ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 જુલાઈ 2015 (14:28 IST)

યાકુબ મેમણને મુસ્લિમ હોવાની સજા છે ફાંસી - ઓવેસી

યાકુબ મેમણના નામે હવે કોમી રાજનીતિનો આરંભ થઈ ગયો છે. આ મામલે વિવાદાસ્પદ રાજનેતા અસદુદ્દીન ઔવેસી કુદી પડ્યા છે અને તેમણે યાકુબ મેમણને માત્ર ધર્મના આધારે જ ફાંસી અપાતી હોવાનો આરોપ લગાવીને ભેદભાવની રાજનીતિ કરાયાનો આરોપ લગાવ્યો હતો. 
 
એમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ યાકુબની ફાંસી પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. ઔવેસી આરોપ લગાવ્યો છે કે ધર્મને આધાર બનાવીને ફાંસી અપાઈ રહી છે. જો કે તેના પર આકરી પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા શાહનવાજ હુસૈને જણાવ્યુ હતુ કે 1993માં મુંબઈ વિસ્ફોટમાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો માર્યા ગયા હતા અને ઔવેસીના આરોપ પાયાવિહોણા છે. તેમણે આ પ્રકારના મામલાઓ પર રાજનીતિ ન કરવા જણાવ્યુ હતુ. 
 
આ અંગે ઔવેસી જણાવ્યુ હતુ કે સરકર ધર્મને આધાર બનાવીને ફાંસીની સજા નક્કી કરી રહી છે જો ફાંસી આપવી હોય તો રાજીવ ગાંધીના હત્યારાઓને પણ શૂળીએ ચઢાવવા જોઈએ. હાલમાં સુપ્રીમ યાકુબની ક્યુરેટિવ અપિલને ફગાવ્યા બાદ તેની ફાંસી નક્કી થઈ ચુકી છે. નાગપુર જેલમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. 
 
1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકોના મોત થયા હતા. જ્યારે 700 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ધડાકાઓનું કાવતરૂ ડી કંપનીના સર્વેસર્વા દાઉદે ઘડ્યુ હતુ અને ત્યારે વિસ્ફોટકોને પ્લાન્ટ કરવાની અને તે માટેની તમામ આર્થિક ગતિવિધિઓમાં યાકુબે સક્રિય ભાગ ભાજવ્યો હતો. તેણે આ વિસ્ફોટો માટે યુવાનોને પાકિસ્તાન ટ્રેનિંગ માટે મોકલવા વીઝા અને પાસપોર્ટની કામગીરી હતી. 
 
જો યાકુબને ફાંસી થશે તો આ હાલના સમયમાં અપાયેલી ત્રીજી ફાંસી હશે આ પહેલા મુંબઈ હુમલામાં જીવતા ઝડપાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને અને ત્યારબાદ સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરૂને ફાંસી અપાઈ હતી.