શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દક્ષિણ અમેરિકામાં અવરજવર માટે એક અનોખી વ્યવસ્થા !!

P.R

દક્ષિણ અમેરિકામાં આવેલા દેશ કોલંબિયા દેશના બીજા સૌથી મોટા શહેર શહેર મેડેલિનમાં નીચાણના વિસ્તારમાં રહેતા લોકો માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એસ્કેલેટર્સ (સ્વયંસંચાલિત નીસરણી)ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ શહેરમાં નીચાણના વિસ્તારોમાં રહેતા લોકો માટે આવી વ્યવસ્થા કરવામાં આવી હોય તેવો દુનિયામાં આ સૌપ્રથમ કિસ્સો છે.

મેડેલિનના કોમ્યુના 13 વિસ્તારમાં લગભગ 12000 લોકોની વસ્તી છે અને શહેરનો આ વિસ્તાર એટલો નીચાણમાં છે કે અહીં વસતા લોકોને અન્ય વિસ્તારમાં જવા માટે 28 માળની ઈમારત જેટલું ચઢાણ કરવું પડતું હતું.

જોકે, હવે શહેરીજનોની આ અસુવિધાનો અંત આવી ગયો છે અને હવે તેઓ માત્ર છ મિનિટમાં ઉંચાઈ સુધી પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા આટલી જ ઉંચાઈ પર પગથિયા ચઢીને જવામાં લોકોને 35 મિનિટ જેટલો સમય લાગતો હતો. પેઢીઓથી અહીં વસતા લોકો માટે તો આ એસ્કેલેટર્સ જાણે એક સ્વપ્ન પુરૂં થયું હોય તેવી બાબત બની ગઈ છે.

આ એસ્કેલેટર્સની લંબાઈ 384 મીટર છે અને તેને છ ભાગમાં વહેચવામાં આવી છે જેથી આ વિસ્તારના જુદાજુદા ભાગોમાં રહેતા લોકો તેનો ઉપયોગ કરી શકે.
આ એસ્કેલેટર્સ બનાવવાનો ખર્ચ પુરા ચાર મિલિયન પાઉન્ડ આવ્યો છે અને હાલમાં આ પ્રોજેક્ટ અહીંના લોકોમાં ખાસ્સો લોકપ્રીય થઈ રહ્યો છે. શહેરના મેયર અલોન્સો સેલેઝરના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટના પરિણામથી વહીવટીતંત્ર ખુબ જ ખુશ છે અને આખી દુનિયામાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે.

વળી, હાલમાં તો બ્રાઝિલના શહેર રિયો દી જાનેરોના અધિકારીઓ પણ આ પ્લાન જોવા આવ્યા હતા અને તેઓ પણ આવું જ આયોજન કરવા વિચારણા કરી રહ્યા છે.

આ પ્રોજેક્ટ અંગે સ્થાનિક રહેવાસી ઓલ્ગા હોલ્ગ્યુઈને કહ્યુ હતુ કે આ એસ્કેલેટરને જોતા જ જાણે સપનું પુરૂં થઈ ગયું હોય તેવો અહેસાસ થાય છે. આ એસ્કેલેટર લોકોને પ્રતિકૂળ તાપમાનથી બચવા પણ સક્ષમ છે અને ભારે વરસાદ તેમજ પૂરની સ્થિતિમાં તેની મદદથી સરળતાથી ઉપરના વિસ્તારમાં જઈ શકાશે.

નવાઈની વાત એ છે કે આ વિસ્તાર અગાઉ ગુનાખોરી માટે કુખ્યાત હતો પરંતુ આ એસ્કેલેટર બનતાં હવે તેના ગુનાખોરીના રેટમાં પણ ઘટાડો થઈ ગયો છે.