શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 10 નવેમ્બર 2014 (17:13 IST)

અમદાવાદમાં ૧૬ નવેમ્બરે રવિવારે વર્લ્ડ રેકૉર્ડ ફેસ્ટિવલ

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય છે, પરંતુ ૧૬ નવેમ્બરે રવિવારે અમદાવાદમાં એકસાથે ચાર વર્લ્ડ રેકૉર્ડ કરવા વાઇબ્રન્ટ વર્લ્ડ રેકૉર્ડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેકૉર્ડમાંથી એક રેકૉર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે સાંકળવામાં આવ્યો છે.

ચાર જુદા-જુદા રેકૉર્ડ પૈકી એક ‘મોસ્ટ ગ્રીટિંગ કાડ્ર્‍સ સેન્ટ ઍટ અ ટાઇમ ફ્રૉમ સેમ લોકેશન’માં નાગરિકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિવાળીની શુભેચ્છાનાં કાર્ડ લખશે. અમારો પ્રયાસ છે કે એકસાથે ૧૨ હજારથી વધુ નાગરિકો આ કાર્ડ લખશે. અગાઉ આ રેકૉર્ડ ૨૦૧૩ની ૧૮ જુલાઈએ અમેરિકામાં ૨૯૮૪ નાગરિકો દ્વારા નોંધાયો હતો.

બીજો રેકૉર્ડ ‘લાર્જેસ્ટ ગેધરિંગ ઑફ ચિલ્ડ્રન ઇન ફૅન્સી ડ્રેસ’ છે જેમાં પાંચ હજાર બાળકો સામેલ થવાની સંભાવના છે. આ રેકૉર્ડ વર્લ્ડમાં પ્રથમ વાર થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ત્રીજો રેકૉર્ડ ‘લાર્જેસ્ટ ગેધરિંગ ઑફ પીપલ વિથ મૂછ (રિયલ)’નો છે જેમાં બે હજારથી વધુ નાગરિકો જોડાશે એવી ધારણા છે. અગાઉ ૨૦૧૦ની ૨૬ નવેમ્બરે અમેરિકામાં રિયલ મૂછ ધરાવતા ૧૧૩૧ નાગરિકો એકઠા થયા હતા જે રેકૉર્ડ છે.

ચોથો રેકૉર્ડ ‘લાર્જેસ્ટ ગેધરિંગ ઑફ પીપલ વિથ સેમ સરનેમ’ છે જેમાં ૨૫૦૦થી વધુ નાગરિકો જોડાશે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ૨૦૦૭ની ૯ સપ્ટેમ્બરે આયર્લે‍ન્ડમાં સેમ સરનેમવાળી એકસાથે ૧૪૮૮ વ્યક્તિ એકઠી થઈ હતી અને રેકૉર્ડ નોંધાયો હતો.

આ વાઇબ્રન્ટ રેકૉર્ડ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ અને લિમકા બુક ઑફ રેકૉર્ડ્સની ઑફિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ રેકૉર્ડ માટે ઍપ્લિકેશન સ્વીકારવામાં આવી હોવાનો દાવો આયોજકે કર્યો છે.

અમદાવાદમાં હેલ્મેટ સર્કલ પાસે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે ૧૬ નવેમ્બરે યોજાનાર આ અનોખા ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે જુદી-જુદી ચાર ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થવા અત્યાર સુધીમાં ૧૫ હજાર એન્ટ્રીઓ આવી છે.