શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 24 મે 2013 (09:17 IST)

અમદાવાદમાં દેશની પ્રથમ યોગા યુનિવર્સિટીનો પ્રારંભ

: ગુજરાતમાં આજથી સંપૂર્ણપણે યોગનું શિક્ષણ આપતી નવી અને સંભવતઃ દેશની પ્રથમ યોગા ખાનગી યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં એસ. જી. હાઇવે પર બાલાજી મંદિર નજીક લોટ્સ ભવન ખાતે આજે સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. લકુલીશ યોગા યુનિવર્સિટી તરીકે ઓળખાતી આ ખાનગી યુનિવર્સિટીને રાજ્ય સરકારે માન્યતા આપી છે. ઉદઘાટનપ્રસંગે મુખ્યમંત્રી મોદીએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે યોગ એ માત્ર રોગમુક્તિ માટે નથી પરંતુ તે ભોગમુક્તિ માટે પણ છે. કાયદાની રીતે તેને યોગાયુનિવર્સિટી તરીકે જોવામાં આવતો હોય. વાસ્તવમાં તે યુગ યુનિવર્સિટી છે કેમ કે આજથી આ યુનિવર્સિટી દ્વારા માનવજાતના કલ્યાણ માટે એક નવા યુગનો પ્રારંભ થયો છે. જેનો લાભ માત્ર ગુજરાત અને ભારતના જ નહીં પરંતુ વિશ્વ આખાને મળશે.
P.R


તેમણે એમ પણ કહ્યું કે યોગા એ જ્ઞાન, કર્મ અને ભક્તિનું સંયોજન છે. આ ત્રણેય મળે ત્યારે યોગા બને છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ જ્યારે ગુજરાતમાં યોગા યુનિવર્સિટી સ્થપાશે એમ અગાઉ કહેતા હતા ત્યારે તેમને પૂછવામાં આવતું હતું કે આ કેવા પ્રકારની યુનિવર્સિટી હશે? પરંતુ આજે સૌ કોઇ જોઇ શકે છે કે યોગા યુનિવર્સિટીનું સ્વપ્ન વાસ્તવિક બન્યું છે.

તેમણે પોતાના લંબાણ વકતવ્યમાં યોગનું કેટલું મહત્વ છે એની સાદી સમજણ આપી હતી. અને આ યોગા યુનિવર્સિટી શરૂ કરનાર સંસ્થા તથા રાજર્ષી મુનીજીને અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વમાં જ્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ (તનાવ વ્યવસ્થાપન) માટે વિવિધ ઉપાયો અજમાવવામાં આવી રહ્યાં છે ત્યારે યોગા તનાવ વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ છે. નિયમિત યોગા કરવાથી માનવીને શારીરિક અને માનસિક તનાવમુક્તિ રહે છે. રોજબરોજનાં કાર્યોમાં પણ એક નવી ઊર્જાનો અહેસાસ પ્રાપ્ત થાય છે. આજે સંયુક્ત ફેમિલી વિભાજિત થઈને નાના-નાના પરિવારો બની રહ્યાં છે ત્યારે માતા-પિતા કામકાજમાં વ્યસ્ત હોય અને બાળકોમાં માનસિક તનાવ વધી રહ્યું છે જે ગન-કલ્ચરમાં પરિવર્તિત થાય છે. તેમણે દાખલો આપ્યો કે બાળકને રમકડાંની દુકાનમાં લઇ જઇએ તો દસમાંથી આઠ બાળકો બંદૂકને પસંદ કરે છે. આ દર્શાવે છે કે આપણે કેવા સમાજની રચના કરી રહ્યાં છીએ. તેમણે તાલીમબદ્ધ અને શ્રેષ્ઠ યોગા શિક્ષકો તૈયાર કરવા માટે ભાર મૂક્યો હતો. આમ, ગુજરાતમાં અમદાવાદ ખાતે આજથી યોગા યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે જેમાં 6 સેમિસ્ટારમાં ત્રણ વર્ષનો ડિગ્રી અભ્યાસક્રમ શીખવવામાં આવશે.