ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 ડિસેમ્બર 2014 (11:13 IST)

હુ બીજેપીનો કાર્યકર્તા અમિત શાહ છુ, તૃણમૂલને ઉખાડી ફેકીશ - અમિત શાહ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ગઢ ગણાતાં કોલકાતાના વિક્ટોરિયા હોલની બહાર એક વિશાળ રેલીને સંબોધતાં ભાજપઅધ્યક્ષ અમિત શાહે મમતા સરકાર પર અતિ ગંભીર આરોપો લગાવ્યા હતા. શાહે કહ્યું કે મમતા દીદી પૂછતાં હતાં કે અમિત શાહ કોણ છે ? તેમને જણાવવા માગું છું કે હું અમિત શાહ છું અને હું તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે આવ્યો છું.
 
હાલમાં જ મમતા બેનરજીએ ટોણો મારતા કહ્યું હતું કે, આ અમિત શાહ કોણ છે? આ મુદ્દે અમિત શાહે કહ્યું હતું કે, દીદી જો તમે સાંભળી શકતા હોવ અને જો તમે જોઈ શકતા હોવ તો જુઓ. હું અમિત શાહ છું. ભાજપનો એક અદનો કાર્યકર. હું બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાંખવા આવ્યો છું. હવે તમે મતબેંકનું રાજકારણ ખેલીને, બાંગલાદેશીઓને આશરો આપીને અને લાગણીસભર પ્રવચનો આપીને લોકોને મૂર્ખ નહીં બનાવી શકો. આ રાજ્યના યુવાનો પણ રોજગાર મેળવીને દેશના બીજા રાજ્યો સાથે કદમ મિલાવવા ઈચ્છી રહ્યા છે.  અમિત શાહે કહ્યું હતું કે, અહીં બુર્દવાન બોમ્બ વિસ્ફોટના આરોપીઓને બચાવનારી નહીં પણ દેશપ્રેમી સરકારની જરુર છે. શારદા ચિટ ફંડના નાણાંનો પણ બીજી ઓક્ટોબરે થયેલા બુર્દવાન બોમ્બ વિસ્ફોટમાં ઉપયોગ કરાયો હતો. અહીં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી ના હોય અને આરોપીઓને સળિયા પાછળ નાંખી દે એવી સરકારની જરુર છે. મને આશા છે કે, હવેના દોઢેક વર્ષમાં જ બંગાળ વિકાસના રાહ પર આગળ વધશે. મારી અહીંના લોકોને અપીલ છે કે, આવતા વર્ષના મે મહિનામાં ભાજપની જીત માટે અત્યારથી જ સજ્જ થઈ જાઓ.
 
 
મોદીએ આપેલા તૃણમૂલ મુક્ત બંગાળના નારાને યાદ કરી શાહે જણાવ્યું હતું કે મમતા સરકારનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે. જો તમે ઇચ્છતા હોય કે બંગાળનો વિકાસ થાય તો આગામી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થનાર ચૂંટણીમાં મમતાના પક્ષ ટીએમસીને ઉખાડી ફેંકો. ભાષણ ચાલતું હતું ત્યારે નજીકની મસ્જિદમાં અઝાન શરૂ થઇ હતી, જોકે જેટલા સમય માટે અઝાન શરૂ રહી તેટલા સમય માટે અમિત શાહે પોતાનું ભાષણ અટકાવી દીધુ હતું. બાદમાં તેમણે મમતા બેનરજીને યાદ કરતા કહ્યું કે દીદીને વધુ તક ન આપવી જોઇએ. તેમના શબ્દો હતા 'દીદી કો જ્યાદા મોકા નહીં દેના ચાહીએ'.