શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ, , મંગળવાર, 14 જૂન 2016 (11:27 IST)

જીએસટી બીલ અંગે ચર્ચા થશે

લાંબા સમયથી અટવાઈ પડેલા જીએસટી બિલ મામલે કેન્દ્ર સરકાર ફરી સક્રિય થઈ છે. આગામી સમયમાં સંસદનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યુ છે ત્યારે આ સંસદના ચોમાસા સત્રમાં જીએસટી બિલ પાસ થાય તે માટે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા ધમધમાટ શરુ કરાયો છે. 

જે અંતર્ગત આવતીકાલથી નાણાં મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં બે દિવસની કોન્ફરન્સનું કોલકત્તા ખાતે આયોજન કરાયુ છે, જેમાં ગુજરાતના નાણાં મંત્રી સૌરભ પટેલ ભાગ લેવા માટે કોલકત્તા જશે. ગુજરાતના નાણાં મંત્રી સૌરભ પટેલ આ કોન્ફરન્સમાં જીએસટી બિલ મુદ્દે ગુજરાત તરફથી પોતાની રજુઆત કરશે.

આ ઉપરાંત જીએસટી કાયદાના નવા બંધારણને લઈને તમામ રાજ્યો  પોતાની રજુઆત કરશે આગામી સમયમાં બંધારણ તૈયાર થયા બાદ કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્રમાં જીએસટી બિલને નવા
સ્વરુપે રજુ કરશે. ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જીએસટી બિલ મામલે જોવા મળી રહેલ મડાગાંઠને ઉકેલવા માટે આ બેઠકનું આયોજન કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે, એનડીએ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી જીએસટીનું બિલ તેમના માથાનો દુઃખાવો બની ગયુ છે.  અત્યાર સુધી સંસદના લગભગ દરેક સત્રમાં જીએસટી બિલને પાસ કરાવવા માટે સરકાર દ્વારા અનેક ધમપછાડા કરવામાં આવ્યા છે.

જોકે,  અત્યાર સુધી જીએસટી બિલ પાસ થયુ નથી.  ખાસ કરીને જીએસટી બિલ મામલે રાજ્યોએ ટેક્સની વહેંચણી મામલે વિરોધ ઉઠાવ્યો છે.  ત્યારે ફરી એકવાર ચોમાસુ સત્રના પહેલા  કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી બિલ આડેની આ મડાગાંઠ દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.