શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 12 ડિસેમ્બર 2015 (16:53 IST)

સરકારી શાળાઓમાં ધો.1થી જ અંગ્રેજી વિષયને આવરી લેવા સરકારની વિચારણા

અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ન હોવાના કારણે ગુજરાતના વિદ્યાર્થી ઘટના ક્ષેત્રે પાછળ રહી જાય છે તે વાત વર્ષોથી ચાલી રહી છે પરંતુ હવે સરકારી શાળાઓમાં ભણતા અને ગુજરાતી મિડીયમના વિદ્યાર્થીઓ આ ખામીથી ન પીડાય તે માટે સરકાર અંગ્રેજી વિષયને અન્ય વિષયની સાથે 1લા ધોરણથી જ અભ્યાસક્રમનાં ઉમેરવાની વિચારણા કરી રહી છે. હાલ આશરે 38,000 સરકારી શાળાઓમાં અંગ્રેજી ધોરણ-3થી વિષય તરીકે ભણાવવામાં આવે છે.
 
અંગ્રેજી વિષય પર ગુજરાતીઓની પકડ ન હોવાની ખાતરી અને બાળકોને અંગ્રેજી વિષય શિખવાની અનિવાર્યતા પર રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના મંતવ્યો લેવાયા બાદ આ પ્રસ્તાવનો સમાવેશ નવી શિક્ષણ નીતિમાં પણ કરવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં કેન્દ્રીય એચઆરડી મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવશે.
 
આ અંગે વિસ્તારપૂર્વક જાણકારી રાજ્યના શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીએ આપી હતી. તેમણે પણ જણાવ્યું હતું કે, સરકાર ધોરણ-1 અથવા તો પ્રી-સ્કુલથી જ અંગ્રેજી વિષયનો પ્રારંભ થાય તે બાબતે હવે ગંભીરતાથી વિચારી રહે છે. આ પ્રસ્તાવને મુખ્યમંત્રીની મંજૂરી માટે મોકલી પણ દેવાયો છે.
 
આ ઉપરાંત રાજ્ય સરકાર ગણિત અને વિજ્ઞાન વિષયોને ભણાવવામાં પણ અંગ્રેજી શબ્દોના ઉપયોગને મહત્વ આપવા વિચારી રહી છે જેથી ઉચ્ચ અભ્યાસ સમયે બાળકોને સમસ્યા ન ઉદભવે. ગુજરાત રાજ્ય શાળાના સંચાલક મંડળના પ્રવકતા ભાસ્કર પટેલના જણાવ્યા મુજબ ધોરણ-1થી અંગ્રેજી વિષય માટેના પુસ્તકો 2000-01થી તૈયાર થઈ ચુકયા છે. પરંતુ સરકારએ આ વિચાર ત્યારબાદ ત્યજી દીધો. પરંતુ હવે આ નિર્ણય અમલમાં મુકાય તો જરી છે કારણ કે, ઉચ્ચ અભ્યાસમાં ગુજરાતી વિદ્યાર્થીઓને ઘણુ સહન કરવું પડે છે. ઉપરાંત દર વર્ષ ધો.10ની પરિક્ષાઓના પણ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી અંગ્રેજી વિષયમાં નાપાસ થાય છે ત્યારે હવે સરકાર નવી શિક્ષણ નીતિ જલ્દી અમલમાં મુકાય તેવી તૈયારી કરી રહી છે.