ભાજપની ખેડૂત વિરોધી નીતિને કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો - કોંગ્રેસ
કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સર્વશ્રી રાઘવજી પટેલ, હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. ખેડૂતોને વિજળી ન આપવી, સિંચાઈનું પાણી ન આપવું, ખાતર-બિયારણ મોંઘા આપવા અને બીજીબાજુ ખેતપેદાશોના ટેકાના ભાવ ન આપવાની નિતીના કારણે ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે ત્યારે રાજ્યમાં કૃષિ મેળાઓ સંપૂર્ણ ખાલીખમ જોવા મળી રહી છે ત્યારે ભાજપ સરકારમાં થોડીક પણ શરમ હોય તો કૃષિ મેળાના નામે તાયફા-નાટકો બંધ કરી ખેડૂતોને સિંચાઈનું પાણી, ઓછામાં ઓછી ૧૨ કલાક વિજળી, ખાતર-બિયારણ વ્યાજબી ભાવે, ખેતપેદાશોના પૂરતા પ્રમાણમાં ભાવો, પાકવીમાની રકમ સહિતના હક્ક અને અધિકાર તાકીદે આપે,
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કપાસ, મગફળી સહિતના પાકો પકવતા ખેડૂતોને ખેત પેદાશોના ભાવ ન આપી ભાજપ સરકારે ભારોભાર અન્યાય કર્યો છે. બિયારણ-ખાતરના કાળાબજાર થાય છે. ખેડૂતોને વિજળી અતિ મોંઘી આપવામાં આવે છે. ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોની જમીન ખૂંચવી લેવા માંગે છે. રાજ્ય સરકાર પાણીનો જથ્થો હોવા છતાં નાગરિકોને પીવાના પાણી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં ખેતીની જમીન ઘટી રહી છે. છતાં ઉત્પાદન અને આવકમાં વધારાના આભાસી ચિત્રો પ્રજા સમક્ષ ગુજરાત સરકાર મુકે છે. જે રીતે મોંઘવારી વધે છે તે રીતે ખેડૂતોને ટેકાના ભાવ મળે છે ખરા ?
ખેડૂતોની આવક વધી છે અર્થતંત્ર મજબૂત બન્યાની વાતો કરી ભ્રામક્તા ઉભી કરનાર ભાજપ સરકારને લોકો ઓળખી ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લાં ૧૪ વર્ષમાં ખેડૂતોની સંખ્યામાં મોટા પાયે ઘટાડો થયો છે અને ખેતમજદૂરોની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે. કુદરતી આપત્તિ ફંડમાં રૂા. ૬૦૦૦ કરોડ જેટલી માતબર રકમ હોવા છતાં ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોને ભાજપ સરકારે ફુટી કોડી પણ આપી નથી. પ્રજાલક્ષી કામગીરીમાં નિષ્ફળ ભાજપ સરકાર પ્રજામાં સફળતાની ભ્રામકતા ઉભી કરવા નીત નવા નુસ્ખા કરી રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસે મુક્યો હતો.