શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

કસાબ નેપાળમાં નથી પકડાયો

W.D

નેપાળે મુંબઇ હુમલાકાંડમાં ધરપકડ કરાયેલ આતંકવાદી અજમલ અમીર ઇમાન કાસબની બે વર્ષ પૂર્વે નેપાળમાં ધરપકડ થઇ હોવાના અહેવાલને ખોટો જણાવ્યો છે.

નેપાળે એ પણ કહ્યું છે કે, આવા સમાચારો ફેલાવી તેમની છબી ખરડાવા પ્રયાસ કરાઇ રહ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તેમણે પાકિસ્તાનના અખબાર ધ ડોનમાં કસાબની બે વર્ષ પૂર્વે નેપાળમાં ધરપકડ થઇ હોવાના પ્રસિધ્ધ થયેલા સમાચાર અંગે ગંભીરતાથી નોંધ લીધી છે.

અખબારના અહેવાલમાં લાહોરના એક વકીલ સી.એમ ફારૂકીના હવાલે કહેવામાં આવ્યું છે કે, કસાબ તથા તેના કેટલાય સાથીઓની વર્ષ 2006માં નેપાળી સુરક્ષાકર્મીઓની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને ભારતને સોંપી દેવાયો હતો.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એ પણ કહ્યુ હતું કે, મંત્રાલય અખબારના અહેવાલને ઉગ્ર શબ્દોમાં વખોડે છે. અજમલની નેપાળમાં ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી કે નથી તેને બીજા દેશને સોંપવામાં આવ્યો. ફારૂકીએ એવો પણ દાવો કર્યો છે કે, તેણે કસાબને છોડાવવા માટે નેપાળની હાઇકોર્ટમાં અરજી પણ આપી હતી.

તેમણે કહ્યું કે, ફારૂકીએ કસાબની જગ્યાએ અન્ય બે પાકિસ્તાની નાગરિકોને છોડાવવા માટે અરજી આપી હતી. પરંતુ રજુઆતને પગલે કોર્ટે રદ કરી હતી.