શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

બીજેપીનો ગઢ તૂટી પડે તેવી શક્યતાઓ

P.R
દેશમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માટે જે લહેર ચાલી નીકળી છે તેનાથી દેશની બીજી બધી પાર્ટીઓએ ચિંતા કરવાની આવશ્યકતા છે તેના કરતાં વધારે બીજેપીએ ચિંતા કરવાની આવશ્યકતા છે, કેમ કે આ જ લહેરને કારણે લોકસભાની આગામી ચૂંટણીમાં ખુદ બીજેપીનો ગઢ તૂટી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

બીજેપીના એક પીઢ વિધાનસભ્ય તાજેતરમાં જ પુણે-નાંદુરબાર-જળગાંવ જેવા વિસ્તારોની મુલાકાતે ગયા હતા. આ નેતાએ મુંબઈમાં આવ્યા બાદ એવી માહિતી આપી હતી કે ગુજરાતને લાગીને આવેલા લોકસભાના બધા જ મતદારસંઘોમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ મોદીની આ લહેરને કારણે હવે બીજેપીના કાર્યકર્તાઓ ઓવર કોન્ફિડન્સમાં આળસુ કહી શકાય એટલી હદે બેદરકાર થઈ ગયા છે. સામાન્ય સંજોગોમાં કાર્યકર્તાઓ જેટલું કામ કરતા હોય તેના કરતાં અત્યારે તેઓ અડધું પણ કામ કરતા જોવા મળતા નથી. આ કાર્યકર્તાઓને એવું લાગી રહ્યું છે કે મોદીની લહેરમાં બીજેપીના બધા જ ઉમેદવારો જીતવના જ છે ત્યારે મહેનત કરવાની કોઈ આવશ્યકતા જ નથી. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ જેની સાથે ચા પીધેલી એ બીજેપીના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે લોકોમાં મોદીને લઈને જે ઉત્સાહ છે તેનો કાર્યકર્તાએ બમણા ઉત્સાહથી પ્રત્યાઘાત આપવો જોઈએ ત્યારે જ મોદીને વડા પ્રધાનપદે બેસાડી શકાશે. તેને બદલે અત્યારે જે આળસુપણું દેખાઈ રહ્યું છે તે કટોકટીની સ્થિતિમાં ઘાતક નીવડી શકે.

બીજી તરફ કૉંગ્રેસના કાર્યકર્તાઓ રાજ્યમાં મોદીના પ્રભાવને ખાળવા માટે બમણી તાકાતથી લડવા માટેની તૈયારી કરી રહ્યા છે. એક ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનના પુત્ર અને અત્યારે કૉંગ્રેસના સેક્રેટરી પદે રહેલા એક નેતાએ કહ્યું હતું કે મોદીની લહેર નથી એવું અમારે બોલવું પડે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારા લોકોને આ લહેરનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે આ કાર્યકર્તાઓ અત્યારે આકળા થઈને બમણા જોશથી કામ કરી રહ્યા છે. બીજેપીએ પ્રચાર આટલો વહેલો ચાલુ કરી દીધો હોવાથી અમને વિચાર માટે સમય મળી ગયો છે. આગામી બે મહિનામાં આખી પરિસ્થિતિ બદલી નાખવા માટે બધા જ પ્રયત્નો કૉંગ્રેસ કરી રહી છે.