બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 નવેમ્બર 2020 (10:36 IST)

નાઇજીરિયામાં હુમલો, 43 ખેતમજૂરોની ગળું કાપીને હત્યા

પાછલા અમુક મહિનાઓનો આ ક્ષેત્રનો આ સૌથી ખરાબ હુમલો ગણાઈ રહ્યો છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં બોકો હરામ અને પશ્ચિમી આફ્રિકા ઇસ્લામિક સ્ટેટનાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય હોવાનું મનાય છે. આ હુમલાની હજુ સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી.
 
નાઇજીરિયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ કહ્યું કે, "બોર્નોમાં અમારા પરિશ્રમી ખેડૂતોની હત્યાના કૃત્યને હું વખોડું છું. આ સંવેદનાહિન કતલેઆમને કારણે આપણો દેશ વ્યથિત છે. આ હુમલાઓમાં જીવ ગુમાવનારા સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે."
 
રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તા ગર્બા શેહુના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિ બુહારીએ આ "હુમલાને પાગલ કૃત્ય ગણાવ્યું છે."
 
સ્થાનિક સૈનિક જેમણે હુમલામાં બચનારાઓને મદદ કરી તેમણે AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "અમને ઘટના સ્થળેથી 43 લોકોના મૃતદેહ મળ્યા છે. બધાની હત્યા કરાઈ હતી. ઘટનામાં છ લોકો ગંભીરપણે ઘાયલ પણ થયા છે."
 
હુમલો ક્યાં કરાયો?
 
ઘણા ખેતમજૂરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યાનુસાર તેમાં દસ મહિલાઓ પણ સામેલ છે. અન્ય એક સૈનિકે AFPને જણાવ્યું કે, "હુમલામાં જીવ ગુમાવનાર તમામ ઉત્તર-પશ્ચિમી રાજ્ય સોકોટોના નિવાસી હતા. તેઓ પોતાનાં ઘરોથી એક હજાર કિલોમિટર દૂર ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં કામ કરવા માટે આવ્યા હતા."
 
બોર્નો રાજ્યના ગવર્નર બાબાગાના ઝુલુમ પણ મૃતકોની અંતિમ વિધિ દરમિયાન હાજર રહ્યા હતા.
 
તેમણે પત્રકારોને કહ્યું કે, "પોતાનાં ખેતરોમાં કામ કરી રહેલા 40 કરતાં વધુ મજૂરોને હત્યાનું કૃત્ય ખૂબ જ દુ:ખદ છે."
 
"અમારા લોકો ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં છે, તેઓ બે આંત્યંતિક પરિસ્થિતિમાં છે. એક તરફ જો તેઓ ઘરે રહેશે તો તેઓ ભૂખના કારણે મરી જશે અને બીજી તરફ જો તેઓ ખેતરોમાં કામ કરવા માટે જશે તો હુમલાખોરોના નિશાન પર આવી જશે. આ ખૂબ જ દુ:ખની વાત છે."