બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 19 જૂન 2013 (10:07 IST)

મોદીએ દિલ્હીમાં ભાજપના ત્રણ વરિષ્ઠ નેતાઓની મુલાકાત લીધી

P.R
:
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ આજે દેશની રાજધાની દિલ્હીની મુલાકાત લેતા સમગ્ર મીડિયાનું ધ્યાન તેમના ઉપર કેન્દ્રિત થયું હતું. મોદીએ આ મુલાકાત દરમિયાન ભાજપના ત્રણ વરિષ્ઠ નેતાઓની પણ મુલાકાત પણ લીધી હતી. જેમાં તેમના રાજકીય ગુરૂ અને જેઓ મોદીની નિમણૂંક સામે નારાજ છે એવા એલ. કે. અડવાણીની પણ મુલાકાત લીધી હતી. બીજી તરફ આયોજન પંચે ગુજરાતની વાર્ષિક યોજનાના કદમાં 15.68 ટકાનો વધારો કરીને રૂ. 500 કરોડનો વધારો સૂચવ્યો હતો.

મોદીએ આજે દિલ્હીની મુલાકાત લેતા સૌ કોઇનું ધ્યાન તે તરફ દોરાયું હતું. દિલ્હી પહોંચતા જ અડવાણી તથા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોષીની મુલાકાત લીધી હતી. આ ત્રણ મુલાકાતમાંથી અડવાણીની મુલાકાતને સૂચક માનવામાં આવે છે. કેમ કે ગોવા કારોબારીમાં મોદીની નિમણૂંકના મામલે અડવાણીએ ભારે વિરોધ કર્યો હતો. અને મોદીની આ નિમણૂંકને કારણે જેડી(યુ) ભાજપથી અલગ થયું છે. મોદીએ આજની મુલાકાતમાં અડવાણીને મનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સમજાય છે.

ભાજપના નેતાઓને મળ્યા બાદ તેમણે આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંગ અહલુવાલિયા સાથે બેઠક યોજીને ગુજરાતની સને 2013-14ની વાર્ષિક યોજના સંદર્ભે મંત્રણા કરી હતી. ગુજરાતે વાર્ષિક યોજનાનું 58,500 કરોડનું નક્કી કર્યું હતું પરંતુ ગુજરાત સરકારની સારી નાણાંકીય સ્થિતિ અને ગુજરાત જે બજેટ મંજુર કરે છે તેનો ખરેખર પ્રજાકીય કાર્યો માટે ઉપયોગ થાય છે તેની નોંધ આયોજન પંચે લીધી હતી અને ગુજરાત સરકારને વાર્ષિક યોજનાના કદમાં વધુ રૂપિયા 500 કરોડનો ઉમેરો કરવા મંજૂરી આપી હતી. આમ ગુજરાતની વાર્ષિક યોજનાનું કદ 59 હજાર કરોડનું સુનિશ્ચિત થયું છે. આ બેઠક બાદ મોદીએ મીડિયા સાથે વાતચીત કરીને દાવો કર્યો હતો કે આયોજનપંચના ઉપાધ્યક્ષે ગુજરાત સરકારના વખાણ કર્યા હતા અને એમ કહ્યું હતું કે ગુજરાત ખરેખર પ્રગતિ કરી રહ્યું છે.

ત્યારબાદ તેમણે ભાજપ કાર્યાલયની મુલાકાત લઇને પક્ષના મહામંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વિશેષ કરીને જેડી(યુ) સાથેના ભંગાણ બાદ તેમની આ બેઠકમાં એનડીએના સંભવિત નવગઠન અંગે ચર્ચા-વિચારણા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ, મોદીએ આજે સમગ્ર દિવસ પાટનગરમાં રાજકીય ગતિવિધી સાથે હાજરી આપી હતી. અને મીડિયાએ પણ તેમને વ્યાપક કવરેજ આફ્યું હતું.