ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 21 મે 2010 (10:54 IST)

આંધ્રમાં લૈલાથી તારાજી, 16 મર્યા

ચક્રવતી વાવાઝોડા લૈલાએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગુરૂવારે ભારે તારાજી સર્જી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ઓછામાં ઓછા 16 લોકોના વાવાઝોડાના કારણે મૃત્યુ નિપજ્યાં છે અને બહોળી સંખ્યામાં લોકો ગૂમ થઈ ગયાં છે. મોટી સંખ્યામાં ગામો પાણીમાં ડુબી ગયા હોવાના પણ અહેવાલ મળ્યાં છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અભૂતપૂર્વ નુકસાન થયું છે. પડોશી ઓરિસ્સા તરફ આગેકૂચ કરતા વાવાઝોડાએ આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન પહોંચાડી દીધું છે. ભીષણ વરસાદની સાથે તોફાની પવન ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

પ્રાપ્ત અહેવાલ મુંબજ કલાકે 125 કિલોમીટરની ઝડપે પ્રચંડ પવન ફુંકાતા વરસાદ પણ પડ્યો હતો. આંધ્રપ્રદેશના દક્ષિણી ભાગોમાં ભારે તારાજી થઈ છે. મોબાઈલ સંપર્કો કપાઈ ગયા છે. ટ્રેનોને રદ્દ કરવાની ફરજ પડી છે.

ઈલેક્ટ્રીસિટી અને કોમ્યુનિકેશન વ્યવસ્થા પણ ઠપ્પ થઈ ગઈ છે. અધિકારીએ કહ્યું કે, બંગાળના અખાતમાં પ્રચંડ વાવાઝોડુ જોવા મળ્યું હતું. દક્ષિણી જિલ્લા ગંતુરમાં આવેલા શહેર બાપાતલાથી આશરે 50 કિલોમીટરના અંતરે આ વાવાઝોડુ ત્રાટક્યું હતું. અનેક ગામો તેના સકંજામાં આવી ગયાં હતાં.

હવે પડોશી ઓરિસ્સામાં બેલાસોર તરફ આ વાવાઝોડુ વધી રહ્યું છે. હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે, હજુ પણ નુકસાનનું સંકટ તોળાઈ રહ્યું છે.