ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2013 (11:30 IST)

રાહુલ ગાંધી ગુજરાત પર 'ખાસ નજર' રાખી રહ્યા છે?

P.R
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને સલાહ-સુચના આપી હતી કે મોદીને ગુજરાતમાં રોકી રાખવા કાર્યક્રમો યોજો. આ સુચના પછી તેમણે જાતે જ ગુજરાતના સંગઠનમાં રસ લેવાનું શરૃ કર્યું છે. ગુજરાતના વિવિધ વય-જૂથ અને સેલ-મોરચાના આગેવાનો સાથે ચર્ચાનો દોર શરૃ કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના આક્રમક અને પ્રજાલક્ષી કાર્યક્રમો અંગે ચર્ચા કરી માર્ગદર્શન અને હામ પુરા પાડવામાં આવે છે.

૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીના માઠા પરિણામો પછી ગુજરાત કોંગ્રેસમાં નિરાશાનો માહોલ સર્જાયો છે. પ્રદેશ અગ્રણીઓના અનેક પ્રયત્નો છતાં કાર્યકરોની સક્રિયતામાં વધારો થતો નથી. આ સંજોગોમાં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય કક્ષાએ મોટી દોડથી કોંગ્રેસ હાઇ કમાન્ડનું ફોકસ ગુજરાતના મુખ્યમંત્રી પર સ્થિર થયું છે. સમગ્ર દેશમાં પ્રચાર માટે મોદી નીકળવાના છે. આ સંજોગોમાં કોંગ્રેસ હાઇકમાન્ડ માને છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો લઇને ગુજરાતમાં વ્યાપક અને આક્રમક આંદોલનો શરૃ કરે. જેથી મોદીએ પોતાના રાજ્યમાં જ રોકાઇ રહેવું પડે.

રાહુલ ગાંધીએ સંગઠનમાં નિવડેલા નેતા મહારાષ્ટ્રના અગ્રણી ગુરુદાસ કામતને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. આગવી કાર્યશૈલી ધરાવતા કામતે ચાર બેઠકો યોજીને ગુજરાત અને ગુજરાત કોંગ્રેસની નાડ પારખી લીધી છે. તમામ જિલ્લાઓમાંથી કાર્યકરો દ્વારા થયેલી રજૂઆતોના આધારે તેમણે રાહુલ ગાંધી સમક્ષ ગુજરાતનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે.

હવે રાહુલ ગાંધીએ પોતે જ દરમિયાનગીરી શરૃ કરી છે. ગુજરાતમાં મતોના સમિકરણ અને મતને બુથ સુધી લઇ જવા માટે જેમના પર ભરોસો રાખી શકાય તેવા સમુહો સાથે સીધી વાત શરૃ કરી છે. ગુજરાતમાં કોંગ્રેસની જીતમાં દલીત, આદિવાસી, કોળી અને મુસ્લિમ મતદાર મહત્વનું ફેકટર છે. જેથી રાહુલ ગાંધીએ આ જ્ઞાતિ સમુહોના આગેવાનો સાથે બેઠકો યોજી છે. જ્ઞાતિ આગેવાનો વચ્ચે કલેશ ન થાય તે માટે નેતાઓને અલગ અલગ બોલાવે છે.

એવી જ રીતે યુવાનો અને મહિલાઓ મતદારને મતપેટી સુધી લઇ જવામાં મહત્વનું પરિબળ છે. જેથી યુવક કોંગ્રેસ, NSUI અને મહિલા કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને રાજ્યવ્યાપી આંદોલનો શરૃ થશે. આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના પ્રશ્ને, દલિતોના પ્રશ્ને, વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્ને અલગ અલગ આંદોલનો શરૃ કરવામાં આવશે.

પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામતનો આગ્રહ છે કે દરેક કાર્યક્રમો અને બેઠકોની મીનીટ્સ અને અહેવાલ તૈયાર કરીને હાઇ કમાન્ડને સમયસર મોકલી આપવા. આંદોલનો અને બેઠકોમાં સતત બે વખત ગેરહાજર રહેનારા જવાબદાર કાર્યકરને નોટીસ આપવી અને છતાં ત્રીજીવાર ગેરહાજર રહેશે તો સસ્પેન્ડ કરવાની સત્તા પણ પ્રદેશ પ્રમુખને સુપ્રત કરવામાં આવશે.

આ બધું જ કર્યા પછી એ જોવાનું રહેશે કે કોંગ્રેસ તેની માનસિકતામાંથી બહાર આવી આક્રમક વિપક્ષ તરીકેની ભૂમિકા અદા કરી શકે છે કે કેમ!