ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2015 (17:45 IST)

અંગ્રેજી ભાષામાં ગુજરાતના બાળકોનું સ્તર ઉપર લાવવા અંગ્રેજી ભાષાનો મેળો

વર્ષ 2015માં આવેલા બોર્ડના પરિણામોમાં અંગ્રેજી ભાષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર નજર કરીઓ તો આ સંખ્યા 5.50 લાખ હતી. જે બહુ મોટી સંખ્યા કહી શકાય તેમ છે. એંગ્રેજી ભાષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ રાજ્ય સરકારે અંગ્રેજી ભાષામાં ગુજરાતના બાળકોનું સ્તર ઉપર લાવવા સ્કૂલોમાં ગણિત અને વિજ્ઞાનની જેમ હવે અંગ્રેજી ભાષાના મેળાનું આયોજન કરવા સુચના આપી છે. બાળકોમાં માત્ર બોર્ડની પરીક્ષા પુરતી એંગ્રેજી ભાષાની સમસ્યા નથી, અંગ્રેજીના અભાવે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પાછળ રહે છે. જેથી અંગ્રેજી ભાષાનો પ્રચાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં અંગ્રેજી દ્વિતીય ભાષા તરીકે ભણાવવામાં આવે છે. આ વર્ષે જાહેર થયેલા બોર્ડના પરિણામોમાં અંગ્રેજી ભાષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે. ધોરણ 12 સાયન્સમાં 9776 વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સમાં 1.68 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને શાળામાં જ યોગ્ય અંગ્રેજી ભાષાનું ભણતર મળી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અંગ્રેજી ભાષાનો મેળો યોજવા તાકીદ કરી છે. કારણ કે, શાળા સ્તરમાં જ બાળકોને જો અંગ્રેજી નબળું હોય તો હાયર એજુકેશન લેતી વખતે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેઓનો દેખાવ નબળો થાય છે અને પરિણામ નીચું આવે છે.

અંગ્રેજી ભાષાના અભાવને કારણે વિદ્યાર્થીઓમાં કમ્યુનીકેશન સ્કીલ ઓછી હોય છે. ગુજરાત શિક્ષણમાં અંગ્રેજી ભાષાનો પ્રચાર કરવા અને બાળકોમાં અંગ્રેજી ભાષા પ્રત્યે રસ આવે તે માટે શાળા લેવલ પર જે રીતે ગણિત અને વિજ્ઞાન માટે મેળાનું આયોજન કરવામાં આવે છે, તે જ રીતે હવેથી અંગ્રેજી ભાષાના મેળાનું પણ આયોજન કરવા સરકારે દરેક જીલ્લા શિક્ષણાધિકારીને સુચના આપી દીધી છે.
રાજ્ય સરકારે અંગ્રેજીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઇને મેળો યોજવાનો નિર્ણય લીધો છે. અંગ્રેજી એ આંતરરાષ્ટ્રીય ભાષા છે અને મોટા ભાગની પરીક્ષાઓ અને ઓફીસ વર્ક અંગ્રેજી ભાષામાં જ થાય છે. જેથી ગુજરાતના બાળકો બધા વિષયમાં આગળ હોવા છતાં અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે આ કવાયત હાથ ધરી છે. અંગ્રેજીથી કમ્યુનીકેશન સ્કીલ વધારવાથી માંડી જુદા જુદા કન્સેપ્ટ પર બાળકોને વધારાનું જ્ઞાન મળે તે માટે આગામી સમયમાં શાળામાં અંગ્રેજી મેળાનું આયોજન કરવામાં આવનાર છે.
રાજ્ય સરકારની સુચનાને પગલે સ્થાનિક સ્તરે શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાના આચાર્યોને સુચના આપી દેવામાં આવી છે. પહેલા શાળા કક્ષાએ તારીખ 28 ઓગસ્ટ સુધીમાં, સંકુલ કક્ષાએ 15 સેપ્ટેમ્બર સુધીમાં અંગ્રેજી ભાષાના મેળાનું આયોજન કરવામાં આવે, ત્યારબાદ તારીખ 23 સેપ્ટેમ્બર સુધીમાં જીલ્લા સ્તરનો મેળો યોજવામાં આવનાર છે. જેમાં બાળકોને અંગ્રેજી ભાષાને સહેલાઈથી અને ટેકનિકલી સમજાવવામાં આવશે. જેથી તેઓ રાષ્ટ્રીય અને અંતરાષ્ટ્રીય સ્તરે કોમ્યુનિકેશન સ્કીલને ઉત્તમ કરી શકે.