ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 26 જુલાઈ 2016 (13:10 IST)

લોનનાં કૌભાંડ-બનાવટી દાગીના પર લોન પ્રકરણમાં 12થી વધુ પર તલવાર

બનાવટી દાગીના ગીરવે મૂકીને લેવાયેલી કરોડો રૂપિયાની લોનનાં કૌભાંડમાં નવરંગપુરા પોલીસે ત્રણ લોન ધારકોની ધરપકડ કરી છે. ત્રણેય લોન ધારકોએ ઘાટલોડિયામાં જવેલર્સની શોપ ધરાવતા કેતન શાહને બનાવટી દાગીના આપ્યા હતા ત્યાર બાદ બનાવટી દાગીનાને આઇઆઇએફએલ કંપનીના ઓડિટર દલવીર ચૌહાણે સાચા દાગીના હોવાનું સર્ટિફાઇ કરી આપીને લોન મેળવી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. નવરંગપુરા પોલીસે કેસમાં માસ્ટર માઇન્ડ કેતન શાહ અને દલવીર ચૌહાણની ધરપકડ કરવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.

ગઇ કાલે બન્ને આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે બન્ને આરોપીઓ પરિવારને લઇને ફરાર થઇ ગયા હતા. ત્યારે બીજી તરફ આ કેસમાં એક ડઝન કરતાં વધુ લોન ધારકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. નવરંગપુરામાં આવેલી આઇઆઇએફએલ (ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ) નામની કંપનીના ગોલ્ડ ઓડિટર દલવીર ચૌહાણ અને તેના મળતિયાઓએ જુદી જુદી બ્રાંચમાં કુલ પ૧ લોકોના નામે સોનું ગીરવે મૂકીને રૂ.૧.૯૮ કરોડની લોન લીધી હતી. જેમાંથી ૧૯ જણાની એક કરોડ રૂપિયાની લોન ભરપાઇ કરી દીધી હતી.
ત્યારે ૯૮ લાખની લોન ભરપાઇ કરી ન હતી. આ અંગે કંપનીના મેનેજરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી દલવીર ચૌહાણ, કેતન શાહ, નિકેશ મોદી, અને પ્રદીપ ઠક્કરનાં નામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે ૩ર લોન લેનાર ૧ર લોન ધારકોની વિગતો પણ પોલીસને આપવામાં આવી હતી.
પોલીસે ત્રણ લોન ધારક નિકેશ ડાહ્યાભાઇ મોદી (રહે નારણપુરા), ભરતકુમાર બંસીલાલ સોની (રહે રાણીપ) અને વિજય જગરામભાઇ વિશ્વકર્મા (રહે ચાણક્યપુરી)ની ધરપકડ કરી છે. આ અંગે નવરંગપુરા પીઆઈ આર.વી.દેસાઇએ જણાવ્યું છે કે આ ત્રણેય જણાએ દલવીર ચૌહાણને તેમના આઈડી પ્રૂફ સહિતનાં ડોકયુમેન્ટ અને ફોટા આપ્યા હતા. જ્યારે નકલી સોનાની વ્યવસ્થા ઘાટલોડિયા ગામમાં જ્વેલર્સનો શો રૂમ ધરાવતા કેતન શાહ મારફતે કરી આપી હતી. આ માહિતીની આધારે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ગઇ કાલે તેમના ઘરે ધરપકડ કરવા માટે પહોચ્યા ત્યારે બન્ને આરોપીઓ પોતાના પરિવારને લઇને ફરાર થઇ ગયા છે.  આ સિવાય લોન લેનાર વિજય વિશ્વકર્મા, તુષાર ઠક્કર, દિનેશ ઠક્કર, વિશાલ જાની, મીનાબેન સોની, ભરત સોની, પ્રદીપ ઠક્કર, ભાવેશ બારોટ, કલોલમાં રહેતા આનંદજી ઠાકોર, મોડાસામાં રહેતા પંકજ ઠક્કર, સુરેન્દ્રનગરમાં રહેતા જયેશ સભાડ અને વેરાવળમાં રહેતા શોભનાબહેન જે. વિઠલાણીના ડોક્યુમેન્ટ અને તેમને ગીરવે મૂકેલા દાગીનાની તપાસ ચાલુ રહી છે. આવનારા દિવસમાં તમામ લોન ધારકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે.