ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સિમલા , ગુરુવાર, 20 ઑગસ્ટ 2009 (19:55 IST)

હાર માટે અડવાણી, મોદી જવાબદાર !

સિમલામાં ચાલી રહેલી ભાજપની અતિ મહત્વપૂર્ણ ચિંતન બેઠકના બીજા દિવસે લોકસભાની ચૂંટણીમાં હાર માટેના આંતરિક અહેવાલ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. આંતરિક અહેવાલમાં ભાજપની હાર માટે પક્ષના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

આ ઉપરાંત પક્ષની હાર માટેના કારણોમાં આંતરિક ખેંચતાણ અને વરૂણ ગાંધી પ્રકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુત્વના મુદ્દાઓ ઉપર ફરી મજબૂતી સાથે આગળ વધવાનો આજે સંકેત આપ્યો હતો. જો કે પક્ષના પ્રવકતા અરૂણ જેટલીએ રદિયો આપતા જણાવ્યું છે કે સીધી રીતે કોઇને પણ દોષિત ઠેરવવામાં આવ્યા નથી. હારના કારણો ઉપર વિશેષ ચર્ચા આજે કરાઇ હતી.

લોકસભાની ચૂંટણીમાં થયેલી પક્ષની હાર માટે વરૂણકાંડ, અડવાણી બાદ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પ્રોજેકટ કરવા અને વડાપ્રધાન મનમોહનસઘ પર સીધા પ્રહારને પણ મુખ્ય કારણો તરીકે ગણવામાં આવ્યા છે. સિમલા ખાતે ચાલી રહેલી ‘ચિંતન બેઠક’ના બીજા દિવસે મળેલા અહેવાલ મુજબ સીનીયર નેતા બાલ આપ્ટેએ ચૂંટણીમાં હાર માટે પક્ષમાં રહેતાં મતભેદ અને એકતાની કમીને કારણભૂત ગણાવ્યાં હતા.

જોકે અરૂણ જેટલીએ પત્રકાર પરિષદમાં હાર માટે આપ્ટેએ આપેલા કારણને ફગાવી દીધું હતું. પરંતુ આંતરિક વર્તુળોમાંથી મળેલાં અહેવાલ મુજબ ચૂંટણીમાં થયેલી હાર માટે પક્ષમાં ચાલતી આંતરિક લડાઈ જ કારણભૂત ગણવામાં આવી છે. અમે અમારો એજન્ડા નક્કી કરવામાં નિષ્ફળ ગયા હતા. આવો મહત્વનો અને નિર્ણાયક મુદ્દો અમે સલાહકારો પર છોડી દીધો હતો.

આ ઉપરાંત પ્રચાર વધારે પડતો ચીકણો અને છીછરો થઈ ગયો હતો. એલ.કે. અડવાણી, રાજનાથસિંઘ અને અરૂણ જેટલી સાથે પ્રચાર કરવાને બદલે પોતાની રીતે કરી રહ્યા હતા તે પણ હાર માટે જવાબદાર છે.

અડવાણી દ્વારા વડાપ્રધાન મનમોહનસિંઘ પર સીધા શાબ્દીક પ્રહારો કરવાથી સામાન્ય લોકોમાં ખોટો સંકેત ગયો હતો. તદુપરાંત ચાલુ ચૂંટણી પૂરી થઈ ન હતી ત્યારે પાંચ વર્ષ પછીની ચૂંટણી માટે વડાપ્રધાન તરીકે મોદીનું નામ આગળ ધરવું તે પણ પક્ષ માટે ભારે નુકસાનકારક પુરવાર થયું છે.

વરૂણકાંડને લીધે પણ મુખ્ય એજન્ડા પર ધ્યાન આપી શકયો ન હતો. બાલ આપ્ટેએ ડાબેરીઓ દ્વારા વડાપ્રધાન પદ તરીકે માયાવતીનું નામ આગળ કરવામાં આવતા કોંગ્રેસને ફાયદો થયો હોવાનું ગણાવ્યું હતું.
લોકસભા હાર માટેના કારણો....
* વડાપ્રધાન મનમોહનસિંઘ પર સીધા વ્યકિતગત શાબ્દીક પ્રહાર.
* અડવાણી બાદ આગામી ચૂંટણી માટે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવું.
* વરૂણ ગાંધી સાથે સંબંધિત કાંડ.
* પક્ષની આંતરિક લડાઈ.
* અડવાણી, રાજનાથ અને જેટલીની અલગ-અલગ પ્રચાર પદ્ધતિ.
* ચૂંટણી માટેનો એજન્ડા નક્કી કરવાનું કામ સલાહકારોને સાપવું.