મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

અમીત શાહ સોમનાથ દર્શન કરી આજે ગુજરાતમાં પ્રવેશ કરશે

P.R
સોહરાબુદ્દીન નકલી એનકાઉન્ટર કેસમાં આરોપી અને છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં પ્રવેશબંધીનો સામનો કરી રહેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમીત શાહ આજે ગુજરાત આવવા રવાના થઇ ગયા છે. આજે સવારે મુંબઇથી દીવ પહોંચશે અને ત્યાંથી ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ સોમનાથ ખાતે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને અમદાવાદ પોતાના નિવાસસ્થાને રવાના થશે.

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને મોદીના ખાસ ગણાતા અમીત શાહ માટે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં પ્રવેશવાનો રસ્તો ખુલ્લો કરીને તેમને ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી આપતાં ભાજપમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. ગઇકાલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ અમીત શાહે આશ્ચર્યજનક રીતે સીધા જ હરિયાણાના સુરજકુંડ ખાતે ચાલી રહેલી ભાજપની રાષ્‍ટ્રીય કારોબારીમાં હાજરી આપી હતી. આ બાદ આજે તેઓ અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાને આવનાર છે.

આજે સવારે ગુજરાત માટે રવાના થતાં મુંબઇથી દીવ પહોંચશે અને ત્યાંથી તેઓ કાર દ્વારા તીર્થધામ સોમનાથ પહોંચનાર છે. અહીં તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને બાદમાં અમદાવાદના નારણપુરા સ્થિત પોતાના નિવાસસ્થાને રવાના થશે.
નારણપુરા ખાતે તેમના પરિવાર, કુટુંબીજનો તેમજ મિત્રો અને શુભેચ્છકોએ અમીત શાહના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી દીધી છે. નોંધનીય છે કે, આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યે તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચશે.