં રસ દાખવો. એવું જરૂરી નથી કે સખત યોગના જ ફાયદા થાય છે પણ સરળ યોગ પણ એટલો જ ફાયદાકારક છે. તમારા માટે નીચેના યોગાસન ઉત્તમ રહેશે...

તાડાસન : સીધા ઊભા રહી જાવ. બંને હાથની આંગળીઓને લોક કરી દો અને તેને ઉપર તરફ ખેંચો. ધીમે-ધીમે પંજા પર ઊભા રહી જાવ અને શરીરને ઉપર તરફ ખેંચો.
ફાયદા : આ આસન કરવાથી લંબાઈ વધે છે. આનાથી કરોડના હાડકાને આરામ મળે છે.

ત્રિકોણાસન : બંને પગ ખુલ્લા કરી ઊભા થઇ જાવ. ધીમે-ધીમે નીચેની તરફ વળો અને સીધા હાથથી ઊલ્ટા પગને અડો અને બાદમાં ઉલ્ટા હાથે સીધા પગને અડો. આવું 15-20વાર કરવું જોઇએ.
ફાયદા : આ કરવાથી સમગ્ર શરીરમાં ખેંચાણ સર્જાશે અને કબજિયાત દૂર થશે.

પદ્માસન : આ આસન બેસીને કરાય છે. આના માટે પલાઠી વાળીને બેસી જવું, બુદ્ધ ભગવાન જે મુદ્રામાં બેસે છે તે રીતે બેસી જાવ. અને હવે આંખો બંધ કરી તમારા શ્વાસ પર ધ્યાન આપો.
ફાયદા : આનાથી એકાગ્રતા વધે છે અને મગજ તેજ થાય છે.

પવન મુક્તાસન : સીધા ઊંઘી જાવ. પગને 45 ડિગ્રી પર વાળો અને ઘૂંટણ વાળી છાતી પર અડાડો. મોઢાને ઘૂંટણ પર લઇ આવો અને આંગળીઓને લોક કરી ઘૂંટણ પર રાખો.
ફાયદા : આનાથી ગેસ અને કબજિયાત દૂર થાય છે. કમર અને નીચેના ભાગમાં આરામ મળે છે.

યોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
- યોગ હંમેશા સમગ્ર જાણકારી અને વડીલની દેખરેખમાં કરો.
- કોઇપણ આસન વધારે પડતું જોર લગાવી ન કરો. આનાથી ઇજા પહોંચી શકે છે.
- હંમેશા શ્વાસ લેવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખો. દરેક યોગમાં શ્વાસ અલગ-અલગ રીતે લો.
- 6 વર્ષ સુધીના બાળકોએ એક યોગાસન 1 મિનિટથી વધુ ન કરવું. કુલ 15 મિનિટથી વધુ યોગ ન કરો.
- યોગ કરવાના 2-3 કલાક પહેલા કંઇ ખાવું ન જોઇએ
- બની શકે તો સવારે યોગ કરો, શાળામાં પણ અચૂક યોગ શીખો.