ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 મે 2014 (15:54 IST)

વડનગરથી વાયા વડોદરા-વારાણસી થઈને સંઘ પહોંચશે દિલ્લીઃ 24 કલાકમાં ફેંસલો

ભારત દેશની ૧૬મી લોકસભાની ચૂંટણીના જંગ ઉપર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. ચીન, રશિયા, ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા શક્તિશાળી દેશોના વડાઓ પણ નવી કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બનશે તેવું નિશ્ર્ચિતપણે માની રહ્યા છે. ત્યારે ગુજરાતના પુત્ર એવા નરેન્દ્ર મોદીએ વડનગરથી વાયા વડોદરા, વારાણસી થઈને દિલ્હીની ગાદી સુધી પહોંચવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવા છેલ્લા છ માસથી તનતોડ મહેનત કરી છે. ત્યારે આગામી 24 કલાકમાં નરેન્દ્ર મોદીએ કરેલા કર્મનું ફળ તેમના હાથમાં આવી જશે.

ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ પછી શક્તિશાળી રાજનેતા તરીકે રાષ્ટ્રીય ફલક પર ચળકી ઉઠેલા નરેન્દ્ર મોદી એક ગુજરાતી વડા પ્રધાનપદે બિરાજશે તેની ઘડીઓ ગણાઈ રહી છે.

સોળમી લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પક્ષ માટે મરણિયો જંગ બની ગઈ હતી. છ મહિના પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મસલતો કર્યા પછી ભારતીય જનતા પક્ષે સેનાપતિ તરીકે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતારી ભાજપ તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

ગુજરાત રાજ્યમાં છેલ્લાં ૧૩ વર્ષથી નરેન્દ્ર મોદીનું શાસન એકધારું ચાલ્યું છે. ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ, સદ્ભાવના, એકતા, સુરક્ષા અને સલામત ગુજરાત મોડેલને નરેન્દ્ર મોદીએ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી દેશભરમાં ત્રણ લાખ કિ.મી.નો હવાઈ પ્રવાસ કરી ૪૫૦ ઉપરાંત જાહેરસભા રેલીઓ સંબોધી મતદારોને ભાજપ તરફ આકર્ષવામાં સફળ રહ્યા છે.

દેશમાં ૧૬મી લોકસભાની ચૂંટણીઓ જાહેર થયા પછી એકલા હાથે ચૂંટણી પ્રચારની જીમ્મેદારી સ્વીકારી ૧૬થી ૧૮ કલાક સુધી સભાઓ ગજવતા રહ્યા. ભારતીય જનતા પક્ષની લોકપ્રિયતાનો ગ્રાફ વધતો ગયો ત્યારે નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે તેવો સવાલ મતદારોમાં જાગ્યો હતો.

નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગર અને તેમની કર્મભૂમિ વડોદરા રહેલી છે. તેમનું શિક્ષણ પણ સર સયાજીરાવની શાળામાં જ થયું હતું. આથી વડોદરા સાથે તેમનો અનન્ય નાતો જોડાયેલો રહ્યો હોવાથી તેમણે વડોદરાથી જ લોકસભા ચૂંટણી જીતવાનું મન બનાવ્યું હતું. આ દરમિયાન ભાજપ હાઈકમાન્ડે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત કરવા નરેન્દ્ર મોદીના ઇશારે અમિત શાહને યુપીના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. મોદીને પૂર્વઆયોજનના ભાગરૂપે વારાણસીથી ઉમેદવાર બનાવાયા હતા. ગત ૯ એપ્રિલે નરેન્દ્ર મોદીએ વડોદરાથી ઉમેદવારી નોંધાવી તે નિમિત્તે યોજાયેલા રોડ-શોમાં ભારે જનમેદની માર્ગો પર ઊતરી પડી હતી. વડોદરા શહેર ભાજપે પણ વડા પ્રધાનપદના ઉમેદવારને વિક્રમી સરસાઈથી વિજેતા બનાવવા માઈક્રો પ્લાનિંગ કરાયું હતું.

વડોદરા લોકસભા બેઠક ગુજરાત પ્રદેશ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોવાથી ઊર્જાપ્રધાન સૌરભ પટેલને સતત નજર રાખવા વડોદરા મોકલ્યા હતા. જોકે, સૌરભ પટેલ ધારાસભ્ય તરીકે વડોદરાની સયાજીગંજ વિધાનસભામાંથી ચૂંટાઈ આવ્યા છે. આથી સ્થાનિક ભાજપના નેતાઓ સાથે ચૂંટણી પ્રચારની વ્યૂહરચના માટે તેમને મુશ્કેલી ઊભી થઈ ન હતી.

વડોદરા લોકસભા બેઠક માટે કુલ ૧૬૩૭૫૭૫ મતદારો નોંધાયા હતા. તેમાંથી ૧૧૫૫૬૯૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી ૭૦.૫૭ ટકા જેટલું ભારે મતદાન કરી વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે જીતનો પાયો લગભગ નક્કી કરી દીધો હોવાનું ભાજપના આગેવાનોનું માનવું છે.

હવે આગામી તા. ૧૬મી મેના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે સમગ્ર દેશ અને દુનિયાની નજર વડોદરા લોકસભા બેઠકના ચૂંટણી પરિણામ પર રહેશે ! ચૂંટણી પરિણામો પછી નરેન્દ્ર મોદી વડોદરા બેઠક જાળવી રાખશે કે કેમ ? તેવો સવાલ બરોડિયનોમાં ચર્ચાઈ રહ્યો છે.