શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ફેસબૂક-ટ્વિટર પર લોકોએ રાજીનામાને ગમ્મતનો મુદ્દો બનાવી કોમેન્ટો કરી

P.R
અડવાણીએ ભાજપમાંથી નારાજ થઈ રાજીનામું આપતાંની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ પર અડવાણી, ભાજપ, મોદી લોકો માટે ગમ્મતના મુદ્દા બની ગયા હતાં. ગઈ કાલ સુધી ફેસબૂક-ટ્વિટર પર મોદીની દાવેદારી અને નવા પદભારની ચર્ચા ચાલતી હતી. આજે સવારે અડવાણીના રાજીનામાની જાહેરાત થઈ એ સાથે જ ફેસબૂક-ટ્વિટર પર લોકોએ રાજીનામાને ગમ્મતનો મુદ્દો બનાવી જાત-ભાતની કોમેન્ટો કરી હતી.

અડવાણીને ધરાર પક્ષમાંથી ખસી જવું પડયું એટલે તેમની સરખામણી કેશુભાઈ પટેલ સાથે થઈ રહી છે. એ સંદર્ભમાં કોઈએ લખ્યુ હતું કે હવે અડવાણીને પોતાના પક્ષ જીપીપીમાં જોડાવવા કેશુબાપાએ આમંત્રણ આપ્યુ છે. અલબત્ત, આ એક કાલ્પનિક સમાચાર હતાં. અડવાણીએ જ ભુતકાળમાં મોદીના તોફાનો સામે ઢાલ બની તેમને બચાવ્યા હતાં. એટલે એક રીતે તો ઝેર પાઈને સાપ ઉછેરવા જેવી જ સ્થિતિ સર્જાઈ છે. એ સંદર્ભે કોઈએ લખ્યુ હતું. અડવાણીને હવે બીજેપી પહેલા જેવો પક્ષ નથી લાગતો. ક્યાંથી લાગે? પક્ષમાં વિખવાદની શરૃઆત તમે (અડવાણીએ) જ કરાવી હતી. હવે એ તમને જ નડી રહ્યું છે.

કોઈ રાષ્ટ્રીય નેતાનું મૃત્યુ થાય તો રાષ્ટ્રીય શોક જાહેર થાય અને ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે. એ સંદર્ભે કોઈએ એવુ પણ પુછી નાખ્યુ હતું કે પક્ષ રાષ્ટ્રીય શોક પાળશે? તો વળી મોદી ભક્તોએ હવે ભાજપ પ્રગતિ કરશે અને આગામી ચૂંટણીમાં સારી એવી સફળતા અંકે કરશે એવી આગાહી પણ કરી નાખી હતી. માયા કોડનાની હાલ નરોડા પાટીયા હત્યાકાંડમાં જેલમાં છે. માયાબેન અને અડવાણી બન્ને સિંધી છે. માયા કોડનાની બચાવવા અડવાણીએ ઘણા પ્રયાસો કર્યા હતાં, પણ એમાં મોદીએ રસ લીધો ન હતો. એ યાદ કરાવતા એક કોમેન્ટ એવી પણ હતી કે માયા કોડનાની પ્રકરણ જવાબદાર હોઈ શકે? ઉલ્લેખનિય છે, કે રામ જેઠમલાણી પણ સિંધી છે અને હાલ ભાજપથી તડિપાર થયેલા છે.

અડવાણીએ રાજીનામામાં લખ્યું છે કે પક્ષના કેટલાક નેતાઓ અંગત સ્વાર્થ સાધવા કામ કરે છે. એ વાતનો ઉલ્લેખ કરી એક કોમેન્ટ થઈ હતી કે અડવાણીએ પોતે પણ અંગત એજન્ડા સેટ કરવા માટે કામ કર્યું છે ને! રાજીનામા પછી લોકોએ , 'રાજનાથસિંહ અડવાણીને આજીવન વડાપ્રધાનનું સન્માન આપશે', 'મનમોહનસિંહે અડવાણીને ફોન કરીને કહ્યું કે વડા પ્રધાન થવામાં કશો લાભ નથી, મારી હાલત જોઈ લો', 'દેશભરના રથવાળાઓ કાલે બંધ પાળશે..' વગેરે જેવી હળવી કોમેન્ટો ફેસબૂક પર થઈ હતી.
શશી થરૃરે ટ્વિટર પર લખ્યુ હતું કે હવે સમજાઈ ગયું કે ભાજપ શા માટે પાર્ટી વિથ ડિફરન્સિસ છે, કેમ કે તેમાં બધા નેતાઓ એકબીજાથી વિરૃદ્ધ દિશામાં ચાલનારા છે. એ ટ્વિટરના જવાબમાં એક ભાઈએ વળી એવુ લખ્યું હતું કે મોદી પક્ષને તો સંભાળી શકતા નથી, દેશ શું સંભાળશે? ટ્વિટર પર એક કોમેન્ટ એવી હતી કે તેઓ પોતાનું કમળ પોતે જ ખાઈ ગયાં. કેટલાકે એવો રાજીપો પણ વ્યક્ત કર્યો હતો કે સારું થયું આ નાટક અત્યારે ચાલુ થઈ ગયું જેથી ચૂંટણી આવે ત્યાં સુધીમાં તો ભુલાઈ જશે. અડવાણીના વફાદાર ગણાતા અને અડવાણીની તરફદારી કરતા કોઈ રાજીનામા આપે છે કેમ એ જોવાની ઉત્સુકતા પણ કેટલાકે ટ્વિટર પર બતાવી હતી! અમુક કોમેન્ટમાં એવુ ડહાપણ પણ દેખાતુ હતું કે ભાજપને મોદીની જરૃર છે, પણ એનો મતલબ એવો નથી કે અડવાણીને અપમાનિત કરી દેવા.

ફેસબૂક પર બીજેપીનુ અર્થઘટન લોકોએ, ભારતીય ઝઘડા પાર્ટી, બખડ જંતર પાર્ટી, ભારતીય પરિવર્તન પાર્ટી વગેરે રીતે કર્યુ હતું. ગત ચૂંટણીમાં અડવાણીને લોહપુરુષ તરીકે રજુ કરાયા હતાં. પણ એ લોઢુ લોકોને આકર્ષી શક્યુ ન હતું. પરિણામે હવે રાજીનામા પછી એક એવુ કાર્ટૂન ફરતું થયું હતું જેમાં રાજનાથસિંહ હાથમાં લોહપુરુષને તેડીને ભંગારવાળાને ત્યાં વેચવા પહોંચી ગયા હોય!