શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 24 મે 2013 (17:57 IST)

અમદાવાદથી મુંબઈ પહોંચો માત્ર બે કલાકમાં - હાઈસ્પીડ બુલેટ ટ્રેન

P.R
:
ગુજરાતનો વિકાસ દેશમાં જાણીતો બન્યો છે. આમા ચાર વધુ એક સ્ટાર લાગી જશે જ્યારે દેશના સૌથી વધુ વ્યસ્ત એવા રેલમાર્ગ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. જાપાન અને ચીનની જેમ બુલેટ ટ્રેન માટેનો રસ્તો મોકળો થઈ રહ્યો છે. ફ્રાન્સની રેલવે કંપની એસએનસીએફ દ્વારા અમદાવાદ-મુંબઇની જેમ ભારતમાં અન્ય 6 જગ્યાએ હાઇસ્પીડ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન માટે વર્ષોથી બજેટમાં ઉલ્લેખ થાય છે પરંતુ તેમાં કોઇ નક્કર કામગીરી થતી નથી. ગુજરાતે તો બુલેટ ટ્રેન ઉપરાંત અમદાવાદ-મુંબઇ વચ્ચે ત્રીજી રેલવેલાઇન શરૂ કરવાની માંગણી પણ કરી છે. દરમિયાનમાં રેલમંત્રાલય અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ રેલવે કોરિડોર માટે ફ્રાન્સની નેશનલ રેલવેને કામ સોંપ્યું છે. જોકે આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ વાસ્તવિકરૂપે પ્રથમ બુલેટ ટ્રેન દોડતાં 10 વર્ષ લાગશે.

સૂત્રોએ જણાવ્યું કે ફ્રાન્સની નેશનલ રેલવેની એસએનસીએફ કંપની હાલમાં 850 બુલેટ ટ્રેનો દોડાવી રહી છે. આ કંપનીના સત્તાવાળાઓ કહે છે કે ભારતમાં 6 જગ્યાએ હાઇસ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવાની છે જેમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે 534 કિમી લાંબો રેલ કોરિડોર બનશે અને તેના પર પ્રતિકલાકના 320 કિમીની ઝડપે બુલેટ ટ્રેન દોડશે. અમદાવાદ થી મુંબઇ વચ્ચેનું આ અંતર 2 કલાકમાં પૂર્ણ થશે. એટલે કે અમદાવાદીઓ કે મુંબઇવાસી 2 કલાકમાં મુંબઇ કે અમદાવાદ પહોંચશે. આ કોરિડોરનો ફાઈનલ રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. ઓક્ટોબર-2013માં આ રિપોર્ટ રેલવેમંત્રાલયને આપવામાં આવશે. અંદાજિત ખર્ચ રૂ. 60 હજાર કરોડ છે. પ્રોજેક્ટ માટેનું નાણાભંડોળ ફ્રાન્સની સરકારે આપ્યું છે. આ બુલેટ ટ્રેનમાં ટિકિટના ભાવ અને અન્ય નાણાકીય બાબતો અંગે ત્યારબાદ નિર્ણયો લેવાય તેમ છે.