બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

જેટલીએ ગુજરાતમાંથી બહાર જવાની ઈચ્છા દર્શાવી

P.R
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી વધારે નજીક અને વિશ્વાસુ સાથી નેતા ગણાય છે. અરુણ જેટલીએ નરેન્દ્ર મોદીને રાજકીય અને કાયદાકીય એમ બંને પ્રકારે ભરપૂર મદદ કરી છે.

પરંતુ ગુજરાતમાંથી બે ટર્મથી રાજ્યસભાના સાંસદ બનનારા અરુણ જેટલી માર્ચના અંતમાં યોજાનારી ચૂંટણીમાં રાજ્યસભા માટે અન્ય રાજ્યમાંથી ચૂંટાવાનું પસંદ કરે તેવી શક્યતાઓ સપાટી પર આવી છે.

પરિસ્થિતિ ત્યારે વધારે વણસે તેમ લાગે છે કે જ્યારે જેટલી બિહારથી પોતાની રાજ્યસભા માટેની ઉમેદવારી નોંધાવાના વિકલ્પ પર વિચાર કરશે. કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચાર અભિયાનથી દૂર રાખ્યા હતા.

અરુણ જેટલી દ્વારા રાજ્યસભામાં ઉમેદવારી કરવા સંદર્ભે ગુજરાત સિવાયના અન્ય વિકલ્પો પર નજર દોડાવાની વાતે ભાજપના આંતરીક વર્તુળોમાં ઘેરા અનુમાનોને જન્મ આપ્યો છે. તેઓ અર્થ કાઢી રહ્યા છે કે આ મોદી-જેટલીની ભાગીદારીનો અંત છે કે જેને કારણે મોદી એક કરતા વધારે મોકા પર બચ્યા હતા. જેટલી માટે રાજ્યસભામાં ઉમેદવારી કરવા માટે અન્ય વિકલ્પ મધ્ય પ્રદેશનો છે. અહીંથી તેઓ રાજ્યસભાની ઉમેદવારી કરે તેવી પ્રબળ સંભાવનાઓ છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે રવિવારે પાટનગર ગાંધીનગરમાં બેઠક યોજીને રાજ્યસભામાં સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા કરી છે અને આ નામોને દિલ્હી હાઈકમાન્ડ પાસે મોકલવામાં આવશે. ગુજરાતમાંથી ખાલી થનારી ચાર બેઠકોમાંથી ભાજપ ત્રણ જાળવી રાખશે. જેટલી સિવાય નિવૃત થનારા અન્ય સાંસદો વિજય રૂપાણી અને કાનજીભાઈ પટેલ સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.

હાલમાં ખટાશ પકડી ચુકેલી મોદી-જેટલીની મિત્રતાનો લાંબો ઈતિહાસ છે. ગુજરાત રમખાણો વખતે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની શીખ આપીને ગોવામાં 2002માં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મોદીને હટાવવાનો તખ્તો તૈયાર કર્યો હતો. પરંતુ ગોવા ખાતેની પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં જવા માટે અરુણ જેટલી દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને મોદીની સાથે ગોવા ગયા હતા. જેટલીએ લિપિબદ્ધ કરેલા સમર્થનને કારણે મોદી રાજકીય કટોકટીના સમયમાં આબાદ બચી ગયા હતા.

જેટલીએ લગભગ તમામ રમખાણો સંબંધિત કેસો પર વકીલોની પેનલ મૂકી અને તેમણે આ કેસોમાં વ્યક્તિગત રસ પણ લીધો.

સૂત્રો કહે છે કે મોદીએ જેટલીના સમર્થનને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણ્યું. પરિસ્થિતિ થોડા માસ પહેલા બગડવા લાગી. યોગાનુયોગ ગત વર્ષ સપ્ટેમ્બરમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મોદી ગેરહાજર રહીને પાર્ટીના નેતૃત્વની અવગણના કરી હતી.

મોદી મોટી રાષ્ટ્રીય ભૂમિકા સંદર્ભે મહત્વકાંક્ષા રાખતા હોવાથી તેમની સીધી સ્પર્ધા જેટલી સાથે થતી દેખાઈ. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રાને ગુજરાતમાંથી પ્રારંભ કરવાની તક નહીં આપીને મોદી દ્વારા અડવાણીનું અપમાન કરાયું હોવાની લાગણી ભાજપના ઘણાં નેતાઓમાં હતી. અરુણ જેટલી પણ આ સમગ્ર મામલાથી ખાસા અસ્વસ્થ હતા.

તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનથી મોદી દૂર રહ્યા તે પણ જેટલીને અરુચિકર લાગ્યું હતું.

પાર્ટીના સૂત્રો કહે છે કે જેટલીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીને ગુજરાતમાંથી બહાર જવાની ઈચ્છા દર્શાવી દીધી છે અને કેટલીક બિનઔપચારીક ચર્ચા બિહારની નેતાગીરી સાથે કરવામાં આવી છે.

સોમવારે ચર્ચા થશે

ગુજરાત, મધ્ય પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની 15 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાંથી 9 બેઠકો ભાજપ જાળવી રાખે તેવી શક્યતા છે. ગુજરાતની ત્રણ બેઠકો સિવાય, મધ્ય પ્રદેશની 4 અને બિહારની બે બેઠકો પર ભાજપને જીતની આશા છે. ભાજપની થિંક ટેન્ક રવિશંકર પ્રસાદ અને જેટલી બંનેને બિહારમાંથી રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહી છે. જો કે આખરી નિર્ણ સોમવારે 12મી માર્ચે નવી દિલ્હી ખાતે ભાજપ હાઈકમાન્ડ કરશે.