ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : બુધવાર, 27 જાન્યુઆરી 2016 (13:41 IST)

લવ ટિપ્સ - આજના પુરૂષોને કેવી પત્ની ગમે છે જાણો છો ?

દરેક પુરુષના અંતરની કામના હોય છે કે તેની પત્ની સુંદર, દેખાવડી અને સ્માર્ટ હોય, પરંતુ સ્ત્રીની ખૂબસૂરતીની સાથે તેમાં કેટલીક ખૂબીઓ પણ હોવી જોઈએ. એવું દરેક પુરુષ ઈચ્છે છે. તો કઈ કઈ ખૂબીઓ સ્ત્રીમાં હોવી જોઈએ. જેનાથી પુરુષ તેનો દીવાનો બની જાય છે. પળભર પણ તેના વગર તેને ચાલતું નથી. પળે પળે તેનો સાથ ઈચ્છે છે. ચાલો, આપણે જાણીએ.

આજના મોર્ડન યુગમાં પણ પુુરુષને સંસ્કારી સ્ત્રી ગમે છે. તેને ઘરના રીત-રિવાજોન માહિતી હોય. સાથે ઘરના વડીલોનું માન જાળવતા આવડવું જોઈએ. મોટેમોટેથી બોલવું, મોટાનું અપમાન કરવું, તોછડાઈથી વર્તવું, તડફડ કરવું અને ઉદ્ધતાઈથી પેશ આવવું. આવી સ્ત્રી પુરુષને બિલકુલ પસંદ નથી. આવી પત્નીને કારણે તે ભોંઠપ અનુભવે છે.

પુરુષ ઈચ્છે છે કે તેની પત્ની તેના માતા-પિતાને દિલથી અપનાવે અને ઘરના દરેક સભ્યો, ભાઈ, બહેન બધા સાથે પ્રેમથી વર્તે. અને આ બધા સાથે સલૂકાઈથી-મીઠાશથી વર્તે. એક સારી હોમમેકરની જેમ પરિવારને સાંકળી રાખે અને તેના આવા મીઠાશભર્યા વર્તાવને કારણે ઘરના સભ્યો પણ તેને પ્રેમ કરે. જેથી ઘરનો માહોલ નંદનવન શો બની રહે. ઉપરાંત પરિવારના સભ્યોનું બરાબર ધ્યાન રાખે. તેઓની જરૂરિયાતને સમજે. જેમ કે પતિ બહારગામ ગયો હોય અને સસરાજીના ચશ્માં તૂટી ગયા હોય તો ચશ્માં રિપેર કરી આવવા, સાસુજીની જરૂરિયાતો પૂરી કરવી, દિયર-નણંદની ડિમાન્ડ પૂરી કરવી.

પત્ની માત્ર સુંદર હોય તે પૂરતું નથી, પરંતુ તે મનથી પણ ખૂબસૂરત હોવી જોઈએ અને પુરુષો આ વાતને મહત્ત્વ આપે છે. પત્ની તેની સાદગી અને સારા વર્તનથી આખાય પરિવારનું મન જીતી લે, ગપગોળાવાળી ખોટી બનાવટી વાતોથી દૂર રહે.

સામાન્ય રીતે કહેવાય છે કે પુરુષોને ખૂબસૂરત પત્ની ગમે છે. સમજદાર નહીં, જે તેનાં ઈશારા પર કામ કરે. પરંતુ આ સત્ય નથી. પુરુષ એવી સમજદાર સ્ત્રીને પસંદ કરે છે જે તેની ગેરહાજરીમાં કોઈ પણ અણધારી સમસ્યા ઊભી થાય તો તેને હલ કરી શકે. અને તેને કોઈની મદદની જરૂર ન પડે. સ્ત્રીની આવી આંતરિક સૂઝ ને આવડત પર પુરુષ ફિદા થઈ જાય છે.

હવે એ જમાનો રહ્યો નથી કે પુરુષ બહારના કામ પતાવે અને સ્ત્રી ઘરની બધી જવાબદારી સંભાળતી હોય. આજે બંનેના ખભા પર સરખી જવાબદારી છે. તેથી પુરુષ ઈચ્છે છે કે તેની પત્ની તેના દરેક કામમાં સાથ આપે. તેની સારી સલાહકર્તા બને અને તેના દરેક નિર્ણયમાં તે પોતાનો મત આપે.

ટી.વી. એક્ટર વિશાલ કરવાલ કહેે છે કે પત્નીની ખૂબસૂરતી મારે માટે એટલું મહત્ત્વ નથી રાખતી, જેટલી તે સમજદાર અને ઈન્ટેલિજન્ટ હોવી જોઈએ, તે સમજદાર હશે તો મને ને મારા કામને સમજી શકશે.

તો ટીવી એક્ટર શશાંક વ્યાસ માને છે કે હું કોઈ દેખાવડી પરી સાથે લગ્ન કરવા નથી ઈચ્છતો. સારા સ્વભાવની અને ઘર-પરિવારને જોડી રાખે તેવી પત્ની ઈચ્છું છું.

કોઈએ સાચું કહ્યું છે કે પતિના દિલ સુધી પહોંચવું હોય તો તેને સારી વાનગીઓ બનાવી જમાડવો જોઈએ, આ જ કારણ છે કે ખૂબસૂરત સ્ત્રીઓ કરતાં સારી રસોઈ બનાવનાર પત્ની પતિના દિલમાં રાજ કરે છે. ઘર બનાવે છે. જો પત્ની સારી કૂક હોય તો ખાવાના શોખીન પુરુષો દોસ્તો અને સગાંવહાલાંઓ સામે ગૌરવ મહેસૂસ કરે છે.

ટીવી એક્ટર સિદ્ધાર્થ શુકલા પણ કહે છે કે ખૂબસૂરત પત્નીને બદલે હું એવી પત્ની ઈચ્છું છું કે તેનામાં ઘણીબધી ખૂબીઓ હોય. જેમ કે સેન્સ ઓફ હ્યુમર કમાલની હોય અને સારું ખાવાનું બનાવતા આવડતું હોય.

અલબત્ત, દરેક પુરુષો મનથી ઈચ્છતા હોય છે કે પત્નીને સારી રસોઈ બનાવતા આવડવી જોઈએ.

વળી, પુરુષ એવું પણ ચાહતો હોય છે કે સારી પત્નીની સાથે તે સારી માતાની ભૂમિકા પણ અદા કરે. બાળકોની તબિયતની સાથે તેઓના શિક્ષણ-ભણવામાં પૂરું ધ્યાન રાખે. બાળકોને સંસ્કારી અને સમજદાર બનાવે.

જીવનમાં ચડતી-પડતી, સુખ-દુ:ખ આવ્યા કરે છે. દરેક પુરુષ ઈચ્છે છે કે તેના કપરા સમયમાં પત્ની તેને પૂરેપૂરો સાથ આપે. તે જો હિંમત હારી ગયો હોય તો તેની હામ બની તેને સાચા અર્થમાં સપોર્ટ કરે. તેના મુશ્કેલ સમયમાં અડીખમ ઊભી રહી તેને ઉગારે. આ જ તો સ્ત્રીની ખરી કસોટી છે. આવા કટોકટીના સમયે સાથ દેનારી પત્ની પુરુષને મન દુનિયાની સૌથી વધુ ખૂબસૂરત સ્ત્રી (પત્ની) છે.

મુશ્કેલીઓમાં પાછા હટવાને બદલે હિંમત અને સખતાઈથી તેનો સામનો કરવાવાળી પત્ની પુરુષના દિલ પર રાજ કરે છે. કેમ કે પતિ તેને કમજોરી નહીં, બલ્કિ તેની તાકાત બનાવવાનું પસંદ કરે છે. પત્ની જો મજબૂત, આત્મવિશ્ર્વાસથી ભરપૂર હોય તો પતિની શક્તિ બુલંદ બની જાય છે.

વળી, આસપાસની જાણકાણીની સાથે દેશ-દુનિયાની ખબરોની જાણ રાખી પતિની સાથે દરેક મુદ્દા પર ચર્ચા કરી શકે એવી પત્ની પુરુષને પસંદ છે.

ઉપરાંત પુરુષને સેક્સમાં સાથ દેનારી, તેની આંતરિક ગતિ-વિધિઓને જાણનારી તેના દરેક કદમમાં સાથ દેનારી પત્ની પુરુષને બેહદ પસંદ કરે છે.