મોદી ગુજરાતનું સુકાન કોને સોંપશે ? વિજય રૂપાણીનું નામ સટ્ટબજારમાં હોટ
રાજ્યનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ગઇ કાલે તેમના રાજીનામાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર પક્ષ હાઇકમાન્ડને લખ્યા બાદ ગઇ કાલ રાતથી ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે. મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન રાજકીય ચહલપહલથી ધમધમી ઊઠ્યું છે. બપોરથી મોડી રાત સુધી આનંદીબહેનને મળવા માટે પ્રધાનો અને પક્ષના આગેવાનોએ ભીડ જમાવી હતી. આજ સવારથી જ હવે પછી શું અને નવા મુખ્યપ્રધાન કોણ? એવી ચર્ચાથી સોશિયલ મીડિયા સહિત રાજકીય માહોલ ગરમાયો છે.
આજે દિલ્હી ખાતે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં હવે પછીના મુખ્યપ્રધાન સહિત સંગઠનમાં પણ ફેરફાર અંગેનો મુદ્દો અગ્રિમતાના ધોરણે હાથ પર લેવાયો હતો. આજે મળેલી દિલ્હી ખાતેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સંગઠનમાં ફેરફાર અને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના નામ માટે ચર્ચા હાથ ધરાઇ હતી, જોકે તેનો નિર્ણય આવતી કાલે જ જાહેર કરાશે. આજની બેઠકમાં પાટીદાર, દલિત, આદિવાસી ફેક્ટરને ધ્યાને લેવાયું હતું. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ અને વાહનવ્યવહાર ખાતાના પ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ છે. લોકો તેમને વિશ કરી રહ્યા છે કે તેમને જન્મદિને સીએમપદની ભેટ મળે. અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ નરેન્દ્ર મોદીનું નામ મૂકીને તેમણે આશ્ચર્ય સર્જ્યું હતું. હાલમાં ગમે તેટલા સિનિયર પ્રધાનોનાં નામ આનંદીબહેનના અનુગામી તરીકે ચાલી રહ્યાં હોય, પરંતુ તે તમામને બાજુએ મૂકી કોઇ નવો ચહેરો પણ જાહેર થાય તેવી શક્યતા નકારી શકાય નહીં. ફરી એક વાર મોદી નવો ચહેરો પસંદ કરી આશ્ચર્ય સર્જી શકે છે.ક્રિકેટ હોય કે રાજકીય ઘટના, ગુજરાતની અંદર સટ્ટો પ્રખ્યાત છે. ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ગઇ કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર પાઠવીને તેમજ ફેસબુક પર પોતાને મુખ્યપ્રધાનપદેથી મુક્ત કરવા અંગે પોસ્ટ કર્યું છે.
આનંદીબહેનનાં રાજીનામાને લઇને અનેક અટકળો વચ્ચે રાજ્યનાં સટ્ટાબજારમાં સટ્ટો રમાવાની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત ભાજપ પ્રદેશ
પ્રમુખ વિજય રૂપાણીનું નામ હાલમાં સટ્ટાબજારમાં સૌથી હોટ ફેવરિટ છે, જ્યારે
આરોગ્ય પ્રધાન નીતિન પટેલ બીજા સ્થાને છે. વિજય રૂપાણીના મુખ્યપ્રધાન તરીકે બનવા માટેનો ભાવ ૬૦ પૈસા ચાલી રહ્યો છે. નીતિન પટેલના રૂ. ૧.૧૦, જ્યારે પરસોતમ રૂપાલાના રૂ. ૩નો ભાવ બોલાઇ રહ્યો છે. હાલમાં વિજય રૂપાણીનું નામ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.