હવે ભાજપની નજર જીપીપીના નલીન કોટડિયા પર !!

અમદાવાદ | વેબ દુનિયા| Last Modified બુધવાર, 29 મે 2013 (09:57 IST)

P.R
કોંગ્રેસના ઘણા ઉમેદવારોને પોતાના પક્ષમાં લીધા બાદ હવે ગુજરાત ભાજપની નજર કેશુભાઇ પટેલના પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ના ધારીના નલીન કોટડીયા પર દોડાવી છે અને એવા નિર્દેશો મળી રહ્યાં છે કે નલીન કોટડીયા ભાજપ તરફ ઢળી જશે. તેઓ વીધીવત ભાજપમાં જોડાઇ શકે તેમ ન હોય ત્યારે બહારથી ભાજપને ટેકો આપી શકે છે ખાસ કરીને જ્યારે વિધાનસભામાં કોઇ બાબતે મતલેવાનો પ્રસંગ બને ત્યારે તેઓ ભાજપની તરફેણમાં મતદાન કરી શકે છે. જો કે જીપીપીના અગ્રણી ગોરધન ઝડફીયાએ કોટડીયાના ભાજપ પ્રયાણ સંદર્ભે એવો બચાવ કર્યો કે હજુ સુધી એવો અમારા પક્ષમાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કેશુભાઇ પટેલે મોટા ઉપાડે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સામનો કરવા જીપીપી નામના નવા પક્ષની રચના કરી હતી. 182માંથી અંદાજે 170 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ માત્ર બે જ બેઠકો મળી હતી. જેમાં કેશુભાઇ પટેલ પોતે અને નલીન કોટડીયા એમ 2 ધારાસભ્યો જીતવામાં સફળ રહ્યાં હતા. વિધાનસભામાં જીપીપીને અલગ ચેમ્બર ફાળવવામાં આવી છે.
સૂત્રોએ કહ્યું કે 6 બેઠકોની યોજાયેલ રહેલી પેટાચૂંટણીઓ અને પ્રચારમાં સૌરાષ્ટ્રના એક કાર્યક્રમમાં જીપીપીના નલીન કોટડીયાએ ભાજપના મંચ પર સ્થાન મેળવ્યુ હતું. અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે હાજરી આપતાં અટકળોનો દોર શરૂ થયો છે. ભાજપના સૂત્રો એમ કહે છે કે અમારા પક્ષમાં લોકશાહી વિચારધારામાં માનતા કોઈપણ કાર્યકર કે વ્યક્તિ આવી શકે છે. જો કે નલીન કોટડીયા હજુ ભાજપમાં જોડાયા નથી.
દરમિયાનમાં સૂત્રોએ કહ્યું કે નલીન કોટડીયા ભાજપમાં વિધીવત જોડાય તો તેમને પક્ષાંતર વિરોધી કાયદો લાગુ પડે કે કેમ તે એક તપાસ માંગી લે તેવો મુદ્દો છે. સામાન્ય રીતે કુલ ધારાસભ્યોમાંથી 1/3 ધારાસભ્યો જો છુટા પડે તો તેને અલગ જુથની માન્યતા મળે અને પક્ષાંતર વિરોધી ધારો લાગુ ન પડે. 13મી વિધાનસભામાં જીપીપીના બે ધારાસભ્યો છે તેથી જો કોટડીયા ભાજપમાં જોડાય તો 50 ટકા ધારાસભ્ય અલગ પડ્યા એમ ટેકનીકલી કહી શકાય. પરીણામે તેમને પક્ષાંતર વિરોધી ધારો લાગુ ન પણ પડે. અલબત્ત આ એક કાનૂની સલાહનો પ્રશ્ન છે. રાજકીય રીતે જોઇએ તો ભાજપે કોંગ્રેસમાંથી પાટીદાર સમાજના વગદાર નેતા વિઠ્ઠલ રાદડીયા અને તેમના પુત્ર જયેશ રાદડીયાને પ્રવેશ આપ્યો તેમ હવે જીપીપીના ધારાસભ્યને પ્રવેશ આપી જે તે મતવિસ્તારમાં પોતાની સ્થિતિ મજબુત બનાવવા આતુર છે.


આ પણ વાંચો :