ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 24 ફેબ્રુઆરી 2009 (20:41 IST)

ભાવ કાબુમાં લેવા સરકાર નિષ્ફળ - વિપક્ષ

લોકસભામાં વિપક્ષના સભ્યોએ ભાવ વધારાને ડામવા નિષ્ફળતા બદલ સરકાર ઊપર તેજાબી પ્રહારો કર્યા હતા. આ ઊપરાંત મંદીના કારણે ઊભી થયેલી સ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળતાનો પણ સરકાર ઊપર આક્ષેપ કર્યો હતો.

મંદીના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોએ રોજગારી ગુમાવી છે. ફુગાવો ઘટીને ચાર ટકાની નીચે પહોંચી ગયો હોવા છતા જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ હજુ પણ આસમાને છે. વચગાળાના બજેટ 2009-10 ઉપર ચર્ચામાં ભાગ લેતા ભાજપના કાશીરામ રાણા અને ટીડીપીના કે.યેરાનાયડુએ જણાવ્યું હતું કે, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સરકાર ભાવ વધારાના મામલે નિષ્ફળ રહી છે.

સુરતનું પ્રતિનિધિત્વ કરતા રાણાએ કહ્યું હતું કે, ડાયમંડના ઉદ્યોગમાં કામ કરતા વર્કરોને બેરોજગારી ભથ્થા આપવા સરકારે પ્રયાસ કરવા જોઈએ. મંદીના કારણે હીરા ઉદ્યોગને ભારે અસર થઈ છે. નાયડુએ આક્ષેપ કર્યો હતો કે, કાગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન સરકાર દેશના જુદા જુદા ભાગોમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતોની દુર્દશા અંગે કોઈ સહાનૂભૂતિ ધરાવતી નથી.

શિવસેનાના મોહન રાવલેએ સરકાર ઊપર આક્ષેપ કર્યો હતો કે, ભારત-અમેરિકા અણુ સમજૂતિ મારફતે લોકો સાથે સરકારે છેતરપિંડી કરી છે. બીજી બાજુ કાગ્રેસે કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાંથી માઈગ્રેશનને રોકવા સરકારે કેટલાક પગલા લીધા છે જે પૈકી એક પહેલ એનઆરઈજીએ છે.