મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 10 મે 2014 (18:06 IST)

આ...જ મોદી ૧૯૮૫માં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન-તોફાનો કરાવતા હતા: મોઢવાડિયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ એવો સવાલ ઉઠાવ્યો છે કે લોકસભાની ચૂંટણીના છેલ્લા ચરણોમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને પછાત જાતિના અને ઓબીસી તરીકે ઓળખાવી સહાનુભૂતિના મત માગી રહ્યા છે ત્યારે આ જ મોદી અને ભાજપના આગેવાનો મણીનગરના હેડગેવાર ભવનમાં બેસીને ૧૯૮૫માં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન- તોફાનો કેમ કરાવતા હતા, તેનો મોદી અને ભાજપ જવાબ આપે કેમ કે એ તોફાનોમાં અસંખ્ય લોકોના જાન ગયા છે.
 
પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ૧૯૮૫માં કોંગ્રેસની માધવસિંહ સોલંકીની સરકારે બક્ષીપંચની જાતિઓ માટે ૨૭ ટકા અનામત જાહેર કરી ત્યારે તે સમયે અશોક ભટ્ટ સહિતના ભાજપના નેતાઓ અનામતવિરોધી આંદોલન કરાવતા હતા અને મોદી એ વખેત હેડગેવાર ભવનમાં બેસીને તોફાનોને હવા આપવાનું કામ કરતા હતા, જો મોદી પોતે પછાત જાતિના હોત તો તેઓ આંદોલન- તોફાનોમાં ભાગ લેત જ નહીં, માટે મોદી નકલી ઓબીસી છે.
 
મોઢવાડિયાએ બીજું ઉદાહરણ ટાંકતા કહ્યું કે, અગાઉ કોઈ સરકારોએ એસ.સી., એસ.ટી., ઓબીસીની અનામત પ્રથામાં છેડછાડ કરવાની કોશિષકરી નથી, પરંતુ આ જ નરેન્દ્ર મોદીએ તેમના શાસન દરમિયાન આદિજાતિને વસતિના આધારે બંધારણીય અધિકારની રૃએ મળવાપાત્ર ૧૪.૫ ટકા અનામત ઘટાડીને ૯ ટકા કરી હોવાનું હાઈકોર્ટમાં એફિડેવિટ ઉપર સ્વીકાર્યું છે. ઉપરાંત ભૂતકાળમાં કેન્દ્રમાં વી. પી. સિંઘની સરકારે માંડલ કમિશનમાં સમાવિષ્ટ પછાત જાતિઓ માટે અનામતની નીતિ લાગુ કરી ત્યારે ભાજપે એ સરકારને ટેકો પાછો ખેંચી લઈ 'મંડલ નહીં કમંડલ ચલેગા' એવું કહેલું. આ સંજોગોમાં મોદી, ભાજપ અને આરએસએસનું કાયમી પછાતજાતિ વિરોધી વલણ પ્રતિપાદિત થાય છે, કેમ કે તેઓ હંમેશા આમઆદમીની વિરૃદ્ધમાં અને કોર્પોરેટ કલ્ચરની તરફેણમાં રહ્યાં છે. મોઢવાડિયાએ એમ પણ કહ્યું કે, ગુજરાતમાં કોંગીશાસનમાં ગરીબોને અપાયેલી સાંથણીની જમીનોને નવી શરતમાં ફેરવવાનું કામ મોદી સરકારે કર્યું છે, આ સરકારે ગરીબોને ૧૦૦ વારના પ્લોટ આપવાની સ્કીમ પણ બંધ કરી છે, આ સરકારે કેન્દ્રીય વન અધિકાર કાનૂન નહીં પાળી માત્ર ૨૭ ટકા આદિવાસી અરજદારોને જ જંગલજમીનોનો લાભ આપ્યો છે, આ સરકારના શાસનમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ના છાત્રાલયો નિવાસશાળાઓમાં ૭૦ ટકા ખાલી જગ્યા ભરાતી નથી અને સરકારી તંત્રમાં આજની તારીખે અનામતની ૨૭ હજાર જગ્યાઓ ખાલી પડી છે.