મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (16:42 IST)

ગાંધીનગરનો જી-બાઇક પ્રોજેકટ રાષ્ટ્રીયસ્તરે પ્રસ્થાપિત -બીજા તબક્કામાં ૪૦૦ સાયકલો ઉમેરાશે

ગાંધીનગરના નગરજનોને પર્યાવરણના રક્ષણ સાથે ઓછી કિંમતે ઝડપી પરિવહન સુવિધા મળી રહે તે માટે ગુડા દ્વારા જી-બાઇક સાયકલ શેરીંગ પ્રોજેકટ શરૂ કરાયો છે. જેને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આગામી સમયમાં વધુ ૪૦૦ સાયકલો દ્વારા ગાંધીનગર શહેર તથા ગુડાના અમુક વિસ્તારોને આવરી લેવામાં આવશે, એમ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવાયું છે.  યાદીમાં વધુમાં જણાવાયાનુસાર પ્રથમ તબક્કામાં ૧૦ સાયકલ સ્ટેન્ડ અને ૧૦૦ સાયકલોથી શરૂ કરેલ આ પ્રોજેકટ હેઠળ નગરના મુખ્ય મથકો જેવા કે બસ સ્ટોપ, બગીચા તથા અલગ અલગ જગાએ મૂકાયા છે તેને નગરજનોએ ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધો છે. અંદાજે દરરોજ ૩૫૦ થી ૪૦૦ ટ્રીપ્સનો વપરાશ થાય છે. જેનાથી પ્રેરાઇને આ બીજો તબકક્કો અમલમાં મૂકવામાં આવશે. બીજા તબક્કામાં ૨૦ સાયકલ સ્ટેન્ડ અને નવી ૪૦૦ સાયકલો મૂકી સમગ્ર શહેરને અને ગુડાના અમુક વિસ્તારોમાં દરેક ખૂણેથી દરેક વ્યક્તિને સાયકલ સુવિધા મળી રહે તેવું આયોજન કરાયું છે. ઉપરાંત ખાસ મોબાઇલ એપ દ્વારા સાયકલનું બુકીંગ, સાયકલની રીયલ ટાઇમ માહિતી અને ટ્રેકીંગ આવનારા દિવસોમાં શક્ય બનશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુડા દ્વારા શરૂ કરાયેલ પરિવહન યોજના સાયકલ શેરીંગ પ્રોજેકટને કેન્દ્ર સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ નોન મોટરાઇઝડ’ કક્ષામાં એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આગામી સમયમાં જી-બાઇક પ્રોજેકટને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે નેધરલેન્ડની સેન્ટ્રલ વિસ્ફુંડે એન્ડ ઇન્ફોર્મેટીક સંશોધન સંસ્થા અને સેપ્ટ યુનિવર્સિટીની ટેકનીકલ મદદ મેળવવા માટે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે.