શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2012 (10:33 IST)

ભાજપાના અધ્યક્ષ તરીકે મોદી શ્રેષ્ઠ છે - ગડકરી

P.R
ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ ઘોષણા કરી છે કે તેઓ પાર્ટી તરફથી ક્યારેય વડાપ્રધાન પદના ઉમેદવાર ન હતા. તેમણે કહ્યુ છે કે નરેન્દ્ર મોદી ભાજપના અધ્યક્ષ તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે સારી પસંદગી છે.

એક ટેલિવિઝન ચેનલમાં મુલાકાત દરમિયાન ગડકરીએ કહ્યુ કે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર અથવા તો કોઈનામાં ગાબડું પાડનાર ન હતા. મોદીમાં ભાજપના અધ્યક્ષ અને વડાપ્રધાન બનાવની સારી ક્ષમતા છે.

ભાજપ અધ્યક્ષ તરીકેનો ગડકરીનો કાર્યકાળ ડીસેમ્બરના આખરમાં પુરો થાય છે, તેમણે કહ્યુ કે તેઓ પોતાનો કાર્યકાળ લંબાવવાનો રસ ધરાવતા નથી. તેઓ પક્ષના સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરવા માટે તૈયાર છે. તેઓ નરેન્દ્ર મોદી દ્વારા નેતાગીરી લેવાની વાતનું સમર્થન કરે છે.

તેમને પુછવામાં આવ્યું કે પાર્ટી તરફથી વડાપ્રધાનના ઉમેદવાર તરીકે કોને પસંદ કરશે, ગડકરીએ તેના જવાબમાં કહ્યુ કે ભાજપ કોઈની ખાનગી માલિકીની પાર્ટી નથી અને તેઓ પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારને યોગ્ય સમયે નક્કી કરશે. તેમને પુછવામાં આવ્યુ કે ભાજપ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય મંચ પર હવે લોન્ચ કરશે, ગડકરીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીમાં ભાજપના અધ્યક્ષ અને વડાપ્રધાન એમ બંને બનવાની સારી ક્ષમતા છે.

ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ ઉમા ભારતીને યૂપીના ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાતનો બચાવ કર્યો અને તેમણે ફાયરબ્રાન્ડ નેતાને બહારથી લાવવાને કારણે યૂપીની રાજ્યની નેતાગીરીમાં તણાવ હોવાની વાતને રદિયો આપ્યો છે. તેમણે કહ્યુ કે ઉમા ભારતી રાષ્ટ્રીય અને પાર્ટીના સમ્માનીય નેતા છે અને તેઓ રામજન્મભૂમિ આંદોલન સહીતના રાજ્યમાં ચાલેલી ઘણાં પ્રોજેક્ટમાં આગળ પડતા હતા. જો ઈટાલીના સોનિયા ગાંધી અમેઠીમાં ચૂંટણી લડી શકતા હોય તો ઉમામાં શું વાંધો છે?

ગડકરીએ કહ્યુ કે તેમણે ઘણા વખત પહેલા જ ઘોષણા કરી દીધી હતી કે ઉમા ભારતી યૂપીમાં ભાજપના પ્રચાર અભિયાનને નેતૃત્વ પુરુ પાડશે અને તેમણે દાવો કર્યો કે તેમને રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરીને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે તેમને ટેલિવિઝન ચેનલ દ્વારા પુછવામાં આવ્યું કે આ ચેનલ પર જ રાજનાથ સિંહે બહારના ઉમેદવારને જીતવા પર મુખ્યમંત્રી બનાવવા સંદર્ભે કેટલાંક ‘રીઝર્વેશન’ ઉઠાવ્યા હતા, તેના સંદર્ભે ગડકરીએ કહ્યુ કે કોઈને પણ ઉમાને કારણે જોખમ હોવાનું લાગતું નથી.

પાર્ટીના નેતાઓ દ્વારા મીડિયાને ઓફ ધ રેકોર્ડ બ્રિફિંગ સંદર્ભેના પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યુ કે આવા નેતાઓના નામ આપો. તેમને નામ આપો કે જે નેતાઓ ઉમાના રાજ્યમાં આવવાથી ખુશ નથી.

ભાજપના અધ્યક્ષે યૂપીના બરખાસ્ત કરાયેલા મંત્રી બાબુસિંહ કુશવાહાને પાર્ટીમાં લેવાના નિર્ણયનો મજબૂતાઈથી બચાવ કર્યો અને કહ્યુ કે બીએસપીના ભૂતપૂર્વ નેતા વિરુદ્ધ કોઈ એફઆઈઆર નથી. આ નિર્ણય સંદર્ભે અડવાણી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓએ આધિકારીક રીતે કોઈ વિરોધ વ્યક્ત કર્યો નથી. તેમણે ઉમેર્યું કે નેતાઓએ કોઈ અસંમતિ હોય તો મીડિયા સાથે વાત કરવાની જગ્યાએ તેમને વાત કરવી જોઈએ.

ગડકરીએ કહ્યુ કે કુશવાહાને પાર્ટીમાં લેવાનો નિર્ણય તેમણે લીધો હતો. તેમણે કહ્યુ હતુ કે તેમણે આ નિર્ણય રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ સાથે વાતચીત બાદ લીધો હતો. પરંતુ હવે આ મામલો બંધ થઈ ગયો છે, કારણ કે કુશવાહાએ પોતે પાર્ટીના સભ્ય પદને સ્થગિત કરવાની માગણી કરી છે.

ગડકરીએ ઉત્તર પ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં બીએસપી અથવા સમાજવાદી પાર્ટી સાથેના કોઈ જોડાણની શક્યતાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યુ કે તેમની રાજકારણમાં શક્તિ વિશ્વસનીયતા છે. તેઓ બીએસપી અથવા એસપી સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાણ ઈચ્છતા નથી.

ભાજપના અધ્યક્ષે કહ્યુ કે 2014ની લોકસભાની ચૂંટણીમાં 200થી વધારે બેઠકો લાવવી તેમના માટે મોટો પડકાર છે.