શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 12 નવેમ્બર 2014 (15:18 IST)

અડધા દિવસની ખૂટતી નોકરી માટે ૨૪ વર્ષ સુધી કાનૂની લડત આપી, થઇ જીત

માત્ર ૫૬ રૂપિયાની ઉચાપતના કેસમાં પોસ્ટના કર્મચારીએ નિર્દોષતા પુરવાર કરવા આખી જિંદંગી ઘસી નાંખી. દિલ્હી ટ્રાન્સપોર્ટ સર્વિસના કંડક્ટરે માત્ર પાંચ પૈસાની ભૂલમાં ખોટા આક્ષેપો સામે ૪૧ વર્ષ લડત આપ્યાના સમાચારો થોડા સમય પહેલા જ ચમક્યા હતા. આવા જ એક કિસ્સામાં જંગલ ખાતાના માળીએ અડધા દિવસની ખૂટતી નોકરી માટે ૨૪ વર્ષ સુધી કાનૂની લડત આપી જીત મેળવી છે. કાયદાની લડતમાં હામ ન હારી વર્ષો વીતી જવા છતાં જીત મેળવ્યાનો આત્મસંતોષ તેમણે લીધો હતો. જોકે, અમદાવાદના અશોકભાઈ રાઠોડને અદાલતે પુન: ફરજ ઉપર લેવા આદેશ કર્યો છે, પણ વન વિભાગ પુન: નોકરી નહીં આપી અદાલતના આદેશનું જાણે ઉલ્લંઘન કરી રહ્યું છે. એક સામાન્ય નાગરિક અદાલતના કાયદાને માને છે ત્યારે વનતંત્ર 'જંગલનો કાયદો' હોય તેમ વર્તે છે!

બાપુનગરમાં રહેતા અશોકભાઇ રાઠોડ (ઉં.વ.૫૨) વર્ષ ૧૯૮૦ થી ૧૯૯૦ દરમિયાન ફોરેસ્ટ વિભાગમાં માળી તરીકે નોકરી કરતા હતા. નાના ચિલોડા ખાતે નર્સરીમાં રોપા અંગેનું કામ મળ્યું હતું. સાત જુલાઇ ૧૯૯૦ના રોજ તેમને સરકાર પાસે ગ્રાન્ટ નથી અને અમારી પાસે તમારા લાયક કામ નથી તેવું કહી અધિકારીએ બરતરફ કરી દીધા હતા. એટલે અશોકભાઇનું જીવન અંધકારમય બની ગયું હતું. નોકરી પરત મેળવવા તેમણે ૧૯૯૦થી તેમણે લેબર કોર્ટમાં દાવો કરી ન્યાયિક લડત શરૂ કરી હતી ૧૫ વર્ષે કેસ ચાલ્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, બરતરફ કર્યાના પાછલા વર્ષ ૧૯૮૯ થી ૧૯૯૦ દરમિયાન તમારી નોકરી ૨૩૯.૫ દિવસની છે.

કાયમી નોકરીના સિદ્ધાંત પ્રમાણે એક વર્ષમાં ૨૪૦ દિવસ નોકરી ન થતી હોવાથી તમારી અરજી ટકવાપાત્ર નથી. ૧૫ વર્ષની લડાઇ બાદ અશોકભાઇને નિષ્ફળતા મળી હતી આમ છતાં તેઓ નિરાશ થયા ન હતા. બીજી તરફ તેમના બાળકો મોટાં થઇ રહ્યાં હતાં અને તેમના ભરણપોષણ માટે પૈસા પણ રહ્યાં ન હતા છતાં તેમણે લડત ચાલુ રાખી હતી. વર્ષ ૨૦૦૫માં આરટીઆઇનો કાયદો આવ્યો અને તેમણે ફોરેસ્ટ વિભાગમાં આરટીઆઇ કરી તમામ હાજરીપત્રકો મંગાવ્યા હતા. હાજરી પત્રકો આપવામાં પણ તંત્રએ ગલ્લાં તલ્લાં કર્યા પરંતુ કાયદો હોવાને કારણે ફોરેસ્ટ વિભાગે પત્રકો મોકલાવ્યા.

હાજરીપત્રકોનો અભ્યાસ કરતા તેમણે ૨૪૧ દિવસ કામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તમામ દસ્તાવેજ રજુ કરી તેમણે એડવોકેટ પ્રશાંતભાઇ ચૌધરી મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી હતી. હાઇકોર્ટે આ બાબત ગંભીરતાથી લઇ લેબર કોર્ટને નિર્ણય કરવા આદેશ કર્યો હતો. પાછો આખો મામલો લેબર કોર્ટમાં આવ્યો, જેમાં દલીલો બાદ કોર્ટે નોકરીમાં પુન:ફરજ પર લેવા આદેશ કર્યો છે. જોકે, હવે બાકી રહેલી આઠ વર્ષની નોકરી મેળવવા અશોકભાઇ અહીં ત્યાં ફરી રહ્યાં છે પરંતુ ફોરેસ્ટ વિભાગ કોઇ નિર્ણય લઇ રહ્યું નથી. જેના કારણે આ મામલે કંન્ટેમ્પ ઓફ કોર્ટ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

RTIમાં ૨૨ કિલો જેટલા દસ્તાવેજ આપવામાં આવ્યા હતા. જેમાં હાજરીપત્રકો સહિતના દસ્તાવેજનો સમાવેશ થતો હતો અંદાજે ૨૨ કિલો જેટલા દસ્તાવેજ ફેંદી કાઢ્યા બાદ અશોકભાઇને તેમનું હાજરીપત્રક મળ્યું હતું. તેમાં ૨૩૯.૫ ની જગ્યાએ ૨૪૧ દિવસ નોકરી ૧૯૮૯થી ૧૯૯૦ના વર્ષ દરમિયાન કરી હોવાનું જણાયું હતું.

અશોકભાઇની કમાણી બંધ થઇ જતા તેમની પત્નીએ જણાવ્યું હતું કે, તમે કંઇ જ કમાતા નથી તો મારું ભરણપોષણ કેવી રીતે ચાલશે. ત્યારબાદ પત્ની તેમને છોડી ચાલી ગઇ હતી. તેમ છતાં અશોકભાઇએ કાનૂની લડાઇ ચાલુ રાખી હતી અને ત્રણ વર્ષ બાદ તેમણે પત્નીને સમજાવી તેઓ પરત લાવ્યા હતા.