શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , મંગળવાર, 4 ઑગસ્ટ 2009 (14:56 IST)

અંતે તબીબોની જીત્યાં, હડતાળ ખતમ

સ્ટાઇપેન્ડ વધારવાની માગણી સરકારે સ્વીકારી

સ્ટાઇપેન્ડ વધારાની માગણી સાથે છેલ્લા 12 દિવસથી હડતાળ પર ઉતરેલા રાજયભરના રેસિડેન્ટ તબીબોની માગણીને સ્વીકાર કરવાની સરકારને ફરજ પડતા સોમવારે રાત્રે આ હડતાળનો અંત આવ્યો હતો.

રાજયના આરોગ્યસચિવ રવિ સકસેનાએ તબીબો અને સરકાર વચ્ચે સમાધાન માટે રચવામાં આવેલી સાત સભ્યોની કોર કમિટીને પત્ર લખીને ડોક્ટરોની તમામ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

હડતાળિયા તબીબોની સ્ટાઇપેન્ડ વધારવાની મુખ્ય માગણીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે, જેમાં હાલ દર માસે રૂપિયા 11,450 નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે 20,000 થી વધુ કરવામાં આવશે. તે સાથે જે ડોકટરોને ટર્મિનેટ અથવા ડી-રજિસ્ર્ટડ કરવામાં આવ્યા છે તેમને પણ ફરજ પર પરત લઈ લેવા સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ સહિત રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ડોકટરોની હડતાળ સોમવારે મોડી રાત્રે સમેટાઈ ગઈ હતી. રાજયના આરોગ્યસચિવ રવિ સકસેનાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, તબીબોની માંગ વ્યાજબી છે અને તેને પૂરી કરવાની ખાતરી આપીએ છીએ. ડોકટરોને પ્રતિમાસ 11,450 રૂપિયા સ્ટાઇપેન્ડ અપાય છે તેમાં વધારો કરીને 20,000 થી વધુ કરવામાં આવશે.

ઉપરાંત ડિગ્રી હોલ્ડર કરતાં ડિપ્લોમા હોલ્ડર ડોકટરોને 60 ટકા સ્ટાઇપેન્ડ અપાતું હતું, તે વધારીને 70 ટકા કરવામાં આવશે. આ પત્રમાં હડતાળ દરમિયાન ટર્મિનેટ અથવા ડી-રજિસ્ર્ટડ થયેલા ડોકટરો ફરજ પર હાજર થઈ શકશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત ડોકટરોની હડતાળના સમયગાળાને નોકરીનો કાર્યકાળ ગણીને તેનું વળતર પણ ડોકટરોને ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રવિ સકસેનાએ કોર કમિટીના સભ્યો એમસીઆઇના ચેરમેન ડો. કેતન દેસાઈ, બી.જે.મેડિકલ ડીન. ભરત શાહ, ડો. એચ.પી ભાલોડિયા, ડો. બી.ડી. માંકડને પત્ર લખીને ડોકટરોની માગણીઓ સ્વીકારાઈ હોવાની જાણ કરી હતી.