શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2016 (15:31 IST)

કપડવંજમાં જનતાએ કોંગ્રેસના લોકદરબારમાં 6 હજારથી વધુ ફરિયાદો કરી

કોંગ્રેસ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના કપડવંજ ખાતેના લોકદરબારમાં ૨૫૦૦થી વધુ ફરિયાદો અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોકદરબારમાં ૪૦૦૦ થી વધુ ફરિયાદો સાથે મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા સમક્ષ સરકાર તરફથી થતો હળહળતો અન્યાય રજૂ કર્યો હતો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે ત્યારે સરકારને ઉત્સવો અને તાયફાઓ સૂઝે છે. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે, મોંઘવારીએ માજા મુકી છે, રાજ્યમાં બેફામ દારૂનો વેપાર ચાલે છે એટલું જ નહીં ગુજરાત પંજાબના માર્ગે નશાનું કેન્દ્ર બની રહ્યું છે જેનો ભોગ ગુજરાતના યુવાનો બની રહ્યાં છે, ત્યારે વચનો આપીને છેતરપીંડી કરનાર ભાજપ સરકારને સબક શીખડાવવાનો સમય પાકી ગયો છે.
તેમણે ઉમેર્યું કે, કેનાલમાંથી ખેડૂતો પાણી લે તો ત્યાં તેમના પર પોલીસ કેસ કરવામાં આવે છે જ્યારે ઉદ્યોગોને પાણીની લૂંટફાટ કરવાના પરવાના અપાય છે. કોંગ્રેસ પક્ષ નાગરિકોના હક્ક અને અધિકાર માટે પ્રતિબધ્ધ છે. સમગ્ર રાજ્યમાં ગુજરાતના ભાઈ-બહેનોની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ 'લોક દરબાર'ના માધ્યમથી પ્રજાની સાચી વાત-સમસ્યા માટે સક્રિય ભૂમિકા ભજવવા માટે આગળ વધી રહી છે.